ભચાઉ દારૂના SMC ના મોટા દરોડા બાદ માત્ર PI નો જ ‘ભોગ‘ કેમ ? : શું અન્ય જવાબદારોને અભયદાન અપાયું ?
સ્ટેટ મોનીટરીંગ સેલે દરોડો પાડયો હતો તેમાં પીઆઈની લાપરવાહી ફીટ કરી અને તેમને પાણીચું આપી દેવાયુ, પણ હકીકતમાં તો તે વખતના એલસીબી પીઆઈ કોણ હતા? તેની બેદરકારી કેમ અહી ન દેખાઈ? ઉપરાંત તે વખતના ભચાઉના ડી સ્ટાફને પણ કેમ આબાદ છોડી દેવાયો? : જાણકારોમાંથી ઉઠતા તરેહ તરેહના સવાલો : પોલીસ મથકના તે સમયના વહીવટદારની સામે પણ કેમ ન કરાઈ કાર્યવાહી?
ગાંધીધામ : રાજ્યના પોલીસ વડા દ્વારા ભચાઉના પૂર્વ પીઆઈ અને હાલ એલઆઈબીમાં કાર્યરત અર્જુનસિંહ એ. જાડેજાને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી નર્મદા બદલી કરી દેવાતા પોલીસ બેડામાં ભારે ખળભળાટ મચી ગયો છે. જોકે, આ આકરી કાર્યવાહી બાદ હવે અનેક તર્ક-વિતર્ક અને સવાલોએ જોર પકડ્યું છે.ગત નવેમ્બર ૨૦૨૫માં ભચાઉની બજરંગ હોટલના પાર્કિંગમાંથી રૂ. ૧.૮૬ કરોડ અને ફેબ્રુઆરી ૨૦૨૬માં વોંધ પાસે કન્ટેનરમાંથી રૂ. ૧ કરોડનો વિદેશી દારૂ સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો હતો. આ બે મોટા દરોડા બાદ લાંબી આંતરિક તપાસના અંતે પીઆઈ જાડેજા સામે ગાજ પડી છે.જો કે, હવે અહી સવાલો પણ થવા પામી રહ્યા છે કે, માત્ર પીઆઈ જ કેમ? ભચાઉ પોલીસ મથક જેવા સંવેદનશીલ વિસ્તારમાં જ્યારે કરોડોનો દારૂ પકડાય છે, ત્યારે શું જવાબદારી માત્ર પીઆઈની જ બને છે? તે સમયે કાર્યરત (ડી-સ્ટાફ) ની ભૂમિકા સામે કેમ કોઈ તપાસ ન થઈ?વહીવટદાર કોણ હતું? લોકચર્ચા મુજબ, તે સમયે ભચાઉ પોલીસ મથકમાં ‘વહીવટદાર’ તરીકે કોણ સક્રિય હતું? શું આ વહીવટદારો અને નીચેના સ્ટાફની રહેમરાહ વગર આટલા મોટા પાયે બૂટલેગિંગ શક્ય છે? જો ના, તો તેમના પર કેમ કોઈ પગલાં લેવાયા નથી? LCB પીઆઈ તે વખતના પણ કેમ બચી ગઈ? સ્થાનિક ગુના નિવારણ શાખા જેની મુખ્ય જવાબદારી જ પ્રોહિબિશન અને ગંભીર ગુનાઓ રોકવાની છે, તે આ સમગ્ર પ્રકરણમાં કેમ સાઈડમાં રહી ગઈ? SMC ના દરોડા એ સ્થાનિક LCB ની પણ નિષ્ફળતા છે, તો તેમના અધિકારીઓ સામે તપાસનો દોર કેમ લંબાવાયો નથી? આ ઉપરાંત વિલંબિત કાર્યવાહી પાછળનું રહસ્ય શું? ફેબ્રુઆરીના દરોડા બાદ પીઆઈને એલઆઈબીમાં સાઈડ લાઈન કરાયા હતા, પરંતુ આટલા લાંબા સમય બાદ સસ્પેન્શનનો ઓર્ડર આવવો એ શું કોઈ મોટી માછલીઓને બચાવવાની રમત છે?ટોક ઓફ ધ ટાઉન તો એ વાત પણ બની રહી છે કે, સામાન્ય રીતે રાજ્ય કક્ષાએથી સીધું સસ્પેન્શન માત્ર અતિ ગંભીર કિસ્સામાં જ થાય છે. ત્યારે સવાલ એ થાય છે કે શું આ કાર્યવાહી માત્ર દેખાડો છે કે પછી મૂળ સુધી તપાસ થશે? જો પીઆઈ સામે સાંઠગાંઠના પુરાવા મળ્યા હોય, તો તેમની નીચે કામ કરતા અને ઉચ્ચ કચેરીઓમાં બેઠેલા જવાબદારોને કેમ છાવરવામાં આવી રહ્યા છે?હાલમાં તો અર્જુનસિંહ જાડેજાને નર્મદા હેડક્વાર્ટર ખાતે હાજર થવા આદેશ કરાયો છે, પણ આ ઘટનાએ ભચાઉ અને કચ્છ પોલીસની છબી પર મોટા સવાલો ઊભા કર્યા છે.
......

Comments