કચ્છ સરહદે વધતી નાપાક હલચલ - રાષ્ટ્રીય સુરક્ષા સામે નવો પડકાર
પાકીસ્તાનની સરહદને અડીને આવેલા જિલ્લાના છેવાડાના વિસ્તારોમાંથી આઈએસઆઈએસ આતંકી કડી ધરાવતો શખ્સ ઝડપાયો, ડ્રોનના ટુકડાઓ થયા બરામદ, ચરસના કરોડોના છુટ્ટાછવાયા પેકેટસ મળવા પામી રહ્યાછે, અને અધુરામાં પુરૂ હવે બિનવારસુ પાકીસ્તાની બોટ પણ પકડી લેવાઈ? : સાગર કવાયતની સજજતા થકી આ બધુ પકડાઈ રહ્યુ છે કે પછી અન્ય કોઈ હલચલનું છે પરીણામ? ગુપ્તચર-સુરક્ષા એજન્સીઓએ આ બાબતે ગાફેલ ન રહે
જયારે જયારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ જેવા વીઆઈપી ગુજરાત પ્રવાસે આવે છે ત્યારે કચ્છ કાંઠેથી બિનવારસુ બોટ મળવા પામી જાય છે કે પછી અસ્થિર મગજના શખ્સો સીમાએથી પકડાતા હોવાના નાપાક છમકલાઓ થવા પામે છે? તેનું રહસ્યુ શુ?
ગાંધીધામ :ભારતની પશ્ચિમ સરહદ પર આવેલું કચ્છ માત્ર કુદરતી સૌંદર્યનું કેન્દ્ર નથી, પરંતુ તે દેશની રક્ષા માટે અત્યંત સંવેદનશીલ કડી પણ છે. તાજેતરમાં હરામી નાળા અને ક્રીક વિસ્તારમાંથી ઝડપાયેલી બિનવારસી પાકિસ્તાની બોટ, ચરસના પેકેટો અને ડ્રોનનો કાટમાળ - આ ત્રણેય ઘટનાઓ એક જ સંકેત આપે છે. સરહદ પારથી ભારત વિરુદ્ધ ષડયંત્રના તાણાવાણા સતત વણાઈ રહ્યા છે. સીમા સુરક્ષા દળ અને અન્ય એજન્સીઓનું એલર્ટ હોવું એ હવે માત્ર ફરજ નથી, પરંતુ રાષ્ટ્રીય અનિવાર્યતા બની ગઈ છે.કચ્છની ભૌગોલિક પરિસ્થિતિ જેટલી વિકટ છે, તેટલી જ ત્યાં સુરક્ષા રાખવી પડકારજનક છે. રણ, દલદલ અને ક્રીક વિસ્તારનો લાભ લઈને પાકિસ્તાની માછીમારો કે ઘૂસણખોરો અવારનવાર ભારતીય જળસીમામાં પ્રવેશે છે. જોકે, તાજેતરમા જ ઝડપાયેલી બોટમાંથી માત્ર માછીમારીના સાધનો મળ્યા છે, પરંતુ આને ‘માત્ર માછીમારી’ ગણીને નજરઅંદાજ કરી શકાય નહીં. ઘણીવાર આવી બોટનો ઉપયોગ રેકી કરવા અથવા ડ્રગ્સના કન્સાઇનમેન્ટ ઉતારવા માટે કરવામાં આવતો હોય છે.છેલ્લા ૪ દિવસમાં ૪૭ નશીલા પદાર્થના પેકેટો મળવા એ બાબત સાબિત કરે છે કે પાકિસ્તાન હવે ભારતની યુવા પેઢીને બરબાદ કરવા માટે ‘ડ્રગ્સ ટેરરિઝમ‘નો સહારો લઈ રહ્યું છે. પંજાબ બાદ હવે ગુજરાતના દરિયાકાંઠાને સોફ્ટ ટાર્ગેટ બનાવવાની કોશિશ થઈ રહી હોય તેમ જણાય છે.સિંધોડી કાંઠેથી મળેલો ડ્રોનનો કાટમાળ વધુ ચિંતાજનક છે. આધુનિક ટેકનોલોજી દ્વારા સરહદ પારથી જાસૂસી કરવી કે હથિયાર-ડ્રગ્સ પહોંચાડવા એ સુરક્ષા દળો માટે નવો માથાનો દુખાવો છે.
BSF અને મરીન પોલીસ દ્વારા માંડવીથી લઈને લકી નાળા સુધી જે ‘રાઉન્ડ ધ ક્લોક’ પેટ્રોલિંગ શરૂ કરાયું છે તે પ્રશંસનીય છે. પરંતુ, આટલી વિશાળ દરિયાઈ પટ્ટી પર માત્ર સુરક્ષા દળોના ભરોસે રહેવાને બદલે સ્થાનિક માછીમાર સમુદાય અને સરહદી ગામના લોકો ‘કાન અને આંખ’ બનીને કામ કરે તે જરૂરી છે.રાત્રિના અંધારામાં પણ નજર રાખી શકે તેવા સેન્સર અને વધુ મજબૂત રડાર સિસ્ટમની જરૂરિયાત છે. મરીન પોલીસ સ્ટેશનો અને કોસ્ટ ગાર્ડ વચ્ચેનું સંકલન વધુ સઘન બનાવવું પડશે.કચ્છ સરહદે
ઝડપાયેલી બોટ અને ડ્રગ્સ એ માત્ર સામાન્ય ગુનાખોરી નથી, પરંતુ દેશની આંતરિક શાંતિ ડહોળવાનો પ્રયાસ છે. સુરક્ષા એજન્સીઓની સતર્કતાને કારણે મોટી આફતો ટળી રહી છે, પરંતુ પાકિસ્તાનની આ ‘હાઇબ્રિડ’ રમત સામે આપણે સતત સજાગ રહેવું પડશે. કચ્છની ધરતી પરથી ઉઠતી દરેક શંકાસ્પદ લહેરનો જવાબ પથ્થરબાજીથી નહીં, પણ વજ્ર જેવા મજબૂત સુરક્ષા કવચથી આપવો પડશે.
..............

Comments