ચેક રિટર્ન કેસમાં આરોપીને એક વર્ષની કેદ
ભુજ - કચ્છઉદય : ભુજની સરપ્રાઈઝ સેનિટેશન પ્રા.લિ. પેઢી પાસેથી રાપર તાલુકાના લોદ્રાણી ગામના રહેવાસી ઉપેન્દ્રસિંહ દાનુભા વાઘેલાએ બાંધકામની સામગ્રી ખરીદી હતી. આ ખરીદી પેટે બાકી રહેતી ૨,૫૦,૦૦૦ રૂપિયાની રકમનો ચેક તેમણે પેઢીને આપ્યો હતો, જે બેંકમાંથી પરત ફર્યો હતો. આ મામલે પેઢીના મેનેજર કૃણાલ ખંડોલ દ્વારા ભુજની ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટમાં ફોજદારી ફરિયાદ નોંધાવવામાં આવી હતી. કેસની સુનાવણી બાદ નામદાર કોર્ટે આરોપી ઉપેન્દ્રસિંહ વાઘેલાને તકસીરવાન ઠરાવી એક વર્ષની સાદી કેદની સજા ફટકારી છે. સાથોસાથ કોર્ટે આરોપીને મૂળ ચેકની ૨,૫૦,૦૦૦ રૂપિયાની રકમ અને વધારાના ૨,૦૦,૦૦૦ રૂપિયા વળતર પેટે મળી કુલ ૪,૫૦,૦૦૦ રૂપિયા ફરિયાદીને ચૂકવી આપવા આદેશ કર્યો છે. આ કેસમાં ફરિયાદી પક્ષે ભુજના સિનિયર એડવોકેટ જીતેન્દ્ર મુલચંદ ઝવેરી હાજર રહ્યા હતા.
------

Comments