Trending News
ક્રાઈમ

પશ્ચિમ બંગાળના સરહદી ગામમાંથી અંજાર પોલીસે સગીરાને ઉગારી 

09 May


અજાપર વિસ્તારમાંથી ૧૩ વર્ષીય સગીરાનું કરાયું હતું અપહરણ : મોબાઈલ વગરના આરોપીને પકડવો હતો પડકાર : પોલીસે બાંગ્લાદેશ બોર્ડર પાસે ગુપ્ત ઓપરેશન કરી સગીરાને શોધી પરિવાર સાથે કરાવ્યું મિલન :  બજરંગ દળ દ્વારા એસપી સહિતની ટીમનું ભવ્ય સન્માન

ગાંધીધામ - કચ્છ ઉદય : અંજાર તાલુકાના અજાપર ગામેથી અપહરણ કરાયેલી ૧૩ વર્ષીય સગીરાને પશ્ચિમ બંગાળની સરહદેથી હેમખેમ પરત લાવી અંજાર પોલીસે માનવતાવાદી અને સાહસિક કાર્ય કરી બતાવ્યું છે. આ સફળ ઓપરેશન બદલ આજે બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા પૂર્વ કચ્છ એસપી સાગર બાગમાર સહિતની પોલીસ ટીમનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું.
ઘટનાની વિગત મુજબ, ગત ૨૩ એપ્રિલના અજાપરની એક ખાનગી કંપનીમાંથી પશ્ચિમ બંગાળના હનીફ સરકાર નામના શખ્સે સગીરાનું અપહરણ કર્યું હતું. આ મામલે ફરિયાદ નોંધાયા બાદ અંજાર પોલીસ એક્શનમાં આવી હતી. આરોપી પાસે કોઈ મોબાઈલ ફોન ન હોવાથી અને માત્ર ટૂંકું નામ જ ઉપલબ્ધ હોવાથી પોલીસ માટે તેને શોધવો લોઢાના ચણા ચાવવા જેવો પડકાર હતો. અંજાર પીઆઈ હકુમતસિંહ જાડેજાના નેતૃત્વમાં એક વિશેષ ટીમની રચના કરવામાં આવી હતી. હ્યુમન ઈન્ટેલિજન્સની મદદથી બાતમી મળી હતી કે, આરોપી સગીરાને લઈને પશ્ચિમ બંગાળમાં બાંગ્લાદેશ બોર્ડરથી માત્ર ૨૫ કિમી દૂર આવેલા એક અંતરિયાળ ગામમાં છુપાયો છે. અંજાર પોલીસે પશ્ચિમ બંગાળ પોલીસની મદદ લઈ અત્યંત ગુપ્તતા સાથે ઓપરેશન પાર પાડ્યું હતું અને સગીરાને સુરક્ષિત રીતે શોધી કાઢી હતી સગીરાને અંજાર લાવ્યા બાદ ચાઈલ્ડ કમિટી દ્વારા તેનું કાઉન્સિલિંગ કરવામાં આવ્યું હતું અને ૮ તારીખના તેને તેના માતા-પિતાને સોંપવામાં આવી હતી. દીકરીના હેમખેમ પરત આવવાથી પરિવારમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. જોકે, પોલીસની ગંધ આવી જતાં આરોપી હનીફ સરકાર ભાગી છૂટ્યો હતો, જેને ઝડપી લેવા ચક્રો ગતિમાન 
કરાયા છે. 
આ બાબતે એસપી સાગર બાગમારે જણાવ્યું કે, ભોગ બનનાર સગીરાના અપહરણ બાબતે માહિતી મળતા ગુનો દાખલ કરીને અલગ અલગ ટીમો બનાવી તપાસ કરવામાં આવી હતી. ટીમે બંગાળમાં જઈને સગીરાને શોધી તેના પરિવાર સાથે મિલન કરાવવામાં આવ્યું છે. 


..........................

એસપી કચેરી ખાતે યોજાયો સન્માન સમારોહ 

પોલીસની આ સરાહનીય કામગીરીને બિરદાવવા માટે આજે બજરંગ દળ દ્વારા એસપી કચેરી ખાતે કાર્યક્રમ યોજાયો હતો. જેમાં એસપી સાગર બાગમાર, અંજાર પીઆઈ હકુમતસિંહ જાડેજા, પીએસઆઈ એસ.જી. વાળા , એસઓજીના પીઆઈ એ.આર. ગોહિલ અને પશ્ચિમ બંગાળ ગયેલી ટીમનું સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વીએચપી કચ્છ વિભાગના અધ્યક્ષ સુરેશભાઈ ગુપ્તા, સૌરાષ્ટ્ર પ્રાંતના મંત્રી દેવજીભાઈ મયાત્રા, સૌરાષ્ટ્ર પ્રાંત ધર્મ પ્રસાર પ્રમુખ મહાદેવભાઈ વીરા, પુર્વ કચ્છનાં ધર્મ પ્રસાર પ્રમુખ કિરીટભાઈ કોટક, ગાંધીધામ નગર અધ્યક્ષ હરેશભાઈ રામવાણી,  અંજાર પ્રખંડ અધ્યક્ષ ધનજીભાઈ ચૈયા અને મંત્રી ભાવિકભાઈ ખાટરીયા સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા અને પોલીસની કર્તવ્યનિષ્ઠાને બિરદાવી હતી.

...........................

સગીરાનું કરાયું હતું બ્રેઇનવોશ, ચાર દિવસ કાઉન્સેલિંગ કરાયું

આ ગુનામાં સંડોવાયેલ આરોપીનું પૂરું નામ કે સરનામું ઉપલબ્ધ ન હોવાથી તપાસ પડકારજનક હતી. જોકે, અંજાર પોલીસ ઇન્સ્પેક્ટર એચ.એ. જાડેજાના માર્ગદર્શન હેઠળ પોલીસે ટેકનિકલ એનાલિસિસ હાથ ધર્યું હતું. તપાસના અંતે આરોપીનું પૂરું નામ હનીફ હફીઝ સરકાર, રહે. મહીનાપુર, કુમારગંજ, દક્ષિણ દિનાજપુર (પશ્ચિમ બંગાળ) હોવાનું ખુલ્યું હતુ. આરોપી અને ભોગ બનનાર પશ્ચિમ બંગાળના છેવાડાના ગામમાં હોવાની ચોક્કસ બાતમી મળતા જ પીએસઆઈ જે.એસ. ચુડાસમાની આગેવાનીમાં એક ટીમ તત્કાલ પશ્ચિમ બંગાળ રવાના કરવામાં આવી હતી. ૪ મેના મત ગણતરીના દિવસે જ્યારે સમગ્ર રાજ્યમાં ચુસ્ત બંદોબસ્ત હતો, ત્યારે અંજાર પોલીસે બાંગ્લાદેશ બોર્ડરથી માત્ર ૨૫-૩૦ કિમી દૂર આવેલા મેનાપુર ગામમાં દરોડો પાડી સગીરાને મુક્ત કરાવી હતી અને આરોપીને ઝડપી લીધો હતો.સગીરાને અંજાર લાવ્યા બાદ શરૂઆતમાં તે માનસિક રીતે ડરેલી હોવાથી વાલીઓ સાથે જવા તૈયાર નહોતી. આ સંજોગોમાં પોલીસ દ્વારા સંવેદનશીલતા દાખવી ચાઇલ્ડ વેલ્ફેર કમિટી ભુજ ખાતે તેનું યોગ્ય કાઉન્સિલિંગ કરાવવામાં આવ્યું હતું. સાથોસાથ, પરપ્રાંતીય મજૂરી કામ કરતા તેના વાલીઓને પણ યોગ્ય માર્ગદર્શન આપી, સગીરાને સુરક્ષિત રીતે પરિવારને સોંપવામાં આવી હતી. આ કેસમાં તપાસ દરમિયાન ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ પોક્સો તથા એટ્રોસિટી એક્ટ હેઠળની કલમો ઉમેરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. આ સમગ્ર કામગીરીમાં અંજાર પીઆઈ એચ.એ. જાડેજા, પીએસઆઈ એસ.જી. વાળા, પીએસઆઈ જે.એસ. ચુડાસમા તથા પોલીસ સ્ટાફના જવાનો જોડાયા હતા. 

...........................

પોલીસની ઝડપી કામગીરીથી સગીરાનું પરિવાર સાથે મિલન : સુરેશભાઈ ગુપ્તા

વીએચપી કચ્છ વિભાગના અધ્યક્ષ સુરેશભાઈ ગુપ્તાએ જણાવ્યું કે, ૨૩ એપ્રિલના સગીરાના અપહરણની ફરિયાદ નોંધાયા બાદ સંગઠન દ્વારા અંજાર પોલીસ અને પૂર્વ કચ્છ પોલીસના ઉચ્ચ અધિકારીઓને ત્વરિત કાર્યવાહી કરવા રજૂઆત કરવામાં આવી હતી. પોલીસની કામગીરીને બિરદાવતા ઉમેર્યું કે, પોલીસે ખૂબ જ ટૂંકા ગાળામાં અને સઘન મહેનત કરીને સગીરાને શોધી કાઢી છે અને તેને હેમખેમ ગાંધીધામ લાવી પરિવારને સોંપી છે, જે ખરેખર પ્રશંસનીય છે. જોકે, તેમણે ચિંતા વ્યક્ત કરતા એમ પણ જણાવ્યું હતું કે, સમાજમાં આવી ઘટનાઓ ફરી ન બને તે માટે તંત્ર દ્વારા કડક દાખલો બેસાડવામાં આવે અને આરોપીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે તે અત્યંત અનિવાર્ય છે. પોલીસની આ સફળતાને વધાવવા માટે એસપી કચેરી ખાતે સન્માન કાર્યક્રમ યોજીને સમગ્ર ટીમનું મનોબળ વધારવામાં આવ્યું હતું.


 

Comments

COMMENT / REPLY FROM