મોડવદરના બેન્સામાં કરંટ લાગવાથી બિહારી મજૂરનું મોત
ટીમ્બરના ઉદ્યોગોમાં મજૂરો માટે સુરક્ષા વ્યવસ્થાનો અભાવ અને ઈલેકટ્રીક સલામતીમાં બેદરકારી દાખવાતી હોવાના આક્ષેપો કરાયા
ગાંધીધામ - કચ્છઉદય : અંજાર તાલુકાના મોડવદર ગામે ગ્રીન ગોલ્ડ બેન્સાની પાછળ બંસલ કંપનીના ટીમ્બરમાં કરંટ લાગવાના કારણે બિહારના મજૂરનું મોત થયું હતું. આ મામલે અંજાર પોલીસમાંથી મળતી વિગતો મુજબ મૂળ બિહારના હાલે કંપનીમાં જ રહેતા ર૯ વર્ષિય રવિશકુમાર સુરેશ યાદવ લાકડા કટીંગ કરવા વાળા મશીનમાં કામ કરતા હતા, ત્યારે મશીનમાં શોર્ટ લાગતા સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. જયાં ડોકટરે મૃત જાહેર કર્યા હતા.
દરમિયાન આ બાબતે કચ્છ જનરલ મજૂર સંઘ દ્વારા જણાવાયું છે કે, બિહારના બેગુસરાઈ જિલ્લાના હતભાગી યુવાન કામ કરતા હતા, ત્યારે કરંટ લાગતા બેભાન થયા હતા. ઘટના સ્થળે સુરક્ષા વ્યવસ્થાનો અભાવ, તાત્કાલિક ઈમરજન્સી સારવારનો અભાવ હોવાના કારણે જીવ બચાવી શકાયો ન હતો. સંઘના મહાસચિવ વંદના મિશ્રા, કાર્યાલય સચિવ મુકેશભાઈ ભરવાડ સ્થળ પર પહોંચ્યા અને માલિક પરમાનંદ બંસલ સાથે વાતચીત કરી હતભાગીના પરિવારને સહાય અપમાવી હતી, તેમજ વિમાની પ્રક્રિયામાં સહયોગ સાથે દેહને વતન સુધી મોકલવાની પ્રક્રિયા કરાઈ હતી. બિહારમાં પણ મિથીલા મજૂર સંઘના બિહારના પ્રભારી સંતોષસિંઘ અને તેમની ટીમ દ્વારા મૃતક પરિવારને જરૂરી મદદ કરવામાં આવી હતી. પ્રાથમિક તપાસમાં અને મજૂરો સાથેની ચર્ચામાં સામે આવ્યું કે, ભારે ટીમ્બર મશીન ચલાવતા મજૂરો માટે પુરતી સુરક્ષા વ્યવસ્થા નથી. ઈલેકટ્રીક સલામતીના નિયમોમાં બેદરકારી જોવા મળે છે. પીએફ અને અન્ય કાનૂની મજૂર હક્કોનું અમલ થતો નથી, ઔધોગિક સુરક્ષા અને મજૂરોના કાયદાઓની નબળી સ્થિતિ છે. કામના સ્થળે સુરક્ષા મળતી નથી. આ મુદ્દે કચ્છ મજૂર સંઘ દ્વારા આંતરરાષ્ટ્રીય મજૂર સંસ્થાને પણ જાણ કરવામાં આવી છે. અને ઉદ્યોગોમાં મજૂરોની સુરક્ષા માટે માંગ દોહરાવી હતી.

Comments