Trending News
સ્થાનિક સમાચાર

કચ્છથી રવાના થતી માલગાડીઓના સીલ તોડી અનાજ - ખાતરની લૂંટ ચલાવતી ગેંગનો પર્દાફાશ

09 May


પિતાએ જ ત્રણ પુત્રોને લૂંટારૂ બનાવી કચ્છ-રતલામ રેલવે રૂટ પર મચાવ્યો હતો આતંક : કંડલા અને મુંદ્રા પોર્ટથી નીકળતા માલસામાનને નિશાન બનાવતી ટોળકીના ત્રણ સાગરીતો જેલહવાલે

ભુજ - કચ્છઉદય : કચ્છના કંડલા અને પોરબંદર જેવા બંદરો પરથી દેશના અન્ય રાજ્યોમાં જતી માલગાડીઓને નિશાન બનાવી રેલવેના પાટા પર ચંબલના ડાકુઓ જેવો ત્રાસ વર્તાવતી ગોધરાની કુખ્યાત ‘સિગ્નલ ફળિયા ગેંગ’ના વધુ ત્રણ સાગરીતોને રેલવે પોલીસે દબોચી લીધા છે. કચ્છના આર્થિક હાર્દ સમાન કંડલા પોર્ટથી અનાજ અને ખાતર ભરીને રતલામ તરફ જતી ટ્રેનોમાં આ ગેંગ દ્વારા મોટાપાયે ચોરી કરવામાં આવતી હતી, જેના કારણે લાંબા સમયથી રેલવે પોલીસ દોડતી થઈ હતી. તાજેતરમાં રેલવે પોલીસે આ ટોળકી વિરુદ્ધ ‘ગુજસીટોક’ હેઠળ ગુનો નોંધી તપાસ તેજ કરતા આંતરરાજ્ય લૂંટના નેટવર્કનો પર્દાફાશ થયો છે. પકડાયેલા આરોપીઓને કોર્ટે ૧૩ મે સુધીના રિમાન્ડ પર સોંપવા હુકમ કર્યો છે.આ લૂંટારૂ ગેંગની મોડસ ઓપરેન્ડી કોઈ ફિલ્મી વાર્તાને પણ ટક્કર મારે તેવી છે. પકડાયેલા આરોપીઓ હસન, હુસેન અને યાસીન ત્રણેય સગા ભાઈઓ છે અને ચોંકાવનારી વિગત એ છે કે તેમને ગુનાખોરીના રસ્તે બીજું કોઈ નહીં પણ ખુદ તેમનો પિતા સલીમ ઉર્ફે ઠૂંઠિયો લઈ આવ્યો હતો. પિતાએ જ પોતાના સંતાનોને ટ્રેન લૂંટવાની તાલીમ આપી ગુનેગાર બનાવ્યા હતા. આ ટોળકી ખાસ કરીને કચ્છથી રતલામ અને મેઘનગર વચ્ચેના રેલવે ટ્રેક પર સક્રિય રહેતી હતી. ટ્રેન રોકવા માટે પિતા સલીમ ચાલુ ટ્રેનનો પ્રેશર કોક ખોલી નાખવામાં માહિર હતો. ટ્રેન ઉભી રહેતાની સાથે જ આ ટોળકી કંડલા પોર્ટથી ભરાયેલા અનાજ અને ખાતરના વેગનના સીલ તોડી ગણતરીની મિનિટોમાં હજારોની કિંમતનો માલ ચોરી કરી નાસી છૂટતી હતી.ગોધરા અને તેની આસપાસના રેલવે વિસ્તારોમાં આતંકનો પર્યાય બનેલી આ સિગ્નલ ફળિયા ગેંગનો ગુનાહિત ઈતિહાસ અત્યંત ડરામણો છે. છેલ્લા દસ વર્ષમાં આ ગેંગ સામે લૂંટ અને ચોરીના કુલ ૬૨ જેટલા ગુનાઓ નોંધાયા છે, જેમાં મોટાભાગના ગુનાઓ સંગઠિત ગુનાખોરી એટલે કે ગુજસીટોક હેઠળના છે. માત્ર રેલવેમાં લૂંટફાટ જ નહીં, પરંતુ આ ટોળકીએ ગોધરાના મંદિરોમાંથી મૂર્તિઓ ચોરી કરી તેને રાજસ્થાનમાં વેચવાનું પણ કારસ્તાન રચ્યું હતું. કચ્છના બંદરોથી નીકળતા માલસામાનની સુરક્ષા સામે પડકાર ફેંકતી આ ગેંગના મુખ્ય સૂત્રધારો પોલીસના સકંજામાં આવતા રેલવે તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. હાલમાં પોલીસ રિમાન્ડ દરમિયાન આ લૂંટારૂ ભાઈઓ પાસેથી કચ્છ-રતલામ રૂટ પર થયેલી અન્ય કેટલીક મોટી ચોરીઓના ભેદ ઉકેલાય તેવી પૂરેપૂરી શક્યતા વર્તાઈ 
રહી છે.

Comments

COMMENT / REPLY FROM