હાઇકોર્ટના આદેશનો અનાદર કરનાર ભચાઉ ડેપ્યુટી કલેક્ટર સામે અદાલતની લાલઆંખ
ભચાઉ - કચ્છઉદયઃ ગુજરાત હાઇકોર્ટે ન્યાયિક પ્રક્રિયામાં દખલગીરી અને ઉચ્ચ અદાલતના આદેશોની અવગણના કરનારા સરકારી અધિકારીઓ સામે કડક વલણ અપનાવ્યું છે. ભચાઉ ના ડેપ્યુટી કલેક્ટર દ્વારા હાઇકોર્ટના સ્પષ્ટ આદેશ છતાં મહેસૂલી એન્ટ્રી પ્રમાણિત કરવાનો ઇનકાર કરવામાં આવતા અદાલતે ગંભીર નોંધ લીધી છે. કોર્ટે આ વલણને માત્ર બેદરકારી નહીં પરંતુ ’કોર્ટની અવમાનના સમાન ગણાવ્યું છે.
આ સમગ્ર કેસની વિગત મુજબ, ભચાઉ તાલુકાના છારી ગામના રહેવાસી વિજયભાઈ છગનભાઈ ઠાકોર દ્વારા રજિસ્ટર્ડ વેચાણ દસ્તાવેજના આધારે મહેસૂલી એન્ટ્રી પડાવવા માટેની કાયદેસરની અરજી કરવામાં આવી હતી. આ મામલે નામદાર ગુજરાત હાઇકોર્ટે અગાઉ હકારાત્મક આદેશ આપ્યો હોવા છતાં, ભચાઉ ડેપ્યુટી કલેક્ટરે તારીખ ૨૧/૦૪/૨૦૨૬ના રોજ એક આદેશ કરીને આ એન્ટ્રી પ્રમાણિત કરવાનો ઇનકાર કરી દીધો હતો. ચોંકાવનારી બાબત એ હતી કે ડેપ્યુટી કલેક્ટરે પોતાના લેખિત આદેશમાં એવું કારણ દર્શાવ્યું હતું કે હાઇકોર્ટના આદેશને અપીલમાં પડકારવાની જરૂર છે, તેથી તેઓ આ એન્ટ્રી પ્રમાણિત કરી શકે તેમ નથી.
હાઇકોર્ટમાં આ મામલે સુનાવણી દરમિયાન જ્યારે આ બાબત સામે આવી ત્યારે અદાલતે આશ્ચર્ય વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, કોઈ પણ વહીવટી અધિકારી ઉચ્ચ અદાલતના આદેશને અમલમાં મૂકવાને બદલે તેને પડકારવાની દલીલ કરીને આદેશનો અનાદર ન કરી શકે. ડેપ્યુટી કલેક્ટરે પોતાની સત્તાની મર્યાદા વટાવીને હાઇકોર્ટના આદેશ સામે જે વલણ અપનાવ્યું તેને કોર્ટે અસહ્ય ગણાવ્યું હતું. સરકારી વકીલ દ્વારા પણ કબૂલવામાં આવ્યું હતું કે અધિકારીનો આ આદેશ ભૂલભરેલો અને અપમાનજનક છે, જેના પગલે ડેપ્યુટી કલેક્ટરે પણ સુધારાત્મક પગલાં લેવાની ખાતરી આપવી પડી હતી.
અંતે હાઇકોર્ટે કચ્છ કલેક્ટર અને ભચાઉ ડેપ્યુટી કલેક્ટરને કડક તાકીદ કરી છે કે આગામી સુનાવણી પહેલા આ ભૂલ સુધારીને કરવામાં આવેલા અમલીકરણનો અહેવાલ કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવે. આ કેસમાં અરજદાર તરફે એડવોકેટ અવિનાશ આર. ઠાકર અને એડવોકેટ શિવાંગ એ. ઠાકર હાજર રહ્યા હતા. જેમને ભચાઉના એડવોકેટ હરેશ એચ કાઠેંચા એ રોક્યા હતા.

Comments