Trending News
સ્થાનિક સમાચાર

કચ્છના બન્ની ઘાસના મેદાનોમાં ચિત્તાની ડણકઃ કેન્યાથી ચાર મહેમાન લાવવાની તૈયારીઓ તેજ

09 May



મધ્ય પ્રદેશના કુનો બાદ ગુજરાત બનશે દેશનું બીજું ચિત્તા સંરક્ષણ કેન્દ્ર : જુલાઈ - ઓગસ્ટમાં બે નર અને બે માદા ચિત્તાનું થશે આગમન

ભુજ - કચ્છઉદય : કચ્છના રણકાંઠાના સુપ્રસિદ્ધ બન્ની વિસ્તાર માટે આગામી સમય ઐતિહાસિક સાબિત થવા જઈ રહ્યો છે. વર્ષોના ઇન્તજાર બાદ હવે ગુજરાતના આંગણે ચિત્તાનું આગમન નિશ્ચિત બન્યું છે. નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટી દ્વારા કચ્છના બન્ની વિસ્તારમાં ચિત્તાઓના પુનઃ વસવાટ માટે લીલી ઝંડી આપી દેવામાં આવી છે. આ પ્રોજેક્ટના પ્રથમ તબક્કા હેઠળ કેન્યાથી બે નર અને બે માદા મળી કુલ ચાર ચિત્તાઓને લાવવામાં આવશે. કેન્દ્ર સરકારની આખરી મહોર બાદ આ આફ્રિકન મહેમાનો આગામી જુલાઈ અથવા ઓગસ્ટ માસ સુધીમાં કચ્છની ધરતી પર પગ મૂકે તેવી પ્રબળ શક્યતાઓ સેવાઈ રહી છે. ગુજરાત માટે આ ગૌરવની ક્ષણ હશે, કારણ કે આ સાથે જ રાજ્ય સિંહ, વાઘ, દીપડા અને ચિત્તા એમ ચારેય મુખ્ય બિલાડી કુળના પ્રાણીઓ ધરાવતું ભારતનું એકમાત્ર રાજ્ય બની જશે.
વન વિભાગના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, આ માત્ર શરૂઆત છે. પ્રથમ વર્ષ દરમિયાન તબક્કાવાર કુલ ૧૨ જેટલા ચિત્તાઓને બન્નીમાં વસાવવાનું ભવ્ય આયોજન હાથ ધરવામાં આવ્યું છે. આ અતિ મહત્વકાંક્ષી પ્રોજેક્ટને સફળ બનાવવા માટે વન વિભાગ દ્વારા હાલ યુદ્ધના ધોરણે કામગીરી ચાલી રહી છે. તાજેતરમાં જ એનટીસીએની ઉચ્ચસ્તરીય ટીમે બન્નીની મુલાકાત લઈને ત્યાંના ભૌગોલિક વાતાવરણ, સુરક્ષા વ્યવસ્થા અને લોજિસ્ટિક્સનું ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું. કેન્યાથી આવનારા આ ચિત્તાઓ નામિબિયન ચિત્તાઓ કરતા જિનેટિક રીતે ભિન્નતા ધરાવતા હોવાથી તેમને બન્નીનું સવાન્ના જેવું ઘાસ ધરાવતું મેદાન વધુ અનુકૂળ આવશે તેવો વન્યજીવ નિષ્ણાતોનો મત છે.
ચિત્તાઓના સંરક્ષણ અને સંવર્ધન માટે બન્નીમાં ૫૦૦ હેક્ટર જેટલા વિશાળ વિસ્તારમાં અત્યાધુનિક ફેસિલિટી ઊભી કરવામાં આવી છે. અહીં ભારતનું પ્રથમ ’ચિત્તા કન્ઝર્વેશન બ્રીડિંગ સેન્ટર’ તૈયાર થઈ રહ્યું છે. અન્ય હિંસક પ્રાણીઓ અંદર ન પ્રવેશે અને ચિત્તાઓ સુરક્ષિત રહે તે માટે અંદાજે ૧૦ કિલોમીટર લાંબી મજબૂત તારની વાડ કરવામાં આવી છે. ચિત્તાઓના આગમન બાદ તેમને સીધા ખુલ્લામાં છોડવાને બદલે પ્રથમ એક માસ માટે ક્વોરેન્ટાઇનમાં રાખવામાં આવશે. આ કેન્દ્રમાં નર અને માદા માટે અલગ વ્યવસ્થા, બચ્ચાના ઉછેર માટે ખાસ કેપ્સ્યુલ અને વેટરનરી ઝોન જેવી સુવિધાઓ સજ્જ કરવામાં આવી છે. ગુજરાતના દેવળિયા પાર્કના સફળ મોડેલને આધારે બન્નીમાં પણ ચિત્તાઓના વંશવેલામાં વધારો થાય તેવા વૈજ્ઞાનિક અભિગમ સાથે વન વિભાગ આગળ વધી રહ્યું છે.

Comments

COMMENT / REPLY FROM