Trending News
ક્રાઈમ

કચ્છના સફેદ રણ પટ્ટામાં ડિઝલનો કાળો-બારોબાર બેફામ : નાના-સુના પંપ પકડાયા છે, મોટામાથાઓ કેમ આબાદ.?

09 May

કલેકટરશ્રી કરાવે તપાસ : ખાવડા સુધી ડિઝલ આવે કયાથી છે?



સરહદી કચ્છમાં ગેરકાયદેસર ડિઝલ પંપો પરની કાર્યવાહી હિમશીલાની ટોંચ સમાન : મોટામાથાઓ પર ધોંષ કયારે?

ધોરડો-ખાવડા જેવા સરહદી વિસ્તારોમાંથી ઝડપાયેલા ગેરકાયદેસર પંપો વખતે સુચક સવાલ :  આડેધડ ફૂટી નીકળેલા ગેરકાયદેસર ડિઝલ પંપનું નેટવર્કને મોટામાથાના આશીર્વાદની ચકચાર : છેવાડાના વિસ્તાર ઉપરાંત 
ભુજ જેવા મુખ્ય મથકોની આસપાસમાં પણ બેનામી ડિઝલના અડડાઓ મોટા પ્રમાણમાં બેખોફથી ધમધમી રહ્યા હોવાની છે ચર્ચા 

પેટ્રોલ પંપો પર અછત-નોસ્ટોકના પાટીયાઓ ઝૂલેતા રહે છે અને બેનામી ડિજલ પંપો બેફામ ધમધમી રહ્યા છે? આ બેનંબરી પંપો પર ડિઝલ આવે છે કયાથી? એક આખી સિન્ડીકેટ જ કાર્યરત છે, આ સિન્ડીકેટને તોડવી છે જરૂરી : માલ આયાત કરનાર, સંગ્રહ કરનાર, સપ્લાય કરના અને વેચનાર એક આખી ટોળકી જ બની ચુકી છે, તેને તોડવી જરૂરી છે

ખાવડા અને રણ વિસ્તારમાં વહી રહી છે સમાંતર ’ઈંધણની નદી’ : ભ્રષ્ટ અધિકારીઓ અને મોટામાથાની ઓથ હેઠળ ચાલતા કૌભાંડમાં મોટા માથાઓ હજુ પણ પકડથી દૂરઃ નાણાકીય વ્યવહારોમાં રોકડને બદલે ડિજિટલ પેમેન્ટ અને ઓનલાઇન ટ્રાન્ઝેક્શનન અપાય છે પ્રાધાન્ય

ખાટલે મોટી ખોટ : આ જથ્થો કોઈ મોટી ઓઈલ કંપનીઓના ડેપોમાંથી ચોરીછૂપીથી આવે છે કે પછી બાયો-ડિઝલના નામે ભેળસેળિયો માલ પધરાવવામાં આવે છે, તે તપાસનો વિષય છે : રાજય સરકાર-ગૃહવિભાગ બેનામી ડીઝલના કાળા કારોબાર માટે ખાસ ટીમની રચના કરી ક્રોસ તપાસ કરાવશે તો સંભવત રાજયનું સૌથી મોટું ડિજલ કૌભાંડ છેવાડાના સરહદી જિલ્લામાથી થશે ખુલ્લુ..!


ભુજ - કચ્છઉદય :કચ્છની ભૌગોલિક પરિસ્થિતિ અને ખાસ કરીને સરહદી વિસ્તારોમાં ચાલી રહેલા વિશાળ પ્રોજેક્ટ્‌સનો ગેરલાભ ઉઠાવીને કેટલાક માથાભારે તત્વોએ ગેરકાયદેસર ડીઝલના વેચાણનો મોટો વેપલો શરૂ કર્યો છે. કચ્છ જિલ્લાના ખાવડા વિસ્તાર અને ભારત-પાકિસ્તાન સરહદ પર આવેલા એશિયાના સૌથી મોટા રિન્યુએબલ એનર્જી પાર્ક એટલે કે આર.ઈ. પાર્ક વિસ્તારમાં હાલમાં અનેક ગેરકાયદેસર ડીઝલ પંપો ધમધમી રહ્યા હોવાની વિગતો ચર્ચાઈ રહી છે. આ ગેરકાયદેસર પ્રવૃત્તિ માત્ર સરહદી વિસ્તારો પૂરતી સીમિત નથી, પરંતુ જિલ્લા મથક ભુજની આસપાસના વિસ્તારોમાં પણ આવા અનેક અડ્ડાઓ હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. આ કૌભાંડ એટલું વ્યવસ્થિત રીતે ચાલી રહ્યું છે કે તેમાં નાણાકીય વ્યવહારોમાં રોકડને બદલે ડિજિટલ પેમેન્ટ અને ઓનલાઇન ટ્રાન્ઝેક્શનનો મહત્તમ ઉપયોગ કરવામાં આવે છે, જે તંત્ર માટે પણ એક પડકાર સમાન બની રહ્યો છે.તાજેતરમાં તંત્ર દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી પર નજર કરીએ તો જોવા મળે છે કે દરોડા દરમિયાન માત્ર પંપ પર કામ કરતા નાના મજૂરો અથવા તો સામાન્ય મેનેજરો જ પોલીસ કે વહીવટી તંત્રના હાથે ચઢતા હોય છે. જ્યારે આ ગેરકાયદેસર પંપના અસલી માલિકો અને તેના સંચાલકો પડદા પાછળ રહીને પોતાનો કાળો કારોબાર બેરોકટોક ચલાવી રહ્યા છે. અસલી સવાલ એ ઊભો થાય છે કે આ પંપો પર હજારો લીટર ડીઝલનો જથ્થો ક્યાંથી આવે છે ? જો આ માલના સ્ત્રોતની તલસ્પર્શી તપાસ કરવામાં આવે તો રાજ્યવ્યાપી મોટું કૌભાંડ બહાર આવવાની પૂરેપૂરી શક્યતા છે.  પરંતુ કમનસીબે તંત્રની તપાસ નાના માણસોને પકડીને સંતોષ માની લેતી હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે.કચ્છના આ રણ વિસ્તારમાં ચાલી રહેલી ગેરકાયદેસર 
પ્રવૃત્તિ પાછળ માત્ર અસામાજિક તત્વો જ જવાબદાર છે તેવું નથી. સ્થાનિક સ્તરે ચર્ચાઈ રહ્યું છે કે જિલ્લા વહીવટી તંત્રના કેટલાક ભ્રષ્ટ અધિકારીઓના મેળાપીપણા વગર આટલા મોટા પાયે ગેરકાયદેસર પંપ ચલાવવા અશક્ય છે. સરહદી વિસ્તાર હોવાથી ત્યાં સુરક્ષા એજન્સીઓની અવરજવર સતત રહેતી હોય છે, તેમ છતાં ખાનગી પંપો પર જે રીતે ટ્રકો અને ભારે મશીનરીઓમાં ડીઝલ ભરવામાં આવે છે, તે તંત્રની રહેમનજર હેઠળ થતું હોવાનું સ્પષ્ટ જણાય છે. આ ઉપરાંત, આ કૌભાંડમાં સામેલ વ્યક્તિઓને કોઈ મોટા રાજકીય નેતા કે પક્ષનું પીઠબળ હોવાની વાતો પણ વાયુવેગે ફેલાઈ રહી છે. મોટામાથાની વગ ધરાવતા લોકોની છત્રછાયા હેઠળ જ આ સંચાલકો કાયદાનો ડર રાખ્યા વગર રણની મધ્યમાં પોતાની દુકાનો માંડીને બેઠા છે. આ ગેરકાયદેસર ઈંધણનો ઉપયોગ મુખ્યત્વે રણ વિસ્તારમાં ચાલતા વિરાટ બાંધકામ અને એનર્જી પાર્કના કામોમાં થતા ભારે વાહનોમાં કરવામાં આવે છે. સસ્તું ડીઝલ મેળવવાની લાલચમાં કોન્ટ્રાક્ટરો પણ આ ગેરકાયદેસર પંપોનો સહારો લેતા હોય છે, જેના કારણે સરકારી તિજોરીને કરોડો રૂપિયાના ટેક્સની નુકસાની વેઠવી પડે છે. જ્યારે પણ તંત્ર દ્વારા કોઈ ચોક્કસ બાતમીના આધારે દરોડા પાડવામાં આવે છે, ત્યારે મોટા માથાઓને અગાઉથી જાણ થઈ જતી હોય તેવું જણાય છે, પરિણામે સ્થળ પરથી માત્ર મજૂરો જ મળી આવે છે. આ મજૂરોને પકડીને કેસ પૂરો કરી દેવાની પદ્ધતિને કારણે અસલી ગુનેગારોનો ઉત્સાહ વધતો જાય છે.કચ્છની જનતા અને જાગૃત નાગરિકો હવે એ માંગ કરી રહ્યા છે કે આ બાબતે માત્ર દેખાડા પૂરતી કાર્યવાહી કરવાને બદલે મૂળ સુધી તપાસ થવી જોઈએ. આ ડીઝલ ક્યાંથી આવે છે, તેનું વેચાણ કોણ કરે છે અને તેના નાણાં કયા ખાતામાં જમા થાય છે, તેની ઊંડી તપાસ કરવામાં આવે તો અનેક મોટામાથાઓ અને કેટલાક ભ્રષ્ટ અધિકારીઓના નામ બહાર આવી શકે તેમ છે. જો આવનારા દિવસોમાં તંત્ર દ્વારા કડક હાથે કામ લેવામાં નહીં આવે તો સરહદી સુરક્ષા માટે પણ આ એક મોટું જોખમ સાબિત થઈ શકે છે. અત્યારે તો કચ્છના સફેદ રણમાં આ કાળો કારોબાર ફૂલીફાલી રહ્યો છે અને જવાબદારો પોતાની આંખ આડા કાન કરીને બેઠા હોય તેવું પ્રતીત થાય છે. હવે જોવાનું એ રહે છે કે 
ગૃહ વિભાગ આ મામલે કોઈ મોટી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરીને આ રેકેટના મૂળિયાં ઉખાડે છે કે પછી દર વખતની જેમ નાના માણસોને જેલ ભેગા કરીને મોટા માથાઓને છાવરવામાં આવશે.

.........


પૂર્વ કચ્છમાં પુરવઠા વિભાગનું કોઈ અસ્તિત્વ જ નથી ! 


ભુજ : પૂર્વ કચ્છમાં કંડલા પોર્ટ ઉપરાંત હજારોની સંખ્યામાં ટ્રાન્સપોર્ટ વાહનોની અવર-જવર રહે છે. અવાર-નવાર પોલીસ દ્વારા ગેરકાયદે બાયો ડીઝલ, બેઝ ઓઈલ, પેટ્રોલ, ડીઝલ કબજે કરવામાં આવે છે. ખાસ કરીને પાર્કિંગ પ્લોટ, ખુલ્લા વાડા, મોટી સાઈટો પર આખે આખા પંપ શરૂ કરી દેવામાં આવે છે. આ સાથે મોબાઈલ પંપનુંં ચલણ પણ વધ્યું છે. ગેરકાયદે પ્રવૃત્તિ સરાજાહેર ચાલુ હોવા છતાં પુરવઠા વિભાગ દ્વારા આ વિસ્તારમાં કોઈ તપાસ કરવામાં આવતી નથી. જાણે પૂર્વ કચ્છ જિલ્લો ભુજની કચેરીમાં ન આવતો હોય તેવું વલણ દાખવવામાં આવે છે. યુદ્ધના કારણે પેટ્રોલ, ડીઝલ અને રાધણ ગેસમાં લોકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો પરંતુ જિલ્લા કલેક્ટરના સીધા માર્ગદર્શનમાં કામ કરતા પુરવઠા વિભાગે કાળા બજારિયાઓ સામે નક્કર કાર્યવાહી કરવાને બદલે એકલ - દોકલ કેસ કરી હાજરી પુરાવી સંતોષ માની લીધો છે. પુરવઠા વિભાગ કરતા તો કચ્છમાં પોલીસ વધારે ગેસના બાટલા, સરકારી અનાજ અને ઈંધણ પકડે છે. 


......

Comments

COMMENT / REPLY FROM