કચ્છના જખૌ દરિયાકાંઠેથી ફરી ચરસના ૨૦ બિનવારસુ પેકેટ ઝડપાયા
૧૫ દિવસમાં ૧૫૦થી વધુ પેકેટ મળતા સુરક્ષા એજન્સીઓ સતર્ક
ભુજ - કચ્છઉદય : કચ્છના સરહદી દરિયાઈ વિસ્તારમાં નશીલા પદાર્થો મળી આવવાનો સિલસિલો અટકવાનું નામ નથી લઈ રહ્યો. જખૌ નજીક આવેલા શેખરણ ટાપુ પરથી ભારતીય કોસ્ટ ગાર્ડની ટીમને પેટ્રોલિંગ દરમિયાન વધુ ૨૦ બિનવારસુ ચરસના પેકેટ મળી આવ્યા છે. છેલ્લા ૧૫ દિવસના ટૂંકા ગાળામાં જ કચ્છના વિવિધ વિસ્તારોમાંથી સુરક્ષા એજન્સીઓએ ૧૫૦થી વધુ ડ્રગ્સના પેકેટો જપ્ત કર્યા છે, જે સુરક્ષા વ્યવસ્થા માટે અત્યંત ચિંતાનો વિષય બન્યો છે.
સતત મળી રહેલા આ નશીલા પદાર્થોના જથ્થાને પગલે કચ્છનો દરિયાકાંઠો અને ક્રીક વિસ્તાર ડ્રગ્સ સ્મગલિંગ માટે વધુ સંવેદનશીલ બની રહ્યો હોય તેમ જણાય છે. આ ઘટનાને ગંભીરતાથી લઈને તમામ સુરક્ષા એજન્સીઓએ સરહદી વિસ્તારોમાં સર્ચ ઓપરેશન વધુ તેજ બનાવી દીધું છે. વારંવાર બિનવારસુ હાલતમાં મળી રહેલા આ ડ્રગ્સના પેકેટો પાછળ કયું આંતરરાષ્ટ્રીય નેટવર્ક કામ કરી રહ્યું છે અને આ જથ્થો ક્યાંથી આવી રહ્યો છે, તે દિશામાં તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. હાલમાં સમગ્ર સીમાવર્તી પટ્ટા પર કડક દેખરેખ રાખવામાં આવી રહી છે જેથી રાષ્ટ્રવિરોધી તત્વોના મનસૂબાને નાકામ કરી શકાય.
----------

Comments