Trending News
સ્થાનિક સમાચાર

રાપર - ભચાઉ વાગડ પટ્ટામાં વકરતી ગુંડાગીરી  કાયદો વ્યવસ્થાના લીરા : પ્રજા ‘રામ ભરોસે’...!

08 May



રાપર-ભચાઉ પટ્ટામાં પાછલા અમુક સમયમાં લુંટ-ચોરી-અપહરણ-ઘાતક મારામારીની વધતી ઘટનાઓથી આમપ્રજાજનોમાં ફેલાયો ફફડાટ : સરાજાહેર ધોળા દિવસે એક વેપારીને રાપરમાં વિપક્ષ માટે કામ કરવાનુ મનદુખ રાખી અને ધાક ધમકી સાથે માર મારવાની બનેલી ઘટના ચિંતાપ્રેરક કહેવાય 

જો લોકશાહીમાં પોતાની પસંદગીના પક્ષ માટે કામ કરવું એ ગુનો ગણાતો હોય અને તેના બદલામાં લોહી વહેતું હોય, તો તે સભ્ય 
સમાજ માટે કલંક સમાન છે

વાગડ પટ્ટામાં પોલીસે તાત્કાલીક પેટ્રોલીંગ વધારવું જોઈએ : બેનામી ધંધાઓના ફેલાયેલા સામ્રાજય અને તેમાંથી ફાટીને ફુલેકે ગયેલા અમુક ઝભ્ભાલેગાધારીઓ અને તેના ફોલ્ડરીયાઓને કાયદાનુ ભાન કરાવવુ જોઈએ : વાગડની જનતાને ખાલી વચનો નહીં, પણ ભયમુક્ત વાતાવરણ જોઈએ છે. જો સમયસર પગલાં નહીં લેવાય

 તો ગુજરાતના આ શાંત વિસ્તારને અસામાજિક તત્વોનો ગઢ બનતા વાર નહીં લાગે.



ગાંધીધામ : કચ્છના વાગડ પંથકમાં, ખાસ કરીને ભચાઉ અને રાપર તાલુકામાં છેલ્લા કેટલાક સમયથી ચોરી, લૂંટ, ખંડણી અને ગુંડાગીરીના બનાવોમાં ચિંતાજનક વધારો થયો છે. સરકાર અને પ્રશાસન’કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ના દાવાઓ કરે છે, પરંતુ વાગડમાં સ્થિતિ તેનાથી તદ્દન વિપરીત હોવાનો આક્ષેપ તાજેતરમાં અહી બનેલી ઘટનાઓને લઈને આખાય વિસ્તારના જાગૃત અને પ્રબુદ્ધલોકોમાં ઉઠવા પામી રહ્યો છે. સુરક્ષિત સરહદો અને સલામતીના બણગાં વચ્ચે કચ્છનો વાગડ પંથક, ખાસ કરીને ભચાઉ અને રાપર તાલુકા અત્યારે ભય અને ગુંડાગીરીના ઓથાર હેઠળ જીવી રહ્યા હોય તેમ જણાય છે. પ્રશાસનકારો અવારનવાર મંચ પરથી ગર્જના કરે છે કે ‘ગુનેગારો કાયદામાં રહે, નહીંતર પોલીસ તેમને પાઠ ભણાવશે.’ પરંતુ રાપરમાં જે રીતે ધોળેદિવસે વેપારીઓ પર હુમલા થઈ રહ્યા છે અને રાજકીય રાગ-દ્વેષમાં સામાન્ય નાગરિકોને નિશાન બનાવવામાં આવે છે, તે જોતા પ્રશ્ન થાય છે કે શું વાગડમાં સરકારનો આદેશ 
પહોંચતા-પહોંચતા દમ તોડી દે છે? તાજેતરમાં રાપરના વેપારી પર ચૂંટણીમાં વીપક્ષને મદદ કરવાનું મનદુખ રાખ્યુ હોય તેમ કહી અને કરવામાં આવેલા હિંસક હુમલો ઘટના બની, તે માત્ર એક ગુનાહિત ઘટના નથી, પરંતુ પોલીસના નબળા પડી ગયેલા ખૌફનું 
પરિણામ છે. આક્ષેપ એવો છે કે વેપારીએ ચૂંટણીમાં વિપક્ષ માટે કામ કર્યું હોવાથી સત્તાધારી પક્ષના જોરે કેટલાક તત્વોએ કાયદો હાથમાં લીધો. જો લોકશાહીમાં પોતાની 
પસંદગીના પક્ષ માટે કામ કરવું એ ગુનો ગણાતો હોય અને તેના બદલામાં લોહી વહેતું હોય, તો તે સભ્ય સમાજ માટે કલંક સમાન છે. સૌથી વધુ ચિંતાજનક બાબત 
વેપારીઓમાં વ્યાપેલો ફફડાટ છે. અનેક કિસ્સાઓમાં વેપારીઓને ખંડણી માટે ધમકાવવામાં આવે છે, છતાં ડરના માર્યા તેઓ પોલીસ મથકના પગથિયાં ચડવાનું ટાળે છે. જ્યારે સામાન્ય માણસ ન્યાય માટે પોલીસ પાસે જવાને બદલે અન્યાય સહન કરવાનું પસંદ કરે, ત્યારે સમજવું કે વ્યવસ્થા પડી ભાંગી છે. 
પોલીસ તંત્ર જ્યારે ગુનેગારોનું જાહેરમાં સરઘસ કાઢે છે ત્યારે વાહવાહી મેળવે છે, 
પરંતુ વાગડ જેવા વિસ્તારોમાં જ્યાં લુખ્ખા તત્વોને રાજકીય છત્રછાયા મળી રહી છે, ત્યાં પોલીસના હાથ કેમ બંધાયેલા રહે છે? ચોરી, લૂંટ, અપહરણ અને છેડતી જેવી ઘટનાઓ જ્યારે દિનચર્યા બની જાય, ત્યારે પ્રશાસને માત્ર ‘ખાતરી’ આપવાને બદલે ‘કાર્યવાહી’ કરવાની જરૂર હોય છે. પૂર્વ કચ્છ એસ.પી. અને રાજ્યના ગૃહ વિભાગે તાત્કાલિક ધોરણે આ વિસ્તારમાં પોલીસ 
પેટ્રોલિંગ વધારવાની અને માથાભારે તત્વોને જેલના સળિયા પાછળ ધકેલવાની જરૂર છે. વાગડની જનતાને ખાલી વચનો નહીં, પણ ભયમુક્ત વાતાવરણ જોઈએ છે. જો સમયસર પગલાં નહીં લેવાય, તો ગુજરાતના આ શાંત વિસ્તારને 
અસામાજિક તત્વોનો ગઢ બનતા વાર નહીં લાગે. સમયનો તકાજો છે કે કાયદો માત્ર કાગળ પર નહીં, પણ રસ્તા પર દેખાવો જોઈએ.



........................................

સવાલોનો મારોઃ શું વાગડમાં કાયદો માત્ર કાગળ પર છે?

- પ્રશાસનને સવાલઃ સાહેબ, ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ની ગર્જના શું ભચાઉ-રાપરની સરહદે આવીને અટકી જાય છે?-પોલીસ તંત્રને સવાલઃ અન્ય જિલ્લાઓમાં ગુનેગારોના જાહેરમાં સરઘસ કાઢતી પોલીસ વાગડના ‘માથાભારે’ તત્વો સામે કેમ મૌન સેવી રહી છે? -ઝભભાલેંગાવાળા આકાઓને સવાલઃ શું સત્તાના નશામાં 
પોતાના જ વિસ્તારના વેપારીઓને લુખ્ખા તત્વોના ભરોસે છોડી દેવા એ જ તમારી લોકસેવા છે? -વ્યવસ્થા સામે સવાલઃ જો ધોળેદિવસે વેપારીઓ લૂંટાય અને માર ખાય, તો સામાન્ય જનતાએ સુરક્ષા માટે કોના દરવાજા ખખડાવવા? -ડરનો માહોલઃ વેપારીઓ ફરિયાદ કરતા ડરે છે, શું આ પોલીસ તંત્રની નિષ્ફળતા નથી? ગુનેગારોમાં પોલીસનો ખૌફ કેમ નથી? 
-પક્ષપાતી રાજનીતિઃ શું માત્ર વિરોધ પક્ષ માટે કામ કરવું એ ગુનો છે? શું લોકશાહીમાં વૈચારિક મતભેદ બદલ લોહી વહેવડાવવું યોગ્ય છે?-પોલીસની કામગીરી સામે સવાલઃ રાજ્યના અન્ય જિલ્લાઓમાં પોલીસ ગુનેગારોનું જાહેરમાં સરઘસ કાઢી ‘રીકન્સ્ટ્રક્શન’ કરે છે, તો રાપર-ભચાઉમાં આવા તત્વો સામે કડક કાર્યવાહી કેમ કરવામાં આવતી નથી? તેવો પ્રશ્ન જનતામાં ઉઠી રહ્યો છે.-ગંભીર ગુનાઓમાં વધારોઃ વાગડ પટ્ટામાં નાની વાતોમાં અપહરણ, ખૂન, મારામારી અને બળાત્કાર જેવી ઘટનાઓ પુનરાવર્તિત થઈ રહી છે, જે પોલીસ તંત્ર માટે મોટો પડકાર છે.


.....................

રાપરમાં વેપારી પર વિપક્ષ માટે કામ કરવાના
મનદુખે હુમલાની ઘટના લાલબત્તીરૂપ..!


ગાંધીધામ : તાજેતરમાં રાપરના એક વેપારી પર ધોળે દિવસે હુમલો કરી લૂંટ ચલાવવામાં આવી હતી. આક્ષેપ છે કે ચૂંટણીમાં વિપક્ષ માટે કામ કરવાના રાગ-દ્વેષમાં જ અમુક શખ્સોએ કાયદો હાથમાં લઈ અને આ વેપારીને માર મારી આતંક મચાવ્યો હતો. આ ઘટના સ્પષ્ટ કરે છે કે ગુનેગારોના મનમાં કાયદો કે પોલીસનો કોઈ ડર રહ્યો નથી. આ ઘટના બાદ હવે આક્ષેપો થવા પામી રહ્યા છે કે, વિપક્ષ કહે છે કે, સત્તાપક્ષના સ્થાનિક નેતાઓ આવા તત્વોને છાવરી રહ્યા છે, જેના કારણે ગુનેગારોને મોકળું મેદાન મળી રહ્યું છે. ખંડણી અને ધમકીના કારણે 
વેપારી વર્ગ ભયભીત છે. પરિસ્થિતિ એટલી ગંભીર છે કે અનેક વેપારીઓ ડરના માર્યા ફરિયાદ કરવા પણ તૈયાર નથી. જિલ્લા કોંગ્રેસ અને જાગૃત નાગરિકો દ્વારા પૂર્વ કચ્છ એસ.પી. પાસે માંગ કરવામાં આવી છે કે વેપારી પર હુમલો કરનારા શખ્સો સામે કડક પગલાં લેવામાં આવે અને તેમને જાહેરમાં સબક શીખવવામાં આવે, જેથી સામાન્ય જનતા અને વેપારીઓનો ભય દૂર થાય. જો પોલીસ યોગ્ય કાર્યવાહી નહીં કરે તો આગામી સમયમાં જનતાનો રોષ ફાટી નીકળશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી રહી હોવાનો સિનારીયો ખડો થતો પ્રબુદ્ધવર્ગ જોઈ રહ્યો  છે.

Comments

COMMENT / REPLY FROM