Trending News
સ્થાનિક સમાચાર

કચ્છના ન્યાય તંત્રમાં ફેરબદલ : જિલ્લા, સિનિયર અને સિવિલ જજ કેડરના અધિકારીઓની બદલી

08 May


ભુજ - કચ્છઉદય : ગુજરાત હાઈકોર્ટના નામદાર ચીફ જસ્ટિસ અને અન્ય ન્યાયમૂર્તિઓ દ્વારા રાજ્યના ન્યાયિક વહીવટને વધુ સુદ્રઢ બનાવવાના હેતુથી જિલ્લા જજ, સિનિયર સિવિલ જજ અને સિવિલ જજ કેડરના અધિકારીઓની સામુહિક બદલીના આદેશો જારી કરવામાં આવ્યા છે. આ આદેશો અન્વયે કચ્છ જિલ્લાના ન્યાયિક માળખામાં પણ મોટા પાયે ફેરફાર કરવામાં આવ્યા છે, જેમાં અનેક અનુભવી ન્યાયાધીશોની અન્ય જિલ્લાઓમાં બદલી થઈ છે અને રાજ્યના વિવિધ ભાગોમાંથી નવા અધિકારીઓ કચ્છમાં જવાબદારી સંભાળશે. તમામ સંબંધિત અધિકારીઓએ આગામી તારીખ ૧૮મી મેના રોજ પોતાના નવા હોદ્દાનો ચાર્જ સંભાળવાનો રહેશે.
જિલ્લા જજ કેડરની વાત કરીએ તો ભુજ ફેમિલી કોર્ટના વસંતકુમાર ગોલાણીની હિંમતનગર, ભચાઉના અંદલીપ તિવારીની ડીસા, અંજારના કમલેશ શુક્લાની મોડાસા, ગાંધીધામના અલ્તાફ મેમણની અમદાવાદ અને ગાંધીધામ ફેમિલી કોર્ટના મનીષ પંડ્યાની અમદાવાદ બદલી થઈ છે. તેમની સામે જયેશ ચોવટિયાની અંજાર, રાકેશકુમાર પટેલની ગાંધીધામ અને અરવિંદકુમાર પાંડેની ગાંધીધામ ફેમિલી કોર્ટમાં નિમણૂક થઈ છે. જિલ્લામાં આંતરિક રીતે ભરત ચોઇથાણી ભચાઉ જ્યારે વીરત બુદ્ધા, નિમિલેશ રાડિયા અને તુષાર ખાંધડિયા ભુજ ખાતે એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ તરીકે ફરજ બજાવશે અને લલિત વાઘ ગાંધીધામની જવાબદારી સંભાળશે.
સિનિયર સિવિલ જજ કેડરમાં ગાંધીધામના મહેન્દ્રકુમાર પરમાર, મૃગેશકુમાર ભાવસાર, માલવિકા પુરોહિત, નખત્રાણાના રઘુવીરસિંહ ઝાલા, મુંદ્રાના હિતેશ તન્ના, અંજારના સુભાષચંદ્ર ત્રિપાઠી, ભુજના કેતનકુમાર ડાભી અને નલિયાના તેજ પ્રતાપ સિંહની જિલ્લા બહાર બદલી કરવામાં આવી છે. આ ખાલી જગ્યાઓ પર ભાર્ગવસિંહ સોલંકી, સુહેલ ટેલર, વિજયકુમાર ચૌહાણ, સુનિલ મહેતા, મયુરી ભાલિયા, ભાસ્કરભાઈ ભાલિયા અને વિજયકુમાર વણકર ગાંધીધામ ખાતે, મહેશકુમાર પટેલ મુંદ્રામાં, ડો. રાહુલ કરનાણી નલિયામાં, અમર રાવ નખત્રાણામાં અને કપિલ ગોહેલ અંજાર ખાતે કાર્યભાર સંભાળશે.
સિવિલ જજ કેડરમાં થયેલા ફેરફારોમાં લખપતના જીગર ત્રિવેદીની ભુજ, ભુજના ભવ્યેશ ત્રિવેદીની સુરત, માંડવીના સ્વાતી ખત્રીની પાટણ અને નખત્રાણાના રુપેન કક્કડની મહેસાણા બદલી કરવામાં આવી છે. તેમની જગ્યાએ લખપતમાં હરપ્રીત સિંહ, માંડવીમાં દેવાંશુ શર્મા, મુંદ્રામાં સુરેન્દ્રપાલસિંહ દેઓરા અને ભુજમાં મયુરી રાકેશ જૈનની નવી નિમણૂક કરવામાં આવી છે. આ વ્યાપક ફેરબદલથી કચ્છ જિલ્લાના ન્યાયિક વહીવટમાં નવી ઊર્જાનો સંચાર થશે.

Comments

COMMENT / REPLY FROM