મોટા ભાડરાના સોલાર પ્રોજેક્ટની ૧૦.૮૦ લાખની ચોરીનો ભેદ ઉકેલાયો
રક્ષક જ ભક્ષક, સિક્યુરિટી ગાર્ડની સંડોવણી સામે આવી : ભુજ એલસીબીએ ફિલ્મી ઢબે પીછો કરી કાર અને આઈસર ટેમ્પો સાથે ૪ શખ્સોને દબોચ્યા : તમામ મુદ્દામાલ રિકવર કરાયો
ભુજ : કચ્છ જિલ્લો અત્યારે રિન્યુએબલ એનર્જીના ક્ષેત્રે વિશ્વભરમાં ડંકો વગાડી રહ્યો છે, પરંતુ આ મોટા પ્રોજેક્ટ્સ હવે તસ્કરોના નિશાના પર આવ્યા છે. લખપત તાલુકાના મોટા ભાડરા સીમ વિસ્તારમાં એસજેવીએન ગ્રીન એનર્જી કંપનીના ૨૬૦ મેગાવોટના સોલાર પાવર પ્લાન્ટમાં થયેલી લાખોની ચોરીનો ભેદ પશ્ચિમ કચ્છ લોકલ ક્રાઈમ બ્રાન્ચે ઉકેલી નાખ્યો છે. આ કેસમાં ચોંકાવનારો વળાંક ત્યારે આવ્યો જ્યારે કંપનીની સુરક્ષામાં તૈનાત સિક્યુરિટી ગાર્ડની જ આ ગુનામાં સંડોવણી હોવાનું બહાર આવ્યું છે.
ઘટનાની વિગત એવી છે કે, લખપત તાલુકાના મોટા ભાડરા વિસ્તારમાં કંપનીના એમ પોસ્ટ પાસે રાખવામાં આવેલ ૬ બોક્સમાંથી ૨૧૬ નંગ સોલાર મોડ્યુલ પ્લેટોની ચોરી થઈ હતી, જેની કિંમત ૧૦,૮૦,૦૦૦ જેટલી હતી. આ મામલે દયાપર પોલીસ મથકે ફરિયાદ નોંધાયા બાદ એલસીબીની ટીમ તપાસમાં હતી. દરમિયાન કર્મચારી શક્તિસિંહ ગઢવી અને નિલેશભાઈ ભટ્ટને ચોક્કસ બાતમી મળી હતી કે, ભુજના હંગામી આવાસમાં રહેતો રબાની કરીમ કોરાર નામનો શખ્સ પોતાની કાળા રંગની આઈ ૨૦ કાર નંબર જજે ૦૩ જેએલ ૯૮૮૮ વડે એક આઈસર ટેમ્પોનું પાયલોટિંગ કરી રહ્યો છે, જેમાં ચોરીનો મુદ્દામાલ ભરેલો છે.
બાતમીના આધારે પોલીસે ભુજ એરપોર્ટ રિંગ રોડ પર ડી-માર્ટ પાસે ફિલ્મી ઢબે વોચ ગોઠવી હતી. જેવી શંકાસ્પદ કાર અને તેની પાછળ આવી રહેલો આઈસર ટેમ્પો ત્યાં પહોંચ્યા, પોલીસે તેમને ચારે બાજુથી ઘેરી લીધા હતા. આઈસરની તલાશી લેતા તેમાંથી ચોરી થયેલી ૨૧૬ નંગ સોલાર પ્લેટો મળી આવી હતી. આરોપીઓ પાસે પ્લેટો અંગેના કોઈ બિલ કે કાયદેસરના આધાર પુરાવા ન હોવાથી પોલીસે તમામ માલ કબજે લીધો હતો. પોલીસે આ કાર્યવાહીમાં કુલ ૨૦,૮૦,૦૦૦નો મુદ્દામાલ જપ્ત કર્યો છે, જેમાં ૧૦.૮૦ લાખની પ્લેટો, ૭ લાખનો આઈસર ટેમ્પો અને ૩ લાખની કારનો સમાવેશ થાય છે. પકડાયેલા શખ્સોમાં રબાની કરીમ કોરાર (રહે. હંગામી આવાસ, ભુજ), ઈશ્વર હરજી મારવાડા (રહે. નાગોર રોડ, ભુજ), રઝાક અલીમામદ કુંભાર (રહે. જાબુંડી કોટડા ચકાર) અને અસગર ઉર્ફે ભાવલો કાસમ સૈયદ (રહે. સંજયનગર, ભુજ)નો સમાવેશ થાય છે. આ પ્રકરણમાં સિક્યુરિટી ગાર્ડ બળવંતસિંહ સોઢાની પણ સંડોવણી ખુલી છે હાલમાં તે ફરાર છે.
ઉલ્લેખનીય છે કે, છેવાડાના લખપત અને ખાવડા જેવા વિસ્તારોમાં સોલાર અને પવનચક્કીના અનેક કામો ચાલી રહ્યા છે ત્યારે કામ માટે બહારથી આવતી એજન્સીઓ માટે સુરક્ષા એક મોટો પડકાર બની ગઈ છે. સીમ વિસ્તારમાં ખેતરો અને વાડીઓમાંથી કેબલ ચોરીની ઘટનાઓ તો સામાન્ય બની હતી, પરંતુ હવે પ્રોજેક્ટના સુરક્ષાકર્મીઓ જ તસ્કરો સાથે હાથ મિલાવતા હોવાથી એજન્સીઓએ સાવધાન થવાની જરૂર છે. પોલીસ અત્યારે ફરાર સિક્યુરિટી ગાર્ડને પકડવા માટે અલગ-અલગ દિશામાં તપાસ ચલાવી રહી છે.

Comments