Trending News
સ્થાનિક સમાચાર

દક્ષિણ ગુજરાતમાં બર્ડ ફ્લૂના દસ્તક વચ્ચે કચ્છ પશુપાલન તંત્ર સતર્ક

08 May


અંજારના મથડા સહિતના મરઘા ઉછેર કેન્દ્રો પર તકેદારીના આદેશ : જિલ્લા પશુપાલન વિભાગ દ્વારા મરઘા પાલકોને એલર્ટ રહેવા સૂચના :  અસાધારણ મરણના કિસ્સામાં તાત્કાલિક જાણ કરવા તાકીદ

ભુજ - કચ્છઉદય : રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલા વાપી અને વલસાડ પંથકમાં બર્ડ ફ્લૂના કેસો દેખાતા જ સમગ્ર ગુજરાતમાં પશુપાલન અને આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. આ ગંભીર બીમારીની દહેશત વચ્ચે સરહદી જિલ્લા કચ્છમાં પણ તંત્ર દ્વારા સાવચેતીના આગોતરા પગલાં લેવામાં આવી રહ્યા છે. ખાસ કરીને જે વિસ્તારોમાં મરઘા ઉછેર કેન્દ્રો કાર્યરત છે ત્યાં વિશેષ નજર રાખવામાં આવી રહી છે. પશુપાલન વિભાગ અધિકારી ડૉ. રાજેશ પટેલના જણાવ્યા અનુસાર, કચ્છ જિલ્લામાં અન્ય વિસ્તારોની સરખામણીએ કોમર્સિયલ ફાર્મ્સની સંખ્યા ઘણી ઓછી છે, તેમ છતાં કોઈ પણ પ્રકારની જોખમી પરિસ્થિતિને ટાળવા માટે અત્યારથી જ પૂરતી સાવચેતી રાખવામાં આવી રહી છે.
કચ્છમાં અંજાર તાલુકાનું મથડા ગામ મરઘા ઉછેર માટે જાણીતું છે. આ વિસ્તારમાં આવેલા પોલ્ટ્રી ફાર્મના માલિકો અને પશુપાલકોને વિભાગ દ્વારા સાવચેત કરી દેવામાં આવ્યા છે. આરોગ્ય વિભાગને પણ આ બાબતે એલર્ટ પર રાખવામાં આવ્યું છે જેથી કોઈ પણ શંકાસ્પદ લક્ષણો જણાય તો ત્વરિત કાર્યવાહી કરી શકાય. પશુપાલન અધિકારીઓના મતે કચ્છમાં ઈંડા આપતી મરઘીઓના ફાર્મ નહિવત છે, જે એક રાહતની વાત છે કારણ કે બર્ડ ફ્લૂનું સંક્રમણ લાંબો સમય રાખવામાં આવતી મરઘીઓમાં વધુ જોવા મળતું હોય છે. કચ્છમાં મુખ્યત્વે બ્રોઈલર મરઘાનો વ્યવસાય વધુ છે, જેમાં બચ્ચા બહારથી લાવીને ટૂંકા ગાળામાં તેનું વેચાણ કરી દેવામાં આવતું હોય છે.
અંજારના મથડા ઉપરાંત માંડવી, મુન્દ્રા અને ભુજ આસપાસના છૂટાછવાયા ફાર્મ પર પણ વિભાગ દ્વારા દેખરેખ વધારવામાં આવી છે. પશુપાલકોને કડક સૂચના આપવામાં આવી છે કે જો કોઈ પક્ષીનું અચાનક કે અસાધારણ સંજોગોમાં મરણ થાય, તો તેની માહિતી તુરંત જ તંત્રને પહોંચાડવી. હાલના તબક્કે જિલ્લામાં ગભરાવા જેવી કોઈ સ્થિતિ નથી, પરંતુ સાવચેતીના ભાગરૂપે લેવાયેલા આ પગલાં આગામી સમયમાં કોઈ મોટી મુશ્કેલી ન સર્જાય તે માટે અત્યંત અનિવાર્ય માનવામાં આવી રહ્યા છે. વહીવટી તંત્ર આ બાબતે સતત ડેટા એકત્રિત કરી રહ્યું છે અને જરૂર જણાયે વધુ કડક ગાઈડલાઈન જાહેર કરવાની તૈયારી કરી લેવામાં આવી છે.

Comments

COMMENT / REPLY FROM