શંખેશ્વર ખાતે વસંત મસાલા પરિવાર દ્વારા ૧૦૦૮ પાણીના કુંડા-ચકલીઘરનું વિતરણ કરાયું
પાણીના કુંડા-ચકલી ઘર મૂકવું એ સામાજિક કાર્ય નહીં,પરંતુ એક પવિત્ર અનુષ્ઠાન છે - મુનિરાજ નયશેખર મહારાજ સાહેબ
ભુજ-કચ્છઉદય : ઉત્તર ગુજરાતની ધર્મ નગરી શંખેશ્વર મહાતીર્થે મધ્યે માનવતાના મસીહા પ.પૂ.આ.ભ. શ્રીમદ્દ વિજય રત્નશેખરસૂરીશ્વરજી મહારાજા દિવ્ય આશીર્વાદથી અને આ પ્રસંગે પ.પૂ. મુનિરાજ ધર્મરત્નચંદ્રજી મ.સા, પ.પૂ. મુનિરાજ પૂણ્યરત્નચંદ્રજી મ.સા., પ.પૂ. મુનિરાજ નયશેખર મ.સા. એવં પૂ.સાઘ્વીજી ભગવંતોની પાવનકારી નિશ્રામાં પ્રેમરત્ન પરિવાર દ્વારા વસંત મસાલા પરિવાર તરફથી ૧૦૦૮ પાણીના કુંડા અને ૧૦૦૮ ચકલીઘરનું વિનામૂલ્ય વિતરણ કરવામાં આવેલ હતું.
આ પ્રસંગે પ.પૂ.મુનિરાજ નયશેખર મ.સા.એ મહિમા સમજાવતા જણાવેલ કે જૈન ધર્મમાં જીવદયાને શ્રેષ્ઠ ધર્મ માનવામાં આવ્યો છે. પાણીના કુંડા અને ચકલીઘર મૂકવું એ માત્ર સામાજિક કાર્ય નહીં,પરંતુ એક પવિત્ર અનુષ્ઠાન છે. ઉનાળામાં તાપમાન વધતા પક્ષીઓ અને નાના પ્રાણીઓને પાણી મળવું મુશ્કેલ બને છે. આવા સમયમાં જો આપણે ઘરની છત, બારી કે આંગણે પાણીના કુંડા મૂકીએ તો અનેક જીવનો તરસથી બચી શકે છે. આધુનિક જીવનશૈલી અને કોક્રીટના જંગલને કારણે ચકલી જેવી નાની ચીડિયાઓને નિવાસ માટે યોગ્ય જગ્યા મળતી નથી. ચકલી ઘર મૂકવાથી તેમને સુરક્ષિત આશ્રય મળે છે. દરેક જીવમાં આત્મા છે. આ ભાવનાનો પ્રયોગાત્મક સ્વીકાર છે. આવા કાર્યોથી પાપ ક્ષય અને પુણ્યનો વધારો થાય છે. માનવતાની સાચી સેવા એટલે નિર્બળ જીવનું રક્ષણ. આ એક હજાર આઠ પાણીના કુંડા, ચકલીઘરનો સંપૂર્ણ લાભ વસંત મસાલા પરિવારે લીધેલ હતો. આ પ્રસંગે પ્રેમરત્ન પરિવાર દ્વારા વસંત મસાલા ચેરમેન ચંદ્રકાન્તભાઈ ભંડારીનું સાલ, માળા અને ટ્રોફી દ્વારા સન્માન કરવામાં આવેલ હતું. આ પ્રસંગે મુંબઈ, અમદાવાદ, રાજસ્થાન, બેંગ્લોર, ચેન્નઈ, કચ્છ, ઉત્તર ગુજરાત, બનાસકાંઠા, સાબરકાંઠા, સૌરાષ્ટ્ર વિગેરેથી ગુરુભક્તો ઉપસ્થિત રહેલ.
-------

Comments