વિવાદોના નિરાકરણ માટે સમાધાન સમારોહમાં જોડાવા ઈજન
ભુજ - કચ્છઉદય : સામાન્ય નાગરિકોને સરળ, સુલભ અને નિશુલ્ક ન્યાય ઉપલબ્ધ કરાવવા તેમજ લાંબા સમયથી ચાલી રહેલા વિવાદોનો પરસ્પર સમજૂતીથી ઝડપી ઉકેલ લાવવા ભારતની સર્વોચ્ચ અદાલત દ્વારા ‘સમાધાન સમારોહ - ૨૦૨૬નું આયોજન કરવામાં આવ્યું છે. સમારોહ ૨૧ એપ્રિલ, ૨૦૨૬થી શરૂ થઈ છે અને તેનું સમાપન તા. ૨૧, ૨૨ અને ૨૩ ઑગસ્ટ, ૨૦૨૬ના રોજ યોજાનારી ખાસ લોક અદાલત સાથે થશે.
સુપ્રીમ કોર્ટ સમક્ષ પેન્ડિંગ રહેલા વિવિધ કેસોમાં મૈત્રીપૂર્ણ અને સૌહાર્દપૂર્ણ સમાધાન દ્વારા વિવાદોના નિરાકરણને વધુ સરળ અને ઝડપી બનાવવાનો આ ખાસ લોક અદાલતનો મુખ્ય હેતુ છે. આ પ્રક્રિયા દ્વારા પક્ષકારોને લાંબી કોર્ટ કાર્યવાહી, સમય અને ખર્ચમાંથી રાહત મળશે તેમજ ન્યાય મેળવવાની પ્રક્રિયા વધુ અસરકારક બનશે.
સર્વોચ્ચ અદાલતે તમામ વકીલો, અરજદારો અને હિતધારકોને આ અભિયાનમાં સક્રિય સહભાગી થવા આમંત્રણ પાઠવ્યું છે. પક્ષકારો પોતાના કેસના સમાધાન માટે ઑનલાઇન માધ્યમથી અથવા વ્યક્તિગત રીતે પણ જોડાઈ શકશે. ફોર્મ ભરવાની છેલ્લી તારીખ તા. ૩૧ મે, ૨૦૨૬ રાખવામાં આવી છે. સમાધાન સમારોહ અંગે માર્ગદર્શન અને સહાય માટે સુપ્રીમ કોર્ટ ખાતે વિશેષ ‘વન સ્ટોપ સેન્ટર’ (વોર રૂમ) કાર્યરત કરવામાં આવ્યું છે. વધુ માહિતી માટે ૦૧૧-૨૩૧૧૨૪૨૮ અને ૦૧૧- ૨૩૧૧૨૫૨૮ નંબર પર સંપર્ક કરી શકાય છે.
----

Comments