સોહરાબુદ્દીન શેખ એન્કાઉન્ટર કેસમાં તમામ ૨૨ આરોપીઓના નિર્દોષ છુટકારાને બોમ્બે હાઈકોર્ટે રાખ્યો યથાવત
આ ચુકાદા સાથે લાંબા સમયથી ચાલી રહેલા આ કાનૂની વિવાદમાં આરોપી પોલીસ અધિકારીઓને મોટી રાહત મળી
મુંબઈ : બોમ્બે હાઈકોર્ટે ગુરુવારે વર્ષ ૨૦૦૫ના ચર્ચિત સોહરાબુદ્દીન શેખ કથિત ‘ફેક એન્કાઉન્ટર’ કેસમાં મહત્વનો ચુકાદો આપતા તમામ ૨૨ આરોપીઓને નિર્દોષ જાહેર કરવાના નીચલી અદાલતના નિર્ણયને માન્ય રાખ્યો છે. હાઈકોર્ટે આ કેસમાં દાખલ કરવામાં આવેલી અપીલોને ફગાવી દીધી છે.ડિસેમ્બર ૨૦૧૮માં સ્પેશિયલ ટ્રાયલ કોર્ટે પુરાવાના અભાવે ગુજરાત અને રાજસ્થાન પોલીસના અધિકારીઓ સહિત તમામ ૨૨ આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા હતા. આ ચુકાદાને સોહરાબુદ્દીનના ભાઈઓ રૂબાબુદ્દીન શેખ અને નાયબુદ્દીન શેખ દ્વારા એપ્રિલ ૨૦૧૯માં બોમ્બે હાઈકોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ શ્રી ચંદ્રશેખર અને જસ્ટિસ ગૌતમ અંખાદની બેન્ચે બંને પક્ષોની લાંબી દલીલો સાંભળ્યા બાદ અપીલ ફગાવતા જણાવ્યું હતું કે નીચલી અદાલતના ચુકાદામાં દખલગીરી કરવા માટે કોઈ મજબૂત કારણ જણાતું નથી.નવેમ્બર ૨૦૦૫ઃ અમદાવાદના નારોલ અને વિશાલા સર્કલ વચ્ચે સોહરાબુદ્દીન શેખનું એન્કાઉન્ટર થયું હતું. સોહરાબુદ્દીનની પત્ની કૌસર બી ગુમ થયા બાદ આરોપ હતો કે તેમની હત્યા કરી ઇલોલ ગામ પાસે પુરાવાનો નાશ કરવામાં આવ્યો હતો. તુલસીરામ પ્રજાપતિનું અંબાજી પાસે એન્કાઉન્ટર થયું હતું.અપીલકર્તાની દલીલ ની વાતકરીએ તો સોહરાબુદ્દીનના ભાઈઓએ દલીલ કરી હતી કે ટ્રાયલ કોર્ટનો ચુકાદો ભૂલભરેલો છે અને ઉપલબ્ધ પુરાવાઓની યોગ્ય ચકાસણી કરવામાં આવી નથી. તેમણે આ મામલે ન્યાયની માંગણી કરી હતી. જોકે, આરોપીઓ તરફથી હાજર રહેલા વકીલોએ દલીલ કરી હતી કે ટ્રાયલ કોર્ટનો નિર્ણય તર્કસંગત અને પુરાવા આધારિત છે.સીબીઆઈ દ્વારા આ નિર્દોષ છુટકારા સામે કોઈ અપીલ કરવામાં આવી નહોતી, માત્ર પરિવારજનો દ્વારા જ અપીલ કરવામાં આવી હતી. હાઈકોર્ટે વિગતવાર આદેશ હવે પછી જાહેર કરવાની વાત કહી છે. આ ચુકાદા સાથે લાંબા સમયથી ચાલી રહેલા આ કાનૂની વિવાદમાં આરોપી પોલીસ અધિકારીઓને મોટી રાહત મળી છે.

Comments