Trending News
સ્થાનિક સમાચાર

અંધારી રાત્રે મોતના ‘સહારે’ મુસાફરીઃ પલાંસવા પાસે લક્ઝરી પલટી, ૨૫ મુસાફરો ઘવાયા 

07 May




આગળ જતા વાહનની લાઈટના ભરોસે બસ ચલાવવી ડ્રાઈવરને ભારે પડી, ૩ થી ૪ મુસાફરોને ગંભીર ફેક્ચર 


રાપર - કચ્છઉદય : રાપર તાલુકાના માખેલ ટોલટેક્સ અને પલાંસવા વચ્ચે ગત રાત્રિએ એક ભયાનક અકસ્માત સર્જાયો હતો. રાજસ્થાનથી મુસાફરોને ભરીને ગાંધીધામ આવી રહેલી ગોરાસિયા ટ્રાવેલ્સની લક્ઝરી બસ પેટ્રોલ પંપ સામે પલટી મારી ગઈ હતી. ટેકનિકલ ખામી અને ડ્રાઈવરના જોખમી નિર્ણયને કારણે ૨૫ જેટલા નિર્દોષ મુસાફરોનો જીવ જોખમમાં મુકાયો હતો. પ્રાપ્ત વિગતો અનુસાર, રાજસ્થાનથી ગાંધીધામ તરફ આવી રહેલી આ બસમાં રાત્રિના સમયે અચાનક ટેકનિકલ ખામી સર્જાતા તેની હેડલાઈટો ગુલ થઈ ગઈ હતી. ઘોર અંધારામાં રસ્તો દેખાતો ન હોવા છતાં ડ્રાઈવરે બસ ઊભી રાખવાને બદલે આગળ જઈ રહેલા એક મોટા વાહનની પાછળ-પાછળ તેની હેડલાઈટના સહારે બસ હંકારી હતી. ડ્રાઈવરની ગણતરી એવી હતી કે આ રીતે સામખિયાળી કે ગાંધીધામ સુધી પહોંચી જવાય, પરંતુ આ જોખમી અખતરો જ અકસ્માતનું કારણ બન્યો હતો.અંધારા રસ્તા પર જ્યારે આગળ જઈ રહેલું વાહન પોતાની ઝડપે નીકળી ગયું, ત્યારે બસ ચાલકને રસ્તાનો અંદાજ રહ્યો ન હતો. ક્ષણભરના અંધારામાં કાબૂ ગુમાવતા બસ રસ્તા પરથી નીચે ઉતરી ગઈ હતી અને જોરદાર ધડાકા સાથે પલટી મારી ગઈ હતી. બસ પલટી મારતા જ મુસાફરોમાં ચીસાચીસ મચી ગઈ હતી. અકસ્માતમાં અંદાજે ૨૦ થી ૨૫ મુસાફરોને ઈજાઓ પહોંચી હતી. જેમાં ૩ થી ૪ મુસાફરોને ગંભીર ફેક્ચર જેવી ઈજાઓ થતા તાત્કાલિક પલાંસવા પ્રાથમિક સારવાર કેન્દ્ર ખસેડાયા હતા. ગંભીર ઈજાગ્રસ્તોને વધુ સારવાર માટે ભુજની હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા છે. સદનસીબે, કોઈ મોટી જાનહાનિ ન થતા સૌએ રાહતનો શ્વાસ લીધો હતો. ઘટનાની જાણ થતા જ આડેસર પોલીસ મથકના ઇન્ચાર્જ પી.આઈ. એમ. જે. હૂણ પોતાની ટીમ સાથે ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. પોલીસે તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરી હતી અને આ મામલે આગળની કાયદેસરની તપાસ શરૂ કરી છે.

.................


 

Comments

COMMENT / REPLY FROM