ભારતના ઔદ્યોગિક વિકાસમાં નવા શ્રમ કોડ્સની મહત્વપૂર્ણ ભૂમિકા પર ફોકીઆનો સેમિનાર ં
નિષ્ણાતોનો મત અમલીકરણથી વિદેશી મૂડીરોકાણ (એફડીઆઈ) આર્કષાશે અને વિકાસને વેગ મળશે
ગાંધીધામ - કચ્છઉદય : ભારતના નવા શ્રમ માળખાના પરિવર્તનકારી પ્રભાવ પર ભાર મૂકતા, ફેડરેશન ઓફ કચ્છ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન (ફોકીઆ)એ સોસાયટી ઓફ હ્યુમન રિસોર્સ પ્રોફેશનલ્સ (એસએચઆરપી), વડોદરા સાથે જ્ઞાન ભાગીદારીમાં અને તોલાણી મોટવાણી ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ સ્ટડીઝ (ટીએમઆઈએમએસ), આદિપુર સાથે શૈક્ષણિક ભાગીદારીમાં ગાંધીધામમાં “ફ્રોમ કોમ્પ્લેક્સિટી ટુ ક્લેરિટી-ફોર લેબર કોડ્સનું સીમલેસ ઇન્ટિગ્રેશન” વિષય પર એક દિવસીય સેમિનારનું આયોજન કર્યું હતું.
ઉદ્ધાટન સત્રમાં ગાંધીધામના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી, અતિથિ તરીકે, ફોકીઆના મેનેજિંગ ડિરેક્ટર નિમિશ ફડકે, ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રમુખ તેજાભાઈ કાનગડ, એપોલો ટાયર્સ લિમિટેડના ભૂતપૂર્વ એચઆર હેડ યશ પવાર અને ટીએમઆઈએમએસના ડિરેક્ટર ડૉ. સંપદા કાપસે ઉપસ્થિત રહ્યા હતા. માંડવીના ધારાસભ્ય અનીરુદ્ધ દવેએ પણ સેમિનારમાં ઉદ્બોધન કર્યું હતું. સ્વાગત પ્રવચન ઇલેક્ટ્રોથર્મના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ ગૌરાંગ ચરણ રાઉતે આપ્યું હતું અને ઉદ્ઘાટન સત્ર માટે આભારવિધિ શ્રીયમ પાવરના વાઇસ પ્રેસિડેન્ટ અશોક પુંદિર દ્વારા પ્રસ્તાવિત કરવામાં આવી હતી અને સેમિનારનું સંદર્ભ વેલસ્પન કોર્પના વાઇસ પ્રેસિડેન્ટ દિનેશ કાલાન્ત્રી દ્વારા આપવામાં આવ્યું હતું.
આ સેમિનારમાં ભારતના જટિલ શ્રમ કાયદાઓને સરળ બનાવવા, વ્યવસાય કરવા સરળતા વધારવા અને શ્રમિક કલ્યાણ સાથે સારી પાલન વ્યવસ્થા સુનિશ્ચિત કરવા માટે ચાર શ્રમ કોડ્સના મહત્વ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. યશ પવાર, ડૉ. ધર્મગ બક્ષી, સંજય સુથાર, પ્રેરક દેસાઈ અને ગુજરાત સરકારના સહાયક શ્રમ આયુક્ત એમ.જે. સોની સહિતના નિષ્ણાતોએ વિવિધ સત્રોમાં અમલીકરણની પડકારો, પાલન પ્રક્રિયા અને સુધારાના લાંબા ગાળાના લાભો અંગે વિગતવાર માહિતી આપી હતી. રૂચિર સોમેશ્વર અને વિષ્ણુ કે. વિજયની ઉપસ્થિતિમાં યોજાયેલી પેનલ ચર્ચામાં ઉદ્યોગ જગતના દ્રષ્ટિકોણ પર પણ ચર્ચા કરવામાં આવી હતી. જ્યારે ડૉ. એસ. કે. રાયજાદાએ ટેકનિકલ સત્રોનું સંચાલન કર્યું હતું. નિષ્ણાતોએ જણાવ્યું હતું કે અનેક કાયદાઓને એકત્રિત કરીને ચાર કોડ્સમાં સમાવવામાં આવવું એક મહત્વપૂર્ણ સુધાર છે, જે શ્રમ વહીવટમાં પારદર્શિતા, એકરૂપતા અને કાર્યક્ષમતા લાવવા સાથે નોકરી દાતા અને કર્મચારી બંનેના હિતોનું સંતુલન જાળવે છે. તેમણે વધુમાં ભાર મૂક્યો હતો કે નવા શ્રમ કોડ્સનું અસરકારક અમલીકરણ ઔદ્યોગિક વિકાસને પ્રોત્સાહન આપશે, કામદારોની પરિસ્થિતિમાં સુધારો કરશે અને વૈશ્વિક અર્થતંત્રમાં ભારતની સ્પર્ધાત્મક સ્થિતિને મજબૂત બનાવશે.
આ સેમિનારમાં ગુજરાતભરના એમએસએમઇ, મોટા ઉદ્યોગો, કાનૂની નિષ્ણાતો, કન્સલ્ટન્ટ્સ અને શૈક્ષણિક ક્ષેત્રમાંથી ૧૪૦ થી વધુ પ્રતિનિધિઓની હાજરી સાથે આ સેમિનાર જ્ઞાન ખાધ દૂર કરવા અને પરિવર્તન માટે હિતધારકોને તૈયાર કરવા માટે એક મહત્વપૂર્ણ મંચ સાબિત થયો. આ સેમિનારમાં લગભગ ર૨ કલાક જેટલી ચાલેલી પ્રશ્નોતરી દરમિયાન સમજુતી આપવામાં આવી હતી. સેમિનાર માટે અનેક પ્રતિષ્ઠિત મહાનુભાવોએ શુભેચ્છાઓ પાઠવી, જેમાં માનનીય શ્રમ અને રોજગાર મંત્રી કુંવરજીભાઈ બાવળિયા, રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા, રાજ્ય મંત્રી (ઉચ્ચ અને તકનીકી શિક્ષણ) ત્રિકમભાઈ છાંગા, ગુજરાત વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ નિમાબેન આચાર્ય, સાંસદ વિનોદભાઈ ચાવડા, કચ્છ જિલ્લા ભાજપ અધ્યક્ષ દેવજીભાઈ વરચંદ તેમજ ઈફકોના અનિરુદ્ધ વિક્રમસિંહ સહિતના મહાનુભાવોનો સમાવેશ થાય છે. આ સેમિનારની આભારવિધિ ડો. સંપદા કાપસે, ડિરેક્ટર, ટીએમઆઈએમએસ દ્વારા કરવામાં આવી હતી. કાર્યક્રમનું સંચાલન જહાન્વીબેન, તોલાણી કોલેજના વિદ્યાર્થીની દ્વારા કરવામાં આવ્યું હતું અને સમગ્ર કાર્યક્રમનું આયોજન ફોકિઆના મમતા વાસાણી, શિવાની ભગત, વંદના વૈષ્ણવ, જીનીશા સદાણી, અને ભરત બારોટ એ કર્યું હતું.
-------

Comments