ધ્રુવમ પટેલની શાનદાર હેટ્રિક સાથે કેસીએ ભુજની દ્વારકા સામે ૧૮ રનથી જીત
આંતર જિલ્લા ટી-૨૦ ક્રિકેટ ટૂર્નામેન્ટ
ભુજ - કચ્છઉદય : સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોશિયેશન દ્વારા આયોજિત આંતર જિલ્લા ટી-૨૦ ક્રિકેટ ટૂર્નામેન્ટના લીગ રાઉન્ડની પ્રથમ મેચમાં કચ્છ ક્રિકેટ એસોશિયેશન (કેસીએ) ભુજની સિનિયર ટીમે દ્વારકા સામે ૧૮ રનથી રોમાંચક વિજય મેળવી ટૂર્નામેન્ટમાં શાનદાર શરૂઆત કરી છે. સુરેન્દ્રનગર ખાતે રમાયેલી આ મેચમાં કચ્છની ટીમે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. કચ્છની ટીમે નિર્ધારિત ૨૦ ઓવરમાં ૯ વિકેટ ગુમાવીને ૧૪૦ રનનો પડકારજનક સ્કોર નોંધાવ્યો હતો, જેમાં પિયૂષ રાઠોડના અર્ધશતકીય ૫૦ રન અને કિશન વરસાણીના ૨૯ રન મુખ્ય રહ્યા હતા. દ્વારકા તરફથી બોલિંગમાં વિરમ ગઢવીએ અસરકારક પ્રદર્શન કરી ૪ વિકેટ ઝડપી હતી.
૧૪૧ રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી દ્વારકાની ટીમ કચ્છના શિસ્તબદ્ધ બોલિંગ આક્રમણ સામે ૨૦ ઓવરમાં ૯ વિકેટના નુકશાને ૧૨૨ રન સુધી જ સીમિત રહી હતી. દ્વારકા વતી અર્જુન ગોજીયાએ સર્વાધિક ૨૩ રનનું યોગદાન આપ્યું હતું. કેસીએ ભુજની આ જીતમાં બોલર ધ્રુવમ પટેલે પાયાની ભૂમિકા ભજવી હતી. ધ્રુવમે ૪ ઓવરમાં માત્ર ૨૧ રન આપીને હેટ્રિક વિકેટ ઝડપતા તેને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. ટીમ વતી જયદીપ જોશી અને નિકુંજ પીંડોરિયાએ ૨-૨ વિકેટ, જ્યારે કિશન વરસાણી અને રાજેન્દ્રસિંહ સોઢાએ ૧-૧ વિકેટ મેળવી હતી.
કોચ મહેશભાઈ પંડ્યા અને મેનેજર અમિતભાઈ રાઠોડના માર્ગદર્શન હેઠળ ટીમે મેળવેલી આ ભવ્ય જીત બદલ કચ્છ ક્રિકેટ એસોશિયેશનના હોદ્દેદારો અને સિલેક્ટરોએ સમગ્ર ટીમને અભિનંદન પાઠવી આગામી મેચ માટે શુભેચ્છાઓ આપી હતી.
---------

Comments