કચ્છનાં ચિત્રકારોનો કલકત્તા ખાતે દબદબો
ભુજ-કચ્છઉદય : તાજેતરમાં ઇન્ટરનેશનલ વોટર કલર સોસાયટી (આઈ.ડબલ્યુ.એસ.)નોર્થ ઇસ્ટ ઇન્ડીયાના લીડર મૌમિતા ઘોષ દ્વારા આયોજીત ઇન્ટરનેશનલ વોટરકલર સમિટ બંગાળ ચેપ્ટર તા.૨૨ થી ૨૪ એપ્રિલ ૨૦૨૬ થયેલ હતું જેમાં કચ્છના બન્ને કલાકારોનો દબદબો રહ્યો હતો.
ભુજનાં ચિત્રકાર અને આઈ.ડબલ્યુ.એસ. ઈન્ડીયાના ગુજરાત પ્રમુખની માહિતી આપતા જણાવેલ કે આઈ.ડબલ્યુ.એસ. નોર્થ ઇસ્ટ ઇન્ડીયા દ્વારા આઇ.સી.સી.આર આર્ટ ગેલેરી કલકત્તા ખાતે ઇન્ટરનેશનલ વોટર કલર સમિટ દ્વારા ચિત્ર પ્રદર્શનનું આયોજન થયેલ હતું જેમાં વિશ્વભરમાંથી ઓનલાઇન ટોટલ ૨૨૭ પેઇન્ટિંગની એન્ટ્રીઓ પસંદગી પામી હતી જેમાંથી ગુજરાત, કચ્છમાથી માધાપર-ભુજના ચિત્રકાર કલ્પેશ પરમારની “માં” નામની એન્ટ્રી એ ત્રીજો ક્રમાંક પ્રાપ્ત કરી કચ્છનું ગૌરવ વધાર્યું હતું અને કલ્પેશ પરમારને આઇ.સી.સી.આર આર્ટ ગેલેરી ખાતે મોમેન્ટો, પ્રમાણપત્ર અને ઇનામ દ્વારા સન્માનિત કર્યા હતા.
ભુજનાં ચિત્રકાર લાલજીભાઈ જોષીએ બીજા દિવસે કલારસિકોની જનમેદનીની વચ્ચે અને આંતરરાષ્ટ્રીય કલાકારો સાથે વોટરકલરના માધ્યમથી કચ્છનાં રબારી સમાજના ઉંમરલાયક દાદાનું પોટ્રેટ બનાવ્યું હતું અને પુર્ણ થતાં સૌ કોઈ ઉપસ્થિત કલાપ્રેમીઓએ તાળીઓથી વધાવી લીધાં હતા અને લાલજીભાઈને પુછ્યું કે તમે કોનું પેઇન્ટિંગ બનાવ્યું અને શા માટે જવાબમાં લાલજીભાઈએ જણાવ્યું હતું કે કચ્છમાં રહેતા રબારી સમાજનું અને ભાતીગળ પહેરવેશ દર્શાવતું પેઇન્ટિંગ છે જે જોઈને તમે બધા પણ અમારા અદભુત, સંસ્કૃતિથી ભરપૂર અને વિશાળ કચ્છના દર્શન કરવા આવો તે માટે આમંત્રણ સ્વરૂપે આ પોટ્રેટ બનાવ્યું છે સાથે અંદાજે ૫૦ ફુટ લાંબા પેઇન્ટિંગમાં પણ લાલજીભાઈ સહભાગી બન્યા હતા અને અંતે મોમેન્ટો, પ્રમાણપત્ર અને કવર આપી સન્માનિત કર્યા હતાં જે બંને પ્રસંગ કચ્છ માટે ગૌરવની બાબત છે.
--------

Comments