કોટેશ્વર પાસેથી બિનવારસુ પાકિસ્તાની બોટ મળી
ડ્રગ્સના પેકેટ મળી આવવાના ઘટનાક્રમ વચ્ચે સફળતા
ભુજ : કચ્છના દરિયાઈ સીમાડે ફરી એકવાર શંકાસ્પદ ગતિવિધિ જોવા મળી રહી છે. લખપત તાલુકાના કોટેશ્વર નજીક પડાલા વિસ્તારમાંથી બીએસએફના પેટ્રોલિંગ દરમિયાન બિનવારસુ પાકિસ્તાની બોટ મળી આવતા સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ ગઈ છે. મળતી વિગતો મુજબ, સીમા સુરક્ષા દળના જવાનો જ્યારે દરિયાઈ સીમા પર રૂટિન પેટ્રોલિંગમાં હતા, ત્યારે તેમને પડાલા વિસ્તારમાં એક લાવારિસ બોટ જોવા મળી હતી. તપાસ કરતા આ બોટ પાકિસ્તાની હોવાનું ખુલ્યું હતું. જોકે, બોટમાંથી કોઈ વ્યક્તિ કે શંકાસ્પદ સામગ્રી મળી આવી નથી. હાલમાં દરિયો રફ હોવાથી આ બોટ તોફાની પવનને કારણે તણાઈને ભારતીય સીમામાં ઘૂસી આવી હોવાની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે છેલ્લા કેટલાક દિવસોથી અબડાસા, લખપત અને માંડવીના દરિયાકાંઠાના વિસ્તારોમાંથી બિનવારસી હાલતમાં ડ્રગ્સના પેકેટો મળી રહ્યા છે. અત્યાર સુધીમાં ૭૦થી વધુ માદક પદાર્થોના પેકેટો જપ્ત કરવામાં આવ્યા છે. આ ઘટનાક્રમ વચ્ચે પાકિસ્તાની બોટનું મળી આવવું સુરક્ષાની દ્રષ્ટિએ અત્યંત ગંભીર માનવામાં આવી રહ્યું છે. મંગળવારે કચ્છના દરિયાકાંઠે વિવિધ એજન્સીઓ દ્વારા સાગર કવાયત પણ યોજવામાં આવી હતી.

Comments