‘કાળા સોના’નો કાળો કારોબાર કચ્છમાં મંજૂરીના ઓઠા હેઠળ મીઠી ઝાડી સહિત વનસંપદાનું નિકંદન કાઢતું કોલસા માફિયાઓનું મસમોટું કૌભાંડ
તંત્રની મીઠી નજર હેઠળ પાવરપટ્ટી, બન્ની અને પચ્છમ તેમજ અબડાસા, નખત્રાણા અને લખપત પંથકમાં ધમધમતી ગેરકાયદે કોલસાની ભઠ્ઠીઓ : ભ્રષ્ટ અધિકારીઓ અને ભૂમાફિયાઓની મિલીભગતથી પર્યાવરણનું સત્યાનાશ : કોલસાના આઠમાં મીઠી ઝારીઓનું મોટુંપાયે થાય નુકશાન : હાલમાં જગલોનું કરાતો નુકશાનથી ગરમીમાં થયો છે વધારો : ગેસની તંગી કોલસાની માંગ અને તેના ભાગમાં પણ મોટા પાયે ઉછાળો આવ્યો છે જેના લાભ લેવા જુના જોગીઓ ફરી સક્રિય થયા....
ગાંડા બાવળના નિકાલ માટે વન વિભાગ દ્વારા નિયમબદ્ધ અપાતી મંજૂરીઓ હવે ભ્રષ્ટાચારનું લાઇસન્સ બની ગઈ : એક વિસ્તારની મંજૂરી મેળવીને અન્ય પ્રતિબંધિત વિસ્તારોમાં ઝીંકવામાં આવી રહ્યા છે કુહાડા : કચ્છના પાવરપટ્ટીના અને લખપત જેવા સંવેદનશીલ વિસ્તારોમાં આજે ડઝનબંધ ગેરકાયદે ભઠ્ઠીઓ ધુમાડા કાઢી રહી છે, જેની ગંધ વન વિભાગ કે સ્થાનિક વહીવટી તંત્રના નાક સુધી નથી પહોંચતી
જિલ્લાનું પ્રશાસન ચૂંટણીલક્ષી કામગીરીમાં વ્યસ્ત હતું ત્યારે કોલસા માફિયાઓએ તકનો ઉઠાવ્યો પૂરેપૂરો ગેરલાભ : પશ્ચિમ એશિયામાં યુદ્ધ જેવી સ્થિતિને કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે ઈંધણનું સંકટ ઘેરું બન્યું : એલપીજી ગેસની અછત અને વધતા ભાવોને કારણે બળતણ તરીકે કોલસાની માંગમાં અચાનક આવ્યો ઉછાળો : બજારમાં કોલસાના ભાવો આસમાને પહોંચતા તકનો ફાયદો ઉઠાવવા માટે લાલચુ તત્વોએ પર્યાવરણના હિતોને નેવે મૂકી દીધા
કોલસા માટે જ્યાંનો ૭-૧ર રજુ કરવામાં આવે છે ત્યાં કોલસા જ નથી બનતા તેવી અવાર - નવાર ફરિયાદો છતાં જગલ ખાતાના અધિકારી સ્થળ નિરિક્ષણ કરતા નથી...
ભુજ - કચ્છઉદય :કચ્છની ધરતી પર ફરી એકવાર ગેરકાયદેસર કોલસાનો કારોબાર મોટું સ્વરૂપ ધારણ કરી રહ્યો છે. જે વનસંપદા અને ગાંડા બાવળના નિકાલ માટે વન વિભાગ દ્વારા નિયમબદ્ધ મંજૂરીઓ આપવામાં આવતી હોય છે, તે મંજૂરી હવે ભ્રષ્ટાચારનું લાઇસન્સ બની ગઈ છે. કચ્છ જિલ્લાના સીમાવર્તી વિસ્તારોમાં ’કાળા સોના’ તરીકે ઓળખાતા કોલસાના ગેરકાયદેસર ઉત્પાદને માઝા મૂકી છે. સરકારી ચોપડે દેખાતી મંજૂરીઓ માત્ર કાગળ પર રહી ગઈ છે અને વાસ્તવિકતામાં વન વિભાગના રક્ષણ હેઠળ જ વનસ્પતિઓનો સોથ વળી રહ્યો છે. આ રમત એટલી વ્યવસ્થિત રીતે રમાઈ રહી છે કે એક વિસ્તારની મંજૂરી મેળવીને અન્ય પ્રતિબંધિત વિસ્તારોમાં કુહાડા ઝીંકવામાં આવી રહ્યા છે. પશ્ચિમ કચ્છના પાવરપટ્ટીના અને લખપત જેવા સંવેદનશીલ વિસ્તારોમાં આજે ડઝનબંધ ગેરકાયદે ભઠ્ઠીઓ ધુમાડા કાઢી રહી છે, જેની ગંધ વન વિભાગ કે સ્થાનિક વહીવટી તંત્રના નાક સુધી પહોંચતી નથી તે બાબત જ પરમ આશ્ચર્ય અને શંકા જન્માવનારી છે.
સામાન્ય પ્રક્રિયા મુજબ, ખાનગી કે સરકારી પડતર જમીનોમાં વ્યાપક પ્રમાણમાં ઉગી નીકળતા ગાંડા બાવળના નિકાલ માટે અને તેના થકી સરકારી તિજોરીમાં આવક ઉભી કરવાના હેતુથી કોલસો પાડવાની મંજૂરી આપવામાં આવતી હોય છે. નિયમ મુજબ જે સર્વે નંબર અથવા જે વિસ્તારની મંજૂરી મળી હોય ત્યાં જ કોલસો પાડી શકાય અને તેનું પરિવહન પણ કાયદેસરની રોયલ્ટી ભરીને કરવાનું હોય છે. પરંતુ વર્તમાનમાં કચ્છની ભૌગોલિક પરિસ્થિતિનો ગેરલાભ ઉઠાવીને માફિયાઓ દ્વારા ભયંકર છેતરપિંડી આચરવામાં આવી રહી છે. એક ચોક્કસ વિસ્તારની મંજૂરી લેવામાં આવે છે અને ત્યારબાદ ત્યાંથી કિલોમીટરો દૂર આવેલા બન્ની - પચ્છમ , પાવરપટ્ટી કે અબડાસા, નખત્રાણા અને લખપતના અંતરિયાળ વિસ્તારોમાં જ્યાં મીઠી જાળીઓ અને કિંમતી વનસ્પતિઓ છે, ત્યાં રાતોરાત જેસીબી અને કુહાડા ફેરવી દેવામાં આવે છે. આ ગેરકાયદેસર રીતે કાપેલા લાકડાનો કોલસો બનાવી તેને મંજૂરીવાળા સ્થળે ડમ્પ કરવામાં આવે છે અને ત્યાંથી કાયદેસરના બિલ્ટી-કાગળો બતાવીને બજારમાં રવાના કરી દેવામાં આવે છે. આ મોડસ ઓપરેન્ડી એટલી હદે વકરી છે કે વન વિભાગના નાકાઓ અને ચેકપોસ્ટો માત્ર શોભાના ગાંઠિયા સમાન બની ગયા છે.
કચ્છમાં તાજેતરમાં જ્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનો માહોલ હતો અને સમગ્ર જિલ્લાનું પ્રશાસન મશીનરી ચૂંટણીલક્ષી કામગીરીમાં વ્યસ્ત હતી, ત્યારે આ કોલસા માફિયાઓએ તકનો પૂરેપૂરો ગેરલાભ ઉઠાવ્યો હતો. અધિકારીઓની વ્યસ્તતા વચ્ચે અસંખ્ય ટ્રકો ભરીને ગેરકાયદેસર કોલસો જિલ્લાની બહાર રવાના કરી દેવામાં આવ્યો છે. જો આજે પણ તટસ્થ તપાસ કરવામાં આવે અને જે જમીનોના નામે મંજૂરીઓ લેવામાં આવી છે તેનું સ્થળ નિરીક્ષણ કરવામાં આવે, તો ભયંકર વિસંગતતા બહાર આવી શકે તેમ છે. જે જમીનો પરથી હજારો મણ કોલસો નીકળ્યો હોવાનું કાગળ પર દર્શાવાયું છે, ત્યાં આજે પણ બાવળની નાની કુંપળો અને અકબંધ ઝાડીઓ જોવા મળે તેવી શક્યતા છે. આ સ્પષ્ટપણે દર્શાવે છે કે કોલસો તે જમીન પરથી નહીં પણ અન્ય કોઈ પ્રતિબંધિત વન વિસ્તારમાંથી પાડવામાં આવ્યો છે. આ કૌભાંડમાં માત્ર નાના મજૂરો જ નહીં પણ મોટા ગજાના વગદાર લોકો અને ભ્રષ્ટ સરકારી બાબુઓની સાંઠગાંઠ હોવાની પ્રબળ શંકાઓ સેવાઈ રહી છે.
વૈશ્વિક સ્તરે ઉદભવેલી ભૌગોલિક અને રાજકીય પરિસ્થિતિએ પણ કચ્છના આ કાળા કારોબારને મોટું પ્રોત્સાહન આપ્યું છે. પશ્ચિમ એશિયામાં ઈરાક, ઈઝરાયેલ અને અમેરિકા વચ્ચેના તણાવ અને યુદ્ધ જેવી સ્થિતિને કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે ઈંધણનું સંકટ ઘેરું બન્યું હતું. ભારતમાં પણ એલપીજી ગેસની અછત અને વધતા ભાવોને કારણે બળતણ તરીકે કોલસાની માંગમાં અચાનક ઉછાળો આવ્યો હતો. માંગ વધતા જ બજારમાં કોલસાના ભાવો આસમાને પહોંચ્યા હતા. આ તકનો ફાયદો ઉઠાવવા માટે લાલચુ તત્વોએ પર્યાવરણના હિતોને નેવે મૂકી દીધા હતા. પશ્ચિમ કચ્છના પંથકમાં એવી વ્યાપક ચર્ચા છે કે ઈંધણની તંગીનો લાભ લેવા માટે માફિયાઓએ અસંખ્ય મીઠી જાળીઓ અને વન્ય સંપદાનો સોથ વાળી દીધો છે. જે વનસ્પતિ રણના પ્રસારને અટકાવવા માટે અને સ્થાનિક જીવસૃષ્ટિ માટે આશીર્વાદરૂપ છે, તેને લાલચના હવનમાં હોમી દેવામાં આવી છે.
સૌથી ગંભીર બાબત એ છે કે જ્યારે પણ સ્થાનિક લોકો કે જાગૃત નાગરિકો દ્વારા આ ગેરપ્રવૃત્તિ અંગે અવાજ ઉઠાવવામાં આવે છે અથવા તંત્રને રજૂઆત કરવામાં આવે છે, ત્યારે ઉપરછલ્લી તપાસના નાટકો કરવામાં આવે છે. ભ્રષ્ટ અધિકારીઓ માફિયાઓ સાથે મળીને તપાસની ફાઈલો એવી રીતે તૈયાર કરે છે કે ગુનેગારો છૂટી જાય. પંચનામાઓ માત્ર કાગળ પર ભરાય છે અને વાસ્તવિક ગુનેગારો સુધી ક્યારેય કાયદાના હાથ પહોંચતા નથી. લખપત અને પચ્છમ જેવા વિસ્તારોમાં તો સ્થિતિ એટલી હદે વણસી છે કે રાત્રિના સમયે આખેઆખા જંગલો કાપી નાખવામાં આવે છે અને સવાર સુધીમાં તો ત્યાં ભઠ્ઠીઓ ધખતી કરી દેવામાં આવે છે. જો કોઈ વહીવટી અધિકારી નિષ્ઠાપૂર્વક તપાસ કરે તો આ કરોડો રૂપિયાનું કૌભાંડ સાબિત થઈ શકે તેમ છે.આ સંજોગોમાં હવે સમય પાકી ગયો છે કે રાજ્ય કક્ષાએથી કોઈ ઉચ્ચ સ્તરીય સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવે અને કચ્છના ખૂણેખૂણે ધમધમતી આ ગેરકાયદે કોલસાની ભઠ્ઠીઓ પર ત્રાટકવામાં આવે. માત્ર દંડ ભરાવીને ઈતિશ્રી કરવાને બદલે, મંજૂરી આપનાર જવાબદાર અધિકારીઓની સંપત્તિની પણ તપાસ થવી જોઈએ. કચ્છની પર્યાવરણીય સંતુલન જાળવવા માટે વનસ્પતિઓનું રક્ષણ અત્યંત અનિવાર્ય છે. જો આ રીતે જ સત્તા અને સંપત્તિના જોરે વનસ્પતિઓનું નિકંદન કાઢવામાં આવશે, તો આવનારા સમયમાં કચ્છના રણની ભૌગોલિક સ્થિતિ વધુ વિકટ બનશે. જિલ્લા પ્રશાસને ઊંઘતી કુંભકર્ણની નિદ્રા ત્યાગીને ગંભીરતાથી આ પ્રશ્ને સક્રિય થવું પડશે, અન્યથા આ ’કાળો સોદો’ કચ્છની હરિયાળી અને સરકારી તિજોરી બંનેને ભરખી જશે તેમાં કોઈ શંકા નથી. આ મુદ્દે જો તટસ્થ અને સઘન તપાસ હાથ ધરવામાં આવે, તો એક એવું મસમોટું કૌભાંડ બહાર આવી શકે છે જેની કલ્પના પણ ધ્રુજારી લાવી દે તેવી હોય. હવે જોવાનું એ રહે છે કે સરકાર આ માફિયાઓ સામે લોખંડી હાથે કામ લેશે કે પછી હંમેશની જેમ ભ્રષ્ટાચારના ધુમાડામાં સત્ય દટાઈ જશે.
......

Comments