Trending News
સ્થાનિક સમાચાર

ભુજમાં આધ્યાત્મના પાંચ સુત્રો વિષય પર પ્રેરણાદાયક પ્રવચન યોજાયું 

05 May



ભુજ-કચ્છઉદય : શહેરમાં સમણ શ્રુતપ્રજ્ઞજીએ “આધ્યાત્મના પાંચ સૂત્રો” વિષય પર અત્યંત પ્રેરણાદાયક અને જીવન માર્ગદર્શક પ્રવચન આપ્યું હતું. પ્રવચનમાં તેમણે સરળ અને વ્યવહારૂ રીતે જીવનમાં શાંતિ, સંતુલન અને સકારાત્મકતા કેવી રીતે વિકસાવવી તે સમજાવ્યું હતું.
તેમણે જણાવ્યું કે ધ્યાન દ્વારા વર્તમાનમાં જીવવું અને દરેક પળને રળિયામણી બનાવવી એ જીવનની મૂળ કળા છે. તેમણે ખાસ ભાર મૂક્યો કે પ્રતિક્રિયા નહીં, પરંતુ સમજપૂર્વક પ્રતિભાવ આપવો જોઈએ, જે મનની શાંતિ માટે અનિવાર્ય છે. વધુમાં તેમણે સમજાવ્યું કે જીવનમાં આપણને ઇચ્છા મુજબ નહીં, પરંતુ પોતાની લાયકાત મુજબ મળે છે, અને આ લાયકાત સતત પ્રયત્નો અને સાધનાથી વિકસે છે.
ચોથા સૂત્રરૂપે તેમણે જણાવ્યું કે કોઈપણ કાર્ય સારા ભાવથી કરવામાં આવે તો તેનું ચમત્કારિક ફળ મળે છે, જ્યારે મનમાં નકારાત્મકતા રાખીને કરેલા કાર્યથી નુકસાન ભોગવવું પડે છે. અંતમાં તેમણે આભાર માનવાની વૃત્તિ વિકસાવવાની મહત્વતા સમજાવી, જે જીવનમાં આનંદ અને સંતોષ લાવે છે. 
આ કાર્યક્રમનું આયોજન ભદ્રેશભાઈ દોશી, સંદીપભાઈ મહેતા અને નવીનભાઈ કોરડિયા દ્વારા કરવામાં આવ્યું હતું. મોમેન્ટોથી તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ અવસર ઉપર નીતાબેન સંદીપ મહેતાએ શ્રુતપ્રજ્ઞજીનો સંક્ષિપ્ત પરિચય આપ્યો હતો. ત્યારબાદ સોસાયટી તરફથી હર્ષદ દોશી તથા રમેશ કોરડીઆ દ્વારા સમણને સન્માનિત કરવામાં આવ્યા હતા. અશોકભાઈ સંઘવી તથા જીતુભાઈ દોશીએ સમણનું પુસ્તક થી સ્વાગત કરેલ હતું. કાર્યક્રમની આભારવિધિ નવીનભાઈએ કરી હતી. આ પ્રવચનમાં આશરે ૮૦ જેટલા શ્રોતાઓ ઉપસ્થિત રહ્યા હતા. સૌએ આ આધ્યાત્મિક માર્ગદર્શનનો લાભ લીધો. 
----------

Comments

COMMENT / REPLY FROM