ગાંધીધામના રોડ-રસ્તાના કામોમાં લાલીયાવાડી મુદ્દે કમિશ્નરશ્રીએ એન્જીનીયરોનો લીધો ઉધડો
ઓમ સિનેપ્લેક્સ પાસે ગૌરવ પથ ‘સાપસીડી’ જેવો બન્યો; ફૂટપાથ ખાનગી પ્લોટમાં ઘુસી જતાં વિવાદ વકર્યો હતો : અન્ય રોડ-રસ્તા સહિતના કામોમાં પણ દેખાતી ક્ષતીઓ મામલે કમિશ્નરશ્રીએ પ્રજાહીતમાં આપી કડક તાકીદ
લાપરવાહીદાખવનારા તથા તદન હંગામી ધોરણે રખાયેલા આવા એન્જીનીયરોની ચૂક હોય તો તેમની સામે હકીકતમાં તો કમિશ્નરશ્રીએ એફઆઈઆર જ દાખલ કરવી જોઈએ, ફરીયાદ જ દાખલ થવી જોઈએ
ખાટલે મોટી ખોટ : કમિશ્નરશ્રીએ કરેલી કાર્યવાહી આવકારદાયક, એન્જીનીયરોની સાથોસાથ લાપરવાહી દાખવનાર ઠેકેદારો પૈકીના એકાદ-બે પર ધાક બેસાડતી કાર્યવાહી કેમ નહી? લાપરવાહી-ટેન્ડરની જોગવાઈઓને અનુસરતા ન હોય તેવા એકાદ કોન્ટ્રાકટરની સામે લાલઆંખ થાય તો બધાય સીધા થઈ જશે? પણ હજુ સુધી નાની સુની દંડનાત્મક કાર્યવાહીકરાઈ છે પણ કડક પગલા-ધાક બેસે તેવા ઠેકેદારોની સામે જોવા નથી મળતા? તેના પાછળનું રહસ્ય શું?
ગાંધીધામ : ગાંધીધામ મહાનગરપાલિકા માં વિકાસકામોની ગુણવત્તા અને એન્જિનિયરોની કાર્યપદ્ધતિને લઈને મનપાના કાર્યદક્ષ અને તટસથ પ્રજાભિમુખ કમિશ્નરશ્રી દ્વારા નીતી નિયમો અનુસારની કાર્યવાહી થવાની કડક સુચનાઓ આપી હોવાનુ સામે આવ્યુ છે. શહેરના મહત્વકાંક્ષી ગૌરવ પથ પ્રોજેક્ટમાં થયેલી ગંભીર ટેકનિકલ ખામીઓ અને બેદરકારી સામે આવ્યા બાદ, મનપા કમિશનર શ્રી મનીષ ગુરવાણીએ લાલ આંખ કરી તમામ એન્જિનિયરોનો બરાબરનો ઉધડો લીધો છે.
અંતરંગ વર્તુળોમાથી મળતી માહીતી અનુસાર ઓમ સિનેપ્લેક્સ પાસે ગૌરવ પથના નિર્માણમાં એન્જિનિયરોની ઘોર ઉદાસીનતા સામે આવી છે. રોડનું લેવલિંગ યોગ્ય ન હોવાથી રસ્તો ‘સાપસીડી’ જેવો ઉબડ-ખાબડ બન્યો છે. એટલું જ નહીં, ફૂટપાથના આયોજનમાં એવી ગંભીર ક્ષતિ રહી છે કે ફૂટપાથ પ્રાઈવેટ પ્લોટમાં ઘૂસી ગઈ છે. આંગણવાડી જેવા સંવેદનશીલ પ્રોજેક્ટ્સમાં પણ પાણીના ટાંકા જેવી પ્રાથમિક સુવિધાઓનો અભાવ જોવા મળતા એન્જિનિયરોની પ્રોફેશનલિઝમ સામે પ્રશ્નાર્થ ચિન્હ ઉભા થયા છે.
શહેરના સુવ્યવસ્થિત વિકાસ માટે મનપા કમિશનર શ્રી મનીષ ગુરવાણીએ પારદર્શક અને કડક અભિગમ અપનાવ્યો છે. તેમણે સ્પષ્ટ ચેતવણી આપી છે કે વિકાસના કામોમાં ગુણવત્તા સાથે કોઈ પણ પ્રકારની બાંધછોડ ચલાવી લેવામાં આવશે નહીં. કમિશનર દ્વારા લેવામાં આવેલા કડક પગલાંને કારણે કામચોર અને બેદરકાર તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે.શહેરના હિતમાં આ કડક કાર્યવાહી જરૂરી છે કે કેમ તે બાબતે જનતામાં પણ ભારે ચર્ચા જાગી છે. આગામી દિવસોમાં આ એન્જિનિયરોની હલચલ વિકાસકામોને રૂંધશે કે તંત્રમાં શુદ્ધિકરણ લાવશે તે જોવું રહ્યું. બીજીતરફ એન્જીનીયરોને મળતી સુવિધાઓ બાબતે પણ વિચાર કરવા, તેમની સમસ્યાઓને પણ ધ્યાને લેવા માટે મનપા તંત્ર વિચાર કરે તેવી માંગ ઉઠવા પામી છે.

Comments