કચ્છમાં હવે પરમિટવાળો ‘જામ’ બનશે મોંઘો
દારૂ-બિયરના ભાવમાં ૧૦ ટકા સુધીનો તોતિંગ વધારો : આબકારી વિભાગના નવા પરિપત્રથી કચ્છ સહિત રાજ્ય પોલીસના દરોડામાં પકડાતો મુદ્દામાલ પણ હવે કાગળ પર વધુ ‘કિંમતી’ જણાશે : પ્રવાસન ધામોની પરમિટ શોપ્સ પર નવા ભાવપત્રક લાગુ
ભુજ - કચ્છઉદય : કચ્છ સહિત રાજ્યમાં નશાબંધી વિભાગ દ્વારા આગામી વર્ષ ૨૦૨૬ અને ૨૦૨૭ માટે વિદેશી દારૂ અને બિયરના નવા દરો જાહેર કરવામાં આવતા જ પરમિટ ધારકોના ખિસ્સા પર બોજ વધ્યો છે. રાજ્યના આબકારી વિભાગે વિવિધ બ્રાન્ડની કિંમતોમાં સરેરાશ ૫ થી ૧૦ ટકાનો ભાવવધારો ઝીંક્યો છે, જેની સીધી અસર કચ્છના સ્થાનિક પરમિટ ધારકો પર જોવા મળશે. કચ્છના ભુજ, ગાંધીધામ અને મુન્દ્રા જેવા શહેરોમાં આવેલી
અધિકૃત વાઈન શોપ્સ અને લાયસન્સ ધરાવતી હોટલોમાં હવે નવી કિંમતો મુજબ વેચાણ શરૂ થશે. આ નવા ભાવવધારાને કારણે જે સહેલાણીઓ કે સ્થાનિક પરમિટ ધારકો કાયદેસર રીતે દારૂની ખરીદી કરે છે, તેમને હવે ગત વર્ષની સરખામણીએ વધુ રકમ ચૂકવવી પડશે.
આ ભાવવધારાની એક રસપ્રદ પાસું એ પણ છે કે હવે કચ્છ અને રાજ્યની પોલીસ દ્વારા પકડવામાં આવતો દારૂનો જથ્થો આંકડાની દ્રષ્ટિએ વધુ ‘મોંઘો’ સાબિત થશે. કચ્છ એ ભૌગોલિક રીતે મોટો અને સરહદી જિલ્લો હોવાથી અહીં મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો પકડાતો હોય છે. અત્યાર સુધી પોલીસ જૂના ભાવ મુજબ જપ્ત કરેલા માલની કિંમત આંકતી હતી, પરંતુ હવે નવા પરિપત્ર મુજબ પોલીસ ચોપડે જપ્ત કરેલી બોટલોની કિંમત બજારના નવા ઊંચા ભાવ પ્રમાણે ગણવામાં આવશે. આનાથી આવનારા દિવસોમાં કચ્છ પોલીસ જ્યારે દારૂના મોટા દરોડા પાડશે, ત્યારે મુદ્દામાલની કુલ કિંમતના આંકડામાં મોટો ઉછાળો જોવા મળશે. આમ, બજારમાં ભાવ વધવાની સાથે ગુનાહિત પ્રવૃત્તિમાં પકડાયેલા માલની ‘વેલ્યુ’ પણ કાગળ પર વધી જશે. આબકારી વિભાગના આ નવા દરો તાત્કાલિક અસરથી અમલી બન્યા હોવાથી જિલ્લાની તમામ લાયસન્સ ધરાવતી સંસ્થાઓએ નવા ભાવપત્રક લગાવી દીધા છે.

Comments