ગાંધીધામમાં ‘નલ સે જળ’ના કરોડોના કામોમાં ‘નળ સે છળ’ કરનારાઓ કોણ?ઃ એનઓસી આપનારાને કરો નશ્યત..!
જાગો ગાંધીધામવાસીઓ જાગોે..! : કમિશ્નરશ્રી પણ ધ્યાન આપે
નગરપાલીકા સમયે ૧૩૩ કરોડથી વધુની રકમ જે નળ સે જળ યોજના માટે ફાળવાઈ હતી, તેની પોલમપોલ હવે મનપાતંત્ર દ્વારા ચાલી રહેલા કામોમાં ખુલી રહી છે : વર્તમાન સમયે વરસાદી નાળાના ચાલી રહેલા કામોમાં નળ સે જળ યોજનાના પાઈપો મોઢા ફાડી-ફાડીને ચાડી ખાઈ રહ્યા છે, અમે તો એમના એમ જ પડયા છીએ, અમારા જોડાણો જ કયાં મુખ્ય વાલ્વને નથી અપાયા.! તો ઘરોઘર પાણી અમે પહોચાડીએ કેવી રીતે? : કમિશ્નરશ્રી ગુરવાણી આ અંગે કરાવે તપાસ
શહેરમાં નળ સે જળ યોજનાની અંદાજીત ર૦૦ કરોડની યોજના પર પાણી કોણે ફેરવ્યું? સરકારે કરોડોની રકમ ગાંધીધામવાસીઓના ઘરેઘર નળમાં પાણી આવે તે માટે ફાળવ્યુ પરંતુ કામ રાખનારી એજન્સીની સાથે મેળાપીપણાં કરી અને કાગળ પર જ કોણે કરાવ્યા કામ? અડધા અધુરા કામોના એનઓસી આપનારા તત્કાલીન જે કોઈ પણ રહ્યા હોય તેમનાથી આ રકમની રીકવરી કરો, તેમની સામે કાયદાકીય પગલા ભરવા જોઈએ : જાણકારોનો ઈશારો
શા માટે ફોજદારી ફરીયાદ કરવામાં આવતી નથી? જે રીતે પંચમહાલમાં પોલીસ ફરીયાદ થઈ છે, તો ગાંધીધામમાં પણ આવા કામો કરનાર ઠેકેદાર અને તેના સહયોગીઓ પર ફોજદારી રાહે ફરીયાદ કેમ નહી?
ગાંધીધામ : શહેરમાં અમલમાં મુકાયેલી અંદાજિત રૂ. ૨૦૦ કરોડની “નલ સે જળ” યોજના પર ગંભીર સવાલો ઊભા થયા છે. સરકારે ગાંધીધામવાસીઓના ઘરેઘર નળ દ્વારા નિયમિત પાણી
પહોંચે તે માટે કરોડોની રકમ ફાળવી હતી, પરંતુ જાણકાર વર્ગના ઈશારાથી ખુલાસો થયો છે કે નગરપાલિકા કાળમાં સંબંધિત એજન્સી સાથે મળાપીપણા કરી કાગળ પર જ કામ પૂર્ણ બતાવી દીધાં હોવાના આક્ષેપો જાણે કે સાચા ઠરી રહ્યા હોય તેમ હાલમાં નળ સે જળ યોજનાના કામો માટે નાખવામા આવેલા પાઈપ્સ અત્યારે ખુલ્લેખુલ્લા જોવા મળી આવતા આ પોલપપોલ વધુ એક વખત સંકુલના પ્રબુદ્ધવર્ગમાં ચર્ચાના એરણે ચડવા પામી ગઈ છે.
આ મામલે થતી ચર્ચાઓની જો વાત માંડીએ તો નળ સે જળ યોજના અંતર્ગત શહેરના વિવિધ વિસ્તારોમાં પાઈપલાઈન અને જોડાણોના કામ દર્શાવી કરોડોના બિલો પાસ કરાયા હતા. પરંતુ વાસ્તવિકતા એ છે કે અનેક વિસ્તારોમાં
પાઈપો તો નાખવામાં આવ્યા છે, પરંતુ જોડાણો યોગ્ય રીતે મુખ્ય વાલ્વ સાથે આપવામાં આવ્યા જ નથી. કેટલીક જગ્યાએ હવે જયારે વર્તમાન સમયે વરસાદી નાળાના કામો ચાલી રહ્યા છે તે દરમિયાન ખુલ્લા પડી ગયેલા
પાઈપો સ્પષ્ટ દેખાઈ રહ્યા છે, જે ‘નલ સે જળ’ કનેક્શનના હોવાનું કહેવાય છે. જો જોડાણો જ ન હોય તો ઘરોમાં નળમાંથી પાણી આવે જ કેવી રીતે? એવો સવાલ પ્રબુદ્ધવર્ગ ઉઠાવી રહ્યો છે.હવે પ્રબુદ્ધવર્ગ માંગી કરી રહ્યો છે કે, નલ સે જળ યોજનાના બદલે માત્ર કાગળ પર જ કામો આટોપી અને નળ સે છળ જેવા થયેલા કામોના પણ જે -તે એજન્સીને એનઓસી આપી દેતા આખી યોજના પર પાણી ફરી વળ્યું છેતે વધુ એક વખત ફલિત થતુ જોવાઈ રહ્યુ છે અને તેના પરિણામે શહેરવાસીઓને ઉનાળામાં તો ઠીક, શિયાળામાં પણ પાણી માટે તલસાટની સ્થિતિનો સામનો કરવો પડે છે. સરકારની મન્સા ઘરેઘર પાણી પહોંચાડવાની હતી, પરંતુ ભ્રષ્ટાચારના કારણે સામાન્ય નાગરિકો હજી પણ મૂળભૂત સુવિધાથી વંચિત રહે છે. પ્રબુદ્ધવર્ગ કહી રહ્યો છે કે, શહેરમાં હાલ વિવિધ સ્થળોએ બુલડોઝરથી નાળાના કામો ચાલી રહ્યા છે, ત્યારે અનેક જગ્યાએ ખુલ્લા પડેલા આ
પાઈપો આ કથિત ગોટાળાની પોલ ખુલી થવા પામી રહી હોવાનો વર્તારો જોવાઈ રહ્યો છે. પ્રબુદ્ધવર્ગ વર્તમાન સમયે કમિશ્નરશ્રી ગુરવાણી સમક્ષ માંગ કરી રહ્યા છે કે, જે તે વખતે નગરપાલીકા હતી ત્યારે કરોડોના બિલો પર એનઓસી આપનાર કોણ હતા? કોણે આ કામોની ચકાસણીઓ કરી હતી? જે તે વખતે થર્ડ પાર્ટી ઈન્સપેકશન કરવામા આવ્યા હતા કે નહી? કયા આધારે આવા અડધાઅધુરા થયેલા કામોને કલીનચીટ આપી દેવામા આવી છે? એનઓસી બાદ બીલો મંજુર કરનારાઓ તે વખતે કોણ હતા? આ તમામની ભ્રષ્ટ મીલીભગત કહો કે મેળાપીપળા કે પછી આપસી ભાગબટાઈનો ખેલ કહો, ગાંધીધામ શહેરમાં અમલમાં મુકાયેલી અંદાજિત રૂ. ૨૦૦ કરોડની “નલ સે જળ” યોજના હવે પ્રશ્નચિહ્નો હેઠળ આવી ગઈ છે. સરકારે ઘરેઘર શુદ્ધ પાણી પહોંચાડવાનો સંકલ્પ લીધો હતો, પરંતુ જમીન પરની હકીકત કંઈક જુદી જ તસવીર રજૂ કરે છે. અનેક વિસ્તારોમાં પાઈપલાઈન નાખવામાં આવી હોવાના દાવા થયા, બિલો પાસ થયા, એનઓસી
આપવામાં આવી - છતાં આજે પણ નાગરિકો પાણી માટે તરસે છે.પ્રશ્ન એ છે કે યોજના કાગળ પર બની કે હકીકતમાં? જો નાળાના કામ દરમિયાન ખુલ્લા પડેલા પાઈપો જોડાણ વિના જ દેખાઈ રહ્યા હોય, તો ઘરોમાં પાણી કેવી રીતે પહોંચે? શું કાગળ પરના કામો માટે જ કરોડો રૂપિયા ખર્ચાયા? જો આવું છે તો આ માત્ર બેદરકારી નહીં, પરંતુ નાગરિકોના હકો સાથેનો અન્યાય છે. સરકારની સારી મનતા, ગાંધીધામના માળખાગત વિકાસ માટે ર૦૦ કરોડની માતબર રકમની ફાળવણી કરવી અને તેમ છતા પણ નગરપાલીકાના તે વખતના અમુક ગણ્યાગાઠયા તત્વોની ભ્રષ્ટ સિન્ડીકેટની ગુનાહિત લાપરવાહથી તેના પર જો પાણીઢોળ જ થઈ જતુ હોય તો હવે જવાબ માંગવાનો સમય આવી ગયો છે. વિકાસના દાવાઓ નહી હકીકતનો હિસાબ મેળવવાનો સમય આવી ચૂકયો છે. ગાંધીધામ સંકુલમાં નળ સે જળની યોજના હેઠળ કેટલુ ફંફ કયા ફાળવાયુ અને કેટલુ ખર્ચાયુ? કયા વિસ્તારોમાં પાઈપલાઈન અને ઘરઘર કનેક્શન પૂર્ણ થયાનું દર્શાવવામાં આવ્યું છે? તેની જાહેર યાદી કેમ નથી? કામ
પૂર્ણ થયા વિના એનઓસી કોના આધાર પર અને કઈ તારીખે આપવામાં આવી?. સ્થળ પર જોડાણો અધૂરા હોવા છતાં બિલો પાસ થયા — તેની જવાબદારી કોની બની રહી છેે? નાળાના કામ દરમિયાન ખુલ્લા પડેલા પાઈપો જો કનેક્શન વગર હોય, તો ઘરેઘર પાણી કેવી રીતે પહોંચે? ગુણવત્તા ચકાસણી (ક્વોલિટી ઓડિટ) અને થર્ડ-પાર્ટી ઇન્સ્પેક્શન થયું હતું? તેની રિપોર્ટ જાહેર કેમ નથી?સંબંધિત એજન્સી સામે કોઈ દંડાત્મક પગલા લેવામાં આવ્યા છે?

Comments