Trending News
સ્થાનિક સમાચાર

બિદડા સર્વોદય ટ્રસ્ટ ખાતે ફીટવાઈ કેમ્પમાં ૧ર૯ દર્દીઓની તપાસ કરાઈ

04 May



ભુજ - કચ્છઉદય : છેલ્લા ૩૪ વર્ષોથી બિદડા સર્વોદય ટ્રસ્ટ મધ્યે ફિટ વાઈ કેમ્પનું આયોજન કરવામાં આવે છે. ટ્રસ્ટના પ્રાંગણમાં શાંતિલાલભાઈ તેજશી હંસરાજ અને  ચંદ્રકાંતભાઈ વલ્લભજી ગોગરી, અલકેમી ગ્રુપ ફિટવાઈ વિભાગમાં કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. કેમ્પમાં મુંબઈના પ્રખ્યાત ન્યૂરોસર્જન ડો.જનક નાથન અને  વિજય એપિલેપ્સી કેર ફાઉન્ડેશનની ટીમ દ્વારા ૧૨૯ દર્દીઓની તપાસણી અને ૩૦ દર્દીઓની ઈઈએસ કરીને યોગ્ય માર્ગદર્શન તથા જરૂરી સલાહ આપવામાં આવી હતી.
ડોક્ટરના જણાવ્યા અનુસાર દર્દીઓને પોતાની દવા ભૂલ્યા વિના સમયસર લેવી જોઈએ, પૂરતી ઊંઘ લેવી જોઈએ અને ખાવા પીવામાં ધ્યાન રાખવી જોઈએ જેથી ફરી ફિટવાઈ રોગથી મુક્તિ મળી શકે. નાની ઉંમરમાં જ ફીટવાઈના બાળકોની સારવાર શરૂ થાય તો તેમને ફીટ આવવાનું બંધ થઈ શકે છે. જેથી મોટા થાય ત્યારે તેમના જીવનમાં બીમારી રૂકાવટ ન બને અને સામાન્ય રીતે જીવન જીવી શકાય. નિયમિત દવા, ઊંઘ અને ફોલોઅપ તપાસણી કરાવવાથી ઘણા દર્દીઓ ફિટ વાઈ રોગ થી મુક્ત થઈ રોજીંદુ સામાન્ય જીવન જીવી રહ્યાં છે.
ચેરમેન વિજયભાઈ છેડાએ જણાવ્યું હતું કે ફીટ વાઈના દર્દીઓની સેવાઓ માટે ટ્રસ્ટ મધ્યે  સમયાંતરે આવા આરોગ્યલક્ષી કેમ્પોનું આયોજન કરી સમાજસેવાનું ઉત્તમ કાર્ય કરવામાં આવી રહ્યું છે. આ રોગની વહેલી તકે સારવાર કરવામાં આવે તો ફીટ આવતી રોકી શકાય છે. ટ્રસ્ટી શાંતિભાઈ વીરાએ સમસ્ત દાતા પરિવારો, ડોક્ટરો,મેડિકલ સ્ટાફ, સ્વયંસેવકો અને સંસ્થાના કર્મચારીઓનો આભાર વ્યક્ત કર્યો હતો. કેમ્પમાં દરેક દર્દીઓ અને બરદાસીઓ માટે નિઃશુલ્ક જમવાની તથા રહેવાની વ્યવસ્થા કરવામાં આવી હતી.
------

Comments

COMMENT / REPLY FROM