Trending News
સ્થાનિક સમાચાર

જળસંચયના કામોના બહાને નિકળતી ખનીજ પર લગામ લગાવવા પારદર્શક હરાજી અનિવાર્ય 

04 May

તળાવો ઊંડા કરવાના મોનિટરિંગના અભાવે જળસંચય અભિયાન ખનીજ સાથે સંકળાયેલા માટે બન્યા આશીર્વાદરૂપ : કામગીરીમાં નીકળતા કીમતી ખનીજની જાહેર હરરાજીથી સરકારી તિજોરીને કરોડોની આવક સાથે ભ્રષ્ટાચાર પર આવશે અંકુશ : બુદ્ધિજીવીઓનો સૂર : કચ્છ કલેકટર આ બાબતે લાલ આંખ કરી હતી... ફરી આ ફાઈલો ખાણ ખનીજના ટેબલે રોયલ્ટી માટે પહોચી.... : સિંચાઈ વિભાગ અનેક યોજનાઓમાં ભ્રષ્ટાચારના કેન્દ્ર બીન્દુ

કચ્છમાં જળસંચયના ભગીરથ કાર્યોની આડમાં ખનીજ ચોરીનું મસમોટું કૌભાંડ : તળાવો ઊંડા ઉતારવાના નામે સરકારી તિજોરીને કરોડોનો ચૂનો : કુદરતી સંસાધનોના જતનના નામે ખનીજ માફિયાઓ બેફામ બન્યા : ખાણ-ખનીજ વિભાગની શંકાસ્પદ નીરવતા અને ઓડિટના અભાવે જળસંચય અભિયાન ભ્રષ્ટાચારનું એપી સેન્ટર બન્યું



ગાંધીધામ - કચ્છઉદય : કચ્છ જિલ્લામાં દર વર્ષે ચોમાસા પૂર્વે આયોજિત થતા જળસંચયના કામો હવે વિવાદના વમળમાં ફસાયા છે ત્યારે આ ક્ષેત્રના નિષ્ણાતો અને જાગૃત નાગરિકો દ્વારા એક મહત્વની માંગણી બળવત્તર બની રહી છે કે જળસંચયના કામો દરમિયાન જે કીમતી ખનીજ પ્રાપ્ત થાય છે તેનો નિકાલ માત્ર અને માત્ર જાહેર હરાજી દ્વારા જ કરવો જોઈએ. જો સરકાર પારદર્શક રીતે આ ખનીજનું ઓકશન કરે તો સરકારી તિજોરીમાં કરોડો રૂપિયાની આવક જમા થઈ શકે તેમ છે અને સાથે જ જળસંચયના નામે ચાલતી ખનીજ ચોરીની ગેરપ્રવૃત્તિને જડમૂળથી ઉખેડી શકાય તેમ છે. હાલની સ્થિતિએ જળસંચયના કામોની અનેક દરખાસ્તો મંજુર કરાઈ હતી અને અમુક કામો તો આરંભાઈ ગયા અને તેનામાંથી નિકળતી ખનીજની રોયલ્ટી મેળવવા ખાણ ખનીજ વિભાગમાં મંજૂરીની રાહ જોઈ રહી છે ત્યારે વહીવટી તંત્ર દ્વારા આ બાબતે કડક નીતિ નિર્ધારિત કરવામાં આવે તે સમયની માંગ છે. આ અગાઉ કચ્છ કલેકટર આ બાબતે લાલ આંખ કરી હતી અને આ રોયલ્ટી આપવા સામે શંકા જતાવી હતી. આ પદ્ધતિમાં જાહેર ઓકશન સહિત અન્ય વિકલ્પ માટે ચર્ચાઓ ચાલતી હતી. ત્યાં ફરી આ ખનન થયેલી ખનીજ માટે રોયલ્ટી મેળવવા ફાઈલો ખાણ ખનીજના ટેબલે પહોચી છે. 
આ અંગે પ્રાપ્ત વિગત મુજબ કચ્છની ભૌગોલિક પરિસ્થિતિ અને પાણીની અછત જગજાહેર છે ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ ચોમાસા પૂર્વે જળસંચયના કામોએ વેગ પકડ્યો છે. વાસ્તવમાં કચ્છમાં વરસાદના એક-એક ટીપાનું મૂલ્ય અમૂલ્ય છે અને છેલ્લા અઢી દાયકાથી અહીં જળસંચય માટે સક્રિય પ્રયાસો થઈ રહ્યા છે. પરંતુ દુઃખની વાત એ છે કે જળ અને પર્યાવરણની રક્ષા માટે સરકારે જે યોજનાઓ અમલમાં મૂકી છે તે હવે કચ્છ જિલ્લામાં ભ્રષ્ટાચાર અને ગેરકાયદે ખનીજ ખનનનું સુરક્ષિત ઠેકાણું બની ગઈ છે. તળાવો ઊંડા કરવાના પવિત્ર કાર્યની આડમાં ખનીજ માફિયાઓ અને અમલીકરણ એજન્સીઓની મિલીભગતથી ધરતીના પેટાળમાંથી કીમતી ખનીજની ખનન થઈ રહી હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી રહી છે. આ ખનન થયેલી ખનીજને જાહેર ઓકશન કે જાહેર હરરાજી કરી સરકારને મોટી આવક થઈ શકેતેમ છે. 
જળસંચયની કામગીરીમાં જ્યારે તળાવ ઊંડા કરવામાં આવે છે ત્યારે પૃથ્વીના પેટાળમાંથી અનેક પ્રકારના કીમતી ખનિજો મળી આવે છે. નિયમ મુજબ આ ખનીજ પર સરકારનો અધિકાર હોય છે પરંતુ અત્યારે સ્થિતિ એ છે કે જે એજન્સીને જળસંચયનું કામ સોંપાયું હોય છે તે જ એજન્સી ખાણ ખનીજ પાસેથી રોયલ્ટી મેળવીને આ કીમતી ખનીજનું ખાનગી રાહે વહીવટ કરી નાખે છે. આ પ્રક્રિયામાં જાહેર ઓકશન કે જાહેર હરરાજી કરવામાં નથી આવતી જેના કારણે સરકારની તિજોરીમાં આવકનો સદંતર છેદ ઉડી જાય છે. એટલું જ નહીં ખનીજ માફિયાઓ આ તકનો ભરપૂર લાભ ઉઠાવી રહ્યા છે. અન્ય કોઈ ગેરકાયદે સ્થળેથી ખોદકામ કરેલી માટી કે ખનીજને જળસંચયના કામની સાઈટ પરથી નીકળેલું હોવાનું દર્શાવી તેનું ગેરકાયદે પરિવહન કરવામાં આવે છે. તો બીજી તરફ જે તે સ્થળના બદલે અન્ય જગ્યાએ ખનન કરવામાં આવે છે. આમ જળસંચયનું લેબલ લગાવીને ખનીજની હેરાફેરી કરવાનો એક નવો જ માર્ગ મોકળો થયો છે.કચ્છની ધરતીમાં પાણીના કુદરતી સ્ત્રોતોની સીમિતતાને જોતા છેલ્લા અઢી દાયકાથી વરસાદી પાણીના સંગ્રહ માટે ભગીરથ પ્રયાસો થઈ રહ્યા છે પરંતુ રાજ્ય સરકારની આ ઉમદા યોજના હવે ભ્રષ્ટાચારનું એપી સેન્ટર બની ગઈ છે. ખાસ કરીને તળાવો ઊંડા ઉતારવાની કામગીરીમાં જ્યારે જે-તે એજન્સી દ્વારા ખોદકામ કરવામાં આવે છે ત્યારે પૃથ્વીના પેટાળમાંથી કીમતી ખનીજ મળી આવે છે. હાલમાં જે તે અમલીકરણ એજન્સીઓ આ ખનીજનું બારોબાર વહીવટ કરી નાખે છે જેમાં રોયલ્ટી સહિત અન્ય આવકની ચોરી તો થાય જ છે પણ સાથે ખનીજ માફિયાઓને મોકળું મેદાન મળી જાય છે. આ માફિયાઓ અન્ય સ્થળોએથી ચોરી કરેલા ખનીજને પણ જળસંચયના સ્થળનું ખનીજ ગણાવી તેનું ગેરકાયદે પરિવહન કરતા હોવાના કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે. જો જાહેર હરાજીની પદ્ધતિ અમલમાં આવે તો ખનીજની દરેક ટ્રક અને તેના જથ્થાનો હિસાબ સરકારી દફતરે નોંધાય જે ભ્રષ્ટાચારના દ્વાર બંધ કરી શકે.
વધુમાં જાણકારોનું કહેવું છે કે માત્ર હરાજી જ નહીં પરંતુ આ કામોનું સઘન ટેકનિકલ મોનિટરિંગ પણ અત્યંત જરૂરી છે. જો સંબંધીત વિભાગ દ્વારા થયેલ ખોદકામની ચોકસાઈપૂર્વક માપણી કરવામાં આવે અને નીકળેલા ખનીજના જથ્થાનું વૈજ્ઞાનિક વિશ્લેષણ કરવામાં આવે તો જ જળસંચયના નામે થતી લૂંટ અટકાવી શકાય. અત્યારે સ્થિતિ એવી છે કે ખનીજ ચોરી અંગેની ફરિયાદો માત્ર કાગળ પર દબાઈ જાય છે અને કોઈ નક્કર તપાસ થતી નથી. જો સરકાર તળાવો ઊંડા કરવાના આ પવિત્ર કાર્યને ખરેખર સફળ બનાવવા માંગતી હોય તો ખનીજ નિકાલની પ્રક્રિયામાં આમૂલ પરિવર્તન લાવી જાહેર હરાજીને પ્રાધાન્ય આપવું જ પડશે. આમ કરવાથી એક તરફ કચ્છના જળસ્ત્રોત ઊંડા થશે અને બીજી તરફ ખનીજ માફિયાઓના પંજામાંથી સરકારી સંપત્તિ સુરક્ષિત થશે. વહેલી તકે આ દૂષણને ડામવામાં નહીં આવે તો જળસંચયના કામો માત્ર કાગળ પર રહી જશે અને ખનીજ માફિયાઓ કચ્છની અમૂલ્ય સંપત્તિ લૂંટીને માલામાલ થતા રહેશે.

Comments

COMMENT / REPLY FROM