મેઘપર કુંભારડીમાં ર.૮ર લાખના ગાંજા સાથે યુવક પકડાયો
રાજસ્થાનના શખ્સની સંડોવણી ખુલી
અંજાર - કચ્છઉદય : પૂર્વ કચ્છ જિલ્લામાં ગેરકાયદે માદક પદાર્થની હેરફેર અટકાવવા માટે ખાસ ઝુંબેશ રાખવામાં આવી છે. જેમાં ગાંજાના જથ્થા સાથે યુવકને ઝડપી લેવામાં આવ્યો હતો.
અંજાર તાલુકાના મેઘપર કુંભારડી ગામે ભક્તિનગર વિસ્તારમાં રહેતા મૂળ રાપરના વિમલ જેન્તીભા વડગામા (ગઢવી)ના કબ્જાના મકાનમાં ગાંજો રાખવામાં આવ્યો હતો. અહીં પ.૬પ૪ કિલો ગાંજો મળી આવ્યો હતો, જેની કિંમત ર,૮ર,૭૦૦ આંકવામાં આવી છે. આ સાથે મોબાઈલ, વજનકાંટો સહિતનો મુદામાલ કબ્જે કરવામાં આવ્યો હતો. આરોપી ગાંજો રાખીને છુટકમાં વેચાણ કરતો હતો. આ માલ તેણે રાજસ્થાનના આબુ રોડના પ્રવીણ ઠાકોર કોલી પાસેથી લીધો હોવાની કબૂલાત આપવામાં આવી હતી. બંને સામે અંજાર પોલીસમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. કેટલા સમયથી આ પ્રવૃતિ કરતા હતા, તે જાણવા માટે એસઓજીએ આગળની તપાસ હાથ ધરી છે. એસઓજી પીઆઈ એ.આર. ગોહિલના માર્ગદર્શનમાં આ કામગીરી કરવામાં આવી હતી. થોડા સમય પહેલા પોલીસ દ્વારા લોકોને અનુરોધ કરી હેલ્પલાઈન નંબર પણ જાહેર કરવામાં આવ્યા હતા.
.........................
આડેસર ચેક પોસ્ટ પાસે પોષડોડા સાથે ડ્રાઈવર પકડાયો
રાપર તાલુકાની આડેસર ચેક પોસ્ટ પર સ્થાનિક પોલીસ વાહન ચેકિંગમાં હતી, ત્યારે પોષડોડા સાથે ડ્રાઈવરને ઝડપી લેવામાં આવ્યો હતો. ડ્રાઈવર પંજાબના દિપક દર્શનલાલ સુનાર પાસેથી ૪૦૦.૧૭૦ ગ્રામ પોષડોડાની ભૂકી મળી આવી હતી. ૬ હજારનો માદક પદાર્થ કબ્જે કરવામાં આવ્યો હતો. આ સાથે ટ્રક સહિતનો મુદામાલ કબ્જે કરી આડેસર પોલીસે એનડીપીએસનો ગુનો દાખલ કર્યો છે.

Comments