ગાંધીધામ કોર્ટનો કંડલા પોર્ટે- એસઆરસીને બંધન કરતો ઐતિહાસિક ઘાક બેસાડતો ચુકાદો
લીઝ ડીડ માત્ર પત્રથી રદ કરી શકાતી નથી - એકતરફી રદબાતલ અમાન્ય ગણાવી અદાલતે મહત્વનો હુકમ આપ્યો : લીઝડીડનો દસ્તાવેજ ખાતાના અધિકારી માત્ર પત્રથી રદ કરી શકતા નથી
ગાંધીધામના નામદાર સિવિલ જજ સાહેબની કોર્ટનો સંકુલના કેટલાય લોકોને માટે રાહતરૂપ બની શકે આદેશ : ગાંધીધામના પ્રખ્યાત ધારાશાસ્ત્રી વી. ટી. ભાગચંદાણીની ખંતભરી મહેનત અને કાબેલિયત સાથેની રજુઆત - રંગ લાવી
નોધનીય છે કે, સંકુલમાં લીઝ ડીડ રદ થયાનો મુદો પાછલા એકાદ-દોઢ વર્ષથી સંકુલમાં છે ભારે ચર્ચાસ્પદ : ૬૦થી વધુ કેન્સલ લીઝડીડ ધારકો માટે આ ચુકાદો આશાના નવા કીરણ રૂપ બની રહેશે
ગાંધીધામ : ગાંધીધામ શહેર માટે મહત્વપૂર્ણ ગણાતો એક ઐતિહાસિક ચુકાદો જાહેર થયો છે. વર્ષ ૧૯૯૮માં દાખલ થયેલા દાવા મામલે ગાંધીધામની અદાલતે લીઝ સંબંધિત મહત્વનો કાનૂની મુદ્દો સ્પષ્ટ કર્યો છે.મામલાની હકીકત મુજબ ગાંધીધામના અપનાનગર વિસ્તારમાં પ્લોટ નં. ૯-એ, એનયુ-૩, ગોપાલપુરી સામે આવેલી જમીન પર નીચે દુકાનો અને ઉપર રહેણાંક ફ્લેટ સાથેનું બાંધકામ કરવામાં આવ્યું હતું. અગાઉના KANDLA PORT TRUST ના અધિકારીઓ દ્વારા આ બાંધકામ પરવાનગી વગર કોમર્શિયલ હેતુથી કરાયું હોવાના આક્ષેપ સાથે સંબંધિત લીઝ ડીડ રદ કરતો પત્ર પાઠવવામાં આવ્યો હતો.આ એકતરફી રદબાતલને લીઝધારકે ગાંધીધામ કોર્ટમાં પડકાર્યો હતો. સાથે જ જમીન વેચાણ આપ્યા બાદ નામ ફેરફાર (મ્યુટેશન) કરવાની માંગણી પણ કરવામાં આવી હતી. બંને પક્ષોની સાક્ષીઓ, દસ્તાવેજી પુરાવાઓ અને દલીલો બાદ ગાંધીધામના અધિક સિવિલ જજ શ્રી અભિષેક સાહુ સાહેબે સર્વોચ્ચ અદાલતના નિર્દેશોને ધ્યાનમાં રાખી સ્પષ્ટ હુકમ આપ્યો કે માત્ર પત્ર દ્વારા એકતરફી રીતે લીઝ રદ કરવી કાયદેસર માન્ય નથી. લીઝનું રદીકરણ દ્વીપક્ષીય પ્રક્રિયા અને કોર્ટના આદેશ વગર શક્ય નથી. બિલ્ડિંગના બાંધકામ અને કબ્જા સંબંધિત કાર્યવાહી માટે યોગ્ય કાનૂની પ્રક્રિયા ખુલ્લી રાખવામાં આવી છે. મળતી માહિતી મુજબ ગાંધીધામ-આદિપુર વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી લીઝ અને તેના રદદીકરણ અંગે તર્ક-વિતર્ક ચાલી રહ્યા હતા. ખાસ કરીને SINDHU RESETTLEMENT CORPORATION તથા દીન દયાલ પોર્ટ અથોરિટી સંબંધિત કેટલીક લીઝ બાબતે વિવાદો સામે આવતા હતા. કાયદા નિષ્ણાતોના જણાવ્યા અનુસાર આ ચુકાદાથી સામાન્ય પ્રજાને મોટી રાહત મળી છે, કારણ કે હવે માત્ર એકતરફી પત્રથી લીઝ રદ થઈ શકે નહીં અને કોર્ટના હુકમ વિના રદદીકરણ માન્ય ગણાશે નહીં.આ મહત્વપૂર્ણ દાવાની કાર્યવાહી ગાંધીધામના પ્રખ્યાત વરિષ્ઠ ધારાશાસ્ત્રી શ્રી વી.ટી. ભાગચંદાણી દ્વારા ખંત, મહેનત અને કાનૂની કુશળતાથી ચલાવવામાં આવી હતી.આ ચુકાદો ગાંધીધામ-આદિપુર વિસ્તારમાં લીઝ સંબંધિત મામલાઓ માટે એક માઈલસ્ટોન સાબિત થવાનો અનુમાન વ્યક્ત કરવામાં આવી રહ્યું છે.

Comments