Trending News
સ્થાનિક સમાચાર

વિશ્વ મંચ પર ગુજરાતી ઓળખ મજબુત કરતું ગુજરાતી મિજાજ

01 May




ગુજરાત સ્થાપના દિવસે વૈશ્વિક વિઝન અને જર્નલનું અનાવરણ 


ભુજ-કચ્છઉદય : ગુજરાત રાજ્યના સ્થાપના દિવસના ગૌરવશાળી અવસરે, જાણીતા ફિઝિશિયન, સાહિત્ય અકાદમી એવોર્ડ વિજેતા લેખક અને રેકોર્ડિંગ એકેડેમી (ગ્રેમી)ના પ્રથમ ગુજરાતી વોટિંગ મેમ્બર ડૉ. કૃપેશ ઠક્કર દ્વારા એક ઐતિહાસિક શૈક્ષણિક અને સાંસ્કૃતિક પહેલની જાહેરાત કરવામાં આવી છે.૧લી મે ના રોજ ડૉ. કૃપેશ ઠક્કરે કચ્છ યુનિવર્સિટીના કુલપતિની ઉપસ્થિતિમાં તેમના સંશોધનાત્મક જર્નલ ‘ગુજરાતી મિજાજ- મલ્ટિડિસિપ્લિનરી મલ્ટિલિંગ્યુઅલ પીઅર-રિવ્યુડ જર્નલ’ ના ટાઈટલ અને પોસ્ટરનું સત્તાવાર વિમોચન કર્યું છે.
‘ગુજરાતી મિજાજ’ જર્નલના માર્ગદર્શક તરીકે કચ્છ યુનિવર્સિટીના કુલપતિ ડો. મોહન પટેલ અને ગીવ વાચા ફાઉન્ડેશનના ટ્રસ્ટી ડો. શશિકાંત ઠક્કર ‘ચીફ પેટ્રન’ તરીકે સેવા આપશે. આ સમગ્ર પ્રોજેક્ટના સ્થાપક અને એડિટર-ઇન-ચીફ તરીકે ડૉ. કૃપેશ ઠક્કર (એમબીબીએસ, એમ.એચએ) જવાબદારી સંભાળશે. જ્યારે ડૉ. પૂજા ઠક્કર (બીએએમએસ) મેનેજિંગ એડિટર તરીકે કાર્યરત રહેશે.
આ પ્રસંગે ડો. કૃપેશ ઠક્કરે જાહેરાત કરી છે કે આ જર્નલ ‘ઓપન એક્સેસ’ મોડેલ પર કાર્ય કરશે, જે પીએચ.ડી.ના વિદ્યાર્થીઓ માટે થીસીસ સબમિશનમાં, કોલેજ પ્રોફેસરો અને મેડિકલ ફ્રેટર્નિટીના નિષ્ણાતો માટે સંશોધન પત્રોના વ્યાપક પ્રસારમાં અત્યંત મદદરૂપ થશે.‘ગુજરાત ટુ ગ્લોબલ’ ના વિઝન અને ‘હિલિંગ વિથ હેરિટેજ’ ના મૂળ મંત્ર હેઠળ શરૂ થયેલું આ જર્નલ પ્રાદેશિક સંસ્કૃતિ, સાહિત્ય, સ્વાસ્થય, સંગીત ઉપચાર પદ્ધતિ અને બહુ-વિષયક સંશોધન પર ધ્યાન કેન્દ્રિત કરશે. 
ડૉ. કૃપેશ ઠક્કર, જેઓ વર્ષ ૨૦૧૩માં અમેરિકાની ઉજ્જવળ રિસર્ચ કરિયર છોડીને માતૃભૂમિની સેવા કરવા ભારત પરત ફર્યા હતા, તેઓ ‘રિવર્સ બ્રેઈન ડ્રેઈન’ નું એક ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડે છે. તેઓએ ગત ૧૨ વર્ષોમાં સંગીત ચિકિત્સા, આધ્યાત્મિકતા અને સાહિત્ય ક્ષેત્રે પાયાનું કાર્ય કર્યું છે. તેમના આ કાર્યોની અગાઉ ગુજરાતના માનનીય મુખ્યમંત્રી તેમજ આરોગ્ય મંત્રી દ્વારા પણ સરાહના કરવામાં આવી છે.
આ પ્રસંગે ડો. કૃપેશ ઠક્કરે જણાવ્યું હતું કે, ‘ગુજરાતી મિજાજ જર્નલ થકી માતૃભૂમિ અને માતૃભાષાની સેવા કરવાનો વધુ એક અવસાર મળ્યો છે એનો ખૂબ આનંદ છે. ૧૨ વર્ષના પાયાના કામ પછી હવે સમય પાકી ગયો છે કે આપણે સનાતનના પ્રાચીન જ્ઞાન, ભારતીય સંગીત અને સંશોધનને વિજ્ઞાન સાથે જોડીવ્યાપ વધારીએ. આ જર્નલ બહુ-વિષયક અને બહુ-ભાષીય હોવાથી આપણી ધરોહરને આંતરરાષ્ટ્રીય મંચ પર લઈ જવાનું સબળ માધ્યમ બનશે. તો ડો. પૂજાએ ઉમેર્યું કે આયુર્વેદ અને સંગીત ચીકીત્સાના આપણાં પ્રાચીન શાસ્ત્રને વૈજ્ઞાનિક સંશોધનના મધ્યમથી વૈશ્વિક સ્તરે લઈ જવા અમે આતુર છીએ. અને આ જર્નલ ખરેખર ‘આપણો મિજાજ, ગુજરાતી મિજાજ’ ના ભાવને સાર્થક કરશે. તો કુલપતિ ડો. મોહન પટેલે ઉમેર્યું કે કચ્છના શિક્ષણ જગત માટે આ જર્નલ વૈશ્વિક ફલક સુધી પહોંચવાના દ્વાર ખોલશે. 
--------

Comments

COMMENT / REPLY FROM