કચ્છ જિલ્લામાં પ્રિ એનરોલમેન્ટ સર્વે કાર્યકેમનો ધમધમાટ
ઓફલાઈન પ્રવેશ થી ઓનલાઇન પ્રવેશ તરફ ગતિ કરતું શિક્ષણ તંત્ર
ભુજ - કચ્છઉદય : રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા ‘પ્રિ એનરોલમેન્ટ પ્રોગ્રામ’ અંતર્ગત કચ્છ જિલ્લામાં બાલવાટિકામાંથી ધોરણ ૧, ધોરણ ૫માંથી ધોરણ ૬, ધોરણ ૮માંથી ધોરણ ૯ અને ધોરણ ૧૦માંથી ધોરણ ૧૧માં પ્રવેશપાત્ર તમામ કુમાર અને કન્યાઓ પ્રવેશ મેળવે તે દિશામાં નક્કર પ્રયાસો શરુ થઇ ગયા છે. ગત વર્ષ સુધીની ‘ઓફલાઈન’ પ્રવેશ પ્રક્રિયા આ વખતે તંત્ર દ્વારા ‘ઓનલાઈન’ થઇ રહી છે. ‘ચાઈલ્ડ ટ્રેકિંગ સિસ્ટમ’માંથી પ્રાથમિક શાળાના આચાર્ય વાલીની સંમતિ મેળવી નજીકની માધ્યમિક શાળામાં બાળકને મોકલી શકશે અને માધ્યમિક શાળાના આચાર્ય શાળાના લોગીન પરથી જે-તે બાળકને ‘રીસીવ’ કરી શકશે.
કચ્છ જિલ્લામાં અનુક્રમે તા. ૨૮/૦૪ અંજાર, ગાંધીધામ, મુન્દ્રા અને ભચાઉ તાલુકાની બેઠક તેમજ સેન્ટ ઝેવિયર્સ હાઈસ્કૂલ, આદિપુર ખાતે અને ૨૯/૦૪ના ભુજ, નખત્રાણા, લખપત, અબડાસા, માંડવી, રાપર તાલુકાના શિક્ષણ નિરીક્ષક, મદદનીશ શિક્ષણ નિરીક્ષક, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી, માધ્યમિક શાળાના આચાર્યો, બી.આર.સી. કો-ઓર્ડીનેટર, સી.આર.સી. કો-ઓર્ડીનેટર, બી.આર.પી. કો-ઓર્ડીનેટરની બેઠક કન્યા શિક્ષણધામ સૂરજપર ખાતે યોજાઈ હતી, જેમાં ડ્રોપ આઉટ રેશિયો ઘટાડવા તેમજ તમામ બાળકોનો આગલા ધોરણમાં પ્રવેશ થાય તે સુનિશ્ચિત કરવા જણાવતાં જિલ્લા શિક્ષણાધિકારી સંજય પરમારે સરકારી અને અનુદાનિત શાળાના આચાર્યોને શક્ય તમામ માધ્યમો દ્વારા પ્રચાર પ્રસાર કરવા સૂચન કર્યું હતું અને સરકારશ્રી દ્વારા વિદ્યાર્થીઓને મળતી સહાય અંગેની યોજનાઓથી વાલી તેમજ વિદ્યાર્થીઓને વાકેફ કરવા ખાસ આગ્રહ કર્યો હતો.
ધોરણ ૯માં શાળામાં સીધો પ્રવેશ મેળવવા ન ઇચ્છતા વિદ્યાર્થીઓ ‘ગુજરાત સ્ટેટ ઓપન સ્કૂલ’માં પણ પ્રવેશ મેળવી શકશે અને વર્ષાન્તે સીધી પરીક્ષા આપી શકશે, તેમજ આઈ.ટી.આઈ.માં પણ પ્રવેશ મેળવી કારકિર્દી બનાવી શકશે. જિલ્લા શિક્ષણાધિકારી સંજય પરમારે માંડવી વિસ્તારની ૦૯ શાળાઓ તેમજ આજરોજ ભુજ, અંજાર અને મુન્દ્રા તાલુકાની ૧૩ જેટલી પ્રાથમિક અને માધ્યમિક શાળાઓની મુલાકાત લઇ આચાર્યો તેમજ શિક્ષકોને નજીકની શાળાઓમાં જઈ વિદ્યાર્થી પ્રવેશ સુનિશ્ચિત કરવા જણાવ્યું હતું. આદિપુર ખાતેની બેઠકમાં વર્ગ ૨ આચાર્ય શ્રી મુરજીભાઈ મીંઢાણી એ સૌને આવકાર્યા હતા, મદદનીશ શિક્ષણ નિરીક્ષક પરેશભાઈ અજાણી એ પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશન દ્વારા ઓફલાઇન અને ઑનલાઇન કામગીરીની સમજ આપી હતી, સંચાલન કમલેશભાઈ પટેલ દ્વારા અને આભાર વિધિ નિખિલભાઈ દ્વારા કરવામાં આવી હતી તો ભુજ ખાતે ની બેઠકમાં શિક્ષણ નિરીક્ષક મહેશદાન ગઢવીએ શાળા સંચાલન માટેના અગત્યના મુદ્દાઓની ચર્ચા કરી હતી. બ્લોક એમ.આઈ.એસ. પ્રતિકભાઇ પટેલે પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશનનાં માધ્યમથી ઉપસ્થિત સૌને કામગીરીથી માહિતગાર કર્યા હતા. શિક્ષણ નિરીક્ષક શ્રીમતી કંચનબેન કુકસાલ, હેતલબેન ભૂડિયા અને ટીમ દ્વારા સુચારૂ વ્યવસ્થા કરવામાં આવી હતી. સંચાલન અમીતભાઈ ધોળકિયાએ કર્યું હતું.
-------

Comments