સસ્તામાં સોનું આપવાનું કહી આંધ્રપ્રદેશના વેપારી સાથે ૪ લાખની ઠગાઈ
ભુજના ત્રણ ઈસમોએ વેપારીને બોલાવી રૂપિયા પડાવી લીધા
ભુજ - કચ્છ ઉદય : સસ્તામાં સોનું આપવાનું કહીં ઠગાઈ કરતી ગેંગ ભુજમાં સક્રિય છે. અવાર-નવાર આ ગેંગના સાગરીતો સામે ગુના દાખલ થાય, ધરપકડ થાય અને ફરી આ ગેંગ આવા ગુનાઓને અંજામ આપે છે. અવાર-નવાર આવી ઘટનાઓ સામે આવતી હોવા છતા ચીટરો સામે ગુજસીટોક, પાસા સહિતની કાર્યવાહી થતી નથી. તેમના ગેરકાયદે દબાણો પર બુલડોઝર ફરતું નથી. માત્ર ગુના દાખલ થાય, ધરપકડ થાય અને ભોગ બનનારને અમુક રકમ પરત મળે તે ચક્ર લાંબા સમયથી ચાલી રહ્યું છે. આંધ્રપ્રદેશના વેપારી બાલા અસુતકુમાર વેૈંકટરમણ કાકીના જણાવ્યા મુજબ આરોપીઓએ ફેસબૂકમાં ખોટી આઈડી બનાવીને ફરિયાદીને વોટ્સઅપ કોલ કરી સસ્તામાં સોનું આપતા હોવાની હકીકત જણાવી હતી. આરોપી પ્રેમભાઈએ ફરિયાદીને ભુજ બોલાવી કાવત્રાના ભાગરૂપે ખોટા નામ ધારણ કરી આરોપી સુનિલભાઈના ઘરે લઈ ગયા હતા. જ્યાં મોટા સાહેબ સાથે ઓળખાણ કરાવી હતી. તેનું સાચુ નામ સિકંદર જુસબ સોઢા હોવાનું સામે આવ્યું હતું. આરોપીઓએ સોનાના બિસ્કિટ બતાવી બજાર કરતા ઓછા ભાવે આપવાનું કહીં રોકડા ૧.૪૦ લાખ અને ગુગલપેથી ર.૬૦ લાખ મળી કુલ ૪ લાખ રૂપિયા પડાવી લીધા હતા. ફરિયાદીને રૂપિયા કે સોનું પરત ન મળતા ભુજ બી-ડિવિઝન પોલીસમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

Comments