Trending News
સ્થાનિક સમાચાર

આધોઈ સોપારી કાંડ : સસ્પેન્ડેડ અધિકારીના ફરજ પર પરત ફરવાના મનસૂબા  પર પાણી ફરી વળ્યું : ઇન્ચાર્જ અધિકારી પાટીલે બરાબરના તતડાવ્યા..!

01 May

પરત કેમ આવ્યા? વડોદરા  ભેગા થઈ જાવ, હવે ઝોન ભુલી જાવ!

આ વખતે ભ્રષ્ટાચારીઓને “શેરની માથે સવાશેર”મળી  જતાં, સિન્ડીકેટ માં ફફડાટ ‘હવે કોનો વારો’?


બચાવમાં કેટમાથી ઓર્ડર લાવ્યા, પણ સામે ઝોન પ્રશાસન પાસે પણ તેથીય મજબુત પુરાવા હોવાથી લાગી બરાબરની ફટકાર : કસ્ટમ  તથા વિજિલન્સની બનેલી ટીમ પાસે આ બની બેઠલા અધિકારીની સામે પુરાવાઓનું પોટલું હોવાની છે ચર્ચા : આ અધિકારીને ઝોનમાં ફરીથી નોકરી જોઈન્ટ કરવા દેવામાં ન આવતા અન્ય ભ્રષ્ટ તત્વોની ટોળકીમાં પણ વ્યાપી ગયો ફફડાટ



ગાંધીધામઃ કચ્છના ચર્ચિત આધોઈ સોપારી પ્રકરણમાં સસ્પેન્શનનો સામનો કરી રહેલા એક બની બેઠેલ  અધિકારીએ સામ-દામ-દંડ-ભેદની નીતિ અપનાવીને ફરી ‘ઝોન’માં એન્ટ્રી લેવાના કરેલા પ્રયાસોનો શરમજનક ફિયાસ્કો થયો છે. કંડલા સ્પેશિયલ ઇકોનોમિક ઝોન ના ઇન્ચાર્જ અધિકારી શ્રી પાટીલે આ શખ્સને કડક શબ્દોમાં ફટકાર લગાવી વડોદરા ઝોન ભેગા થઈ જવા આદેશ કરતા ભ્રષ્ટ તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે.
આધોઈ સોપારી કાંડ વખતે ઝોનમાંથી બહાર નીકળતી ડ્યુટી પર તૈનાત આ અધિકારીને ગંભીર બેદરકારી અને ભ્રષ્ટાચારના આરોપસર સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો. જોકે, આ શખ્સ પોતાની વગ વાપરી અને કાયદાકીય છટકબારીઓ શોધી ફરજ પર પરત ગોઠવવા માટેના ઓર્ડર લઈ આવ્યો હતો. પોતે ‘દૂધે ધોયેલા’ હોવાનો ડોળ કરીને જ્યારે તે ફરી ડ્યુટી જોઈન કરવા પહોંચ્યો, ત્યારે પ્રશાસને તેને અરીસો બતાવ્યો હતો. આ અધિકારીને ફરી એન્ટ્રી ન મળવા પાછળ કંડલા કસ્ટમ વિજિલન્સ અને કેસેઝ પ્રશાસન પાસે રહેલા સચોટ પુરાવાઓ જવાબદાર છે. જે તે સમયે ઝોનમાંથી નીકળેલા શંકાસ્પદ કન્ટેનર અને રજિસ્ટર થયેલા કન્ટેનરના આંકડાઓમાં રહેલા તફાવત (ડિફરન્સ)ની તમામ વિગતો પ્રશાસન પાસે ફાઈલ પર તૈયાર છે. આ પુરાવાઓને કારણે પ્રશાસને તેના જૂના નિર્ણયને વળગી રહીને આ શખ્સને રસ્તો બતાવી દીધો હોવાનુ ચર્ચાય છે.રાજકીય કે વહીવટી લોબિંગ કરીને પરત ફરેલા આ અધિકારીને જોઈને ઇન્ચાર્જ અધિકારી શ્રી પાટીલે સખત વલણ અપનાવ્યું હતું. સૂત્રોના જણાવ્યા અનુસાર, પાટીલે તેને સ્પષ્ટ શબ્દોમાં તતડાવતા કહ્યું કે,“કયા આધારે તું અહીં પરત આવ્યો છે? હવે તને અહીં કોઈ જ ડ્યુટી મળવાની નથી. તારી પાસે હવે એક જ વિકલ્પ છે કે તું પરત તારા વડોદરા ઝોનમાં પહોંચી જા.” પાટીલની આ સિંઘમ સ્ટાઈલની કાર્યવાહીથી માત્ર આ એક જ અધિકારી નહીં, પણ તેની પાછળ રહીને તેને છાવરતા મુખ્ય આકાઓ અને ભ્રષ્ટ અમલદારોની આખી ટોળકીમાં સોપો પડી ગયો છે. આ કિસ્સાએ સાબિત કર્યું છે કે ભલે ગમે તેટલા મજબૂત લોબિંગ કરવામાં આવે, પરંતુ કડક પ્રશાસન સામે ભ્રષ્ટાચારીઓનું કોઈ સ્થાન નથી.આમ, 
સોપારી કાંડના પડઘા હજી પણ શમ્યા નથી અને પ્રશાસન હવે એક પછી એક ‘ભેજાબાજો’નો સફાયો કરવાના મૂડમાં જણાઈ રહ્યું છે.

Comments

COMMENT / REPLY FROM