ભચાઉમાં લુખ્ખા તત્ત્વોની દાદાગીરી વધતા પોલીસ દ્વારા ફરી એકવાર કરાયું કોમ્બિંગ
ભચાઉ - કચ્છ ઉદય : ભચાઉ શહેરી વિસ્તારમાં લુખ્ખા તત્ત્વોની દાદાગીરી વધતા પોલીસ દ્વારા કોમ્બિંગ કરવામાં આવ્યું હતું. તાજેતરમાં વોંધ પાસે સરાજાહેર ફાયરીંગ કરીને હત્યા કરવામાં આવી, મતદાન બાદ શહેરમાં સરેઆમ મારામારીની ઘટના સામે આવી. એક બાદ એક બનતી ઘટનાઓથી કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જોખમાતા ધાક જમાવવા માટે પોલીસ દ્વારા કોમ્બિંગ કરવામાં આવ્યું હતું. જેમાં ડીવાયએસપી સાગર સાંબંડા, પીઆઈ ડી.ડી.ઝાલા, તેમજ પીએસઆઈ કે.બી.તરાર, એ.એન. ગોહિલ, પી.એન. ગમાર, સામખિયાળી પીએસઆઈ જી.ડી.ગઢવી, રાપર પીએસઆઈ એસ.વી.કાતરિયા તેમજ ભચાઉ, રાપર, સામખિયાળી, લાકડિયા, આડેસર, ગાગોદર પોલીસના પ૪ જેટલા કર્મચારીઓ જોડાયા હતા. શહેરના વિવિધ વિસ્તારોમાં સરપ્રાઈઝ ચેકિંગ કરવામાં આવ્યું હતું. જેમાં દારૂના સાત કેસ તેમજ ૧૭ વાહનો ડિટેઈન સાથે ૪૩ ચાલકોને દંડ ફટકારવામાં આવ્યો હતો. ૩રર વાહન ચકાસવામાં આવ્યા હતા. શંકાસ્પદ ઈસમો, અવાવરૂ જગ્યા, હોટલ, ધાબા, દંગામાં તપાસ કરવા સાથે હીસ્ટ્રીશીટર અને ગુનાહિત ઈતિહાસ ધરાવતા ઈસમોને ચેક કરવામાં
આવ્યા હતા.

Comments