Trending News
શિક્ષણ સમાચાર

આચારસંહિતા પૂર્ણ થતા પ્રતીક્ષા યાદીના ૬૦ ઉમેદવારોને અપાયા નિમણૂક પત્રો 

30 April




જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં વિદ્યાસહાયકોને મળી નિમણૂક : લાંબી રાહ જોયા બાદ શિક્ષકોમાં ખુશીનો માહોલ 

ભુજ - કચ્છ ઉદય : જિલ્લામાં ધોરણ ૬ થી ૮ ના વિદ્યાસહાયકોની ભરતી પ્રક્રિયા અંતર્ગત આજે મહત્વનો તબક્કો પૂર્ણ થયો હતો. ચૂંટણીની આચારસંહિતા પૂરી થતાની સાથે જિલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા વેઇટિંગ લિસ્ટમાં રહેલા ૬૦ જેટલા શિક્ષકોને નિમણૂક પત્રોનું વિતરણ કરવામાં આવ્યું છે. જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી પૃથ્વીરાજસિંહ ઝાલાએ વિગતો આપતા જણાવ્યું હતું કે, અગાઉ માર્ચ મહિનામાં ઓપન કેટેગરી અને ઈડબ્લ્યુએસ કેટેગરીના ૧૨૫ વિદ્યાસહાયકોને ઓર્ડર આપવામાં આવ્યા હતા. જોકે, અન્ય અનામત કેટેગરીના ઉમેદવારોના પ્રમાણપત્રોનું વેરિફિકેશન બાકી હતું અને ત્યારબાદ આચારસંહિતા અમલમાં આવતા પ્રક્રિયા અટકી પડી હતી. હવે પ્રક્રિયા ફરી શરૂ કરી એસઇબીસી કેટેગરીના ૪૮ અને એસસી કેટેગરીના ૧૨ મળી કુલ ૬૦ વિદ્યાસહાયકોને આજે શાળામાં ફરજ બજાવવા માટેના પત્રો એનાયત કરાયા છે. નિમણૂક પત્ર મેળવ્યા બાદ ઉમેદવારોએ પોતાની ખુશી વ્યક્ત કરી હતી. વઢવાણથી આવેલા મહિલા ઉમેદવારે જણાવ્યું કે, વેઇટિંગ લિસ્ટમાં નામ ખુલ્યા બાદ આજે ઓર્ડર મળતા જીવનમાં કંઈક મેળવ્યાનો સંતોષ થાય છે. જૂનાગઢથી આવેલા મહિલા ઉમેદવારની નિમણૂક અબડાસા તાલુકાની સાંધાણ પ્રાથમિક શાળામાં થઈ છે. દ્વારકા જિલ્લાના મહિલા ઉમેદવારને ભચાઉ તાલુકાની કંથકોટ પ્રાથમિક શાળામાં નિમણૂક મળી છે. આમ, લાંબા સમયની પ્રતીક્ષા બાદ નિમણૂક મળતા રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી આવેલા ઉમેદવારોએ હાશકારો અનુભવ્યો છે. 


............................


કચ્છમાં આરટીઇ માટે ૪,૪૮૩ ફોર્મ માન્ય રહ્યા


ભુજ - કચ્છ ઉદય : જિલ્લામાં રાઈટ ટુ એજ્યુકેશન અંતર્ગત ખાનગી શાળાઓમાં ૨૫% અનામત બેઠકો પર પ્રવેશ મેળવવાની પ્રક્રિયા હવે અંતિમ તબક્કામાં પહોંચી છે. જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા ફોર્મની ચકાસણી પૂર્ણ કરી દેવામાં આવી છે અને આગામી સમયમાં બાળકોને શાળાની ફાળવણી કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે.કચ્છ જિલ્લામાં આર.ટી.ઈ. અંતર્ગત કુલ ૬,૧૫૩ ફોર્મ ભરાયા હતા. જેની ઝીણવટભરી તપાસ બાદ ૪,૪૮૩ ફોર્મ સ્વીકારવામાં આવ્યા છે ૧,૫૫૨ ફોર્મ કેન્સલ થયા છે અને ૬૨ ફોર્મ રિજેક્ટ કરવામાં આવ્યા છે  હાલ માત્ર ૪૬ બાળકોના ફોર્મ એપ્રૂવ કરવાના બાકી છે, જે ટૂંક સમયમાં પૂર્ણ કરી લેવાશે તેમ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી પૃથ્વીરાજસિંહ ઝાલાએ જણાવ્યું હતું. કચ્છ જિલ્લામાં કુલ ૩૫૩ શાળાઓ આર.ટી.ઈ. હેઠળ નોંધાયેલી છે, જેમાં આ વર્ષે કુલ ૨,૫૩૯ બેઠકો ઉપલબ્ધ છે. આ બેઠકો પર પ્રવેશ આપવા માટે મે મહિનાના પ્રથમ સપ્તાહમાં જ પ્રથમ રાઉન્ડ જાહેર કરવામાં આવશે. પ્રથમ રાઉન્ડની જાહેરાત સાથે જ જે બાળકોને શાળાની ફાળવણી થશે, તેમના વાલીઓને એસ.એમ.એસ. દ્વારા જાણ કરવામાં આવશે. ત્યારબાદ નિયત સમયમર્યાદામાં વાલીઓએ સંબંધિત શાળામાં જઈને પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે. આ પ્રક્રિયાથી જિલ્લાના આર્થિક રીતે નબળા વર્ગના સેંકડો બાળકોને ખાનગી શાળાઓમાં વિનામૂલ્યે શિક્ષણ મેળવવાની તક પ્રાપ્ત થશે. 


........................

કચ્છમાં શાળાના વિદ્યાર્થીઓ માટે ૪ મેથી ૩૫ દિવસનું ઉનાળુ વેકેશન જાહેર

ભુજ - કચ્છ ઉદય : ગુજરાતના લાખો વિદ્યાર્થીઓ માટે રાહતના સમાચાર આવ્યા છે. કાળઝાળ ગરમીની શરૂઆત વચ્ચે શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યની તમામ પ્રાથમિક અને માધ્યમિક શાળાઓ માટે ઉનાળુ વેકેશનનું સત્તાવાર સમયપત્રક જાહેર કરી દેવામાં આવ્યું છે. આ વર્ષે વિદ્યાર્થીઓને ૩૫ દિવસની રજાઓ મળશે. પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરીના જણાવ્યા અનુસાર, શૈક્ષણિક કેલેન્ડર મુજબ વેકેશનનો સમયગાળો ૩૫ દિવસનો રહેશે ૪ મે થી ૭ જૂન સુધી વેકેશન છે. ૮ જૂન, ૨૦૨૬થી શાળાઓમાં નવું શૈક્ષણિક સત્ર રાબેતા મુજબ શરૂ થશે રાજ્યની સરકારી, ગ્રાન્ટેડ અને સ્વનિર્ભર (ખાનગી) એમ તમામ પ્રકારની પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં વેકેશનની તારીખો એકસમાન રહે તે માટે જિલ્લા શિક્ષણાધિકારીઓ અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીઓને સંકલનમાં રહીને કામગીરી કરવા સૂચના અપાઈ છે. આ નિર્ણયને કારણે વાલીઓ અને વિદ્યાર્થીઓમાં વેકેશનના આયોજનને લઈને રહેલી મુંઝવણ દૂર થઈ છે. પરિપત્રમાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે જૂન-૨૦૨૫ના શૈક્ષણિક વર્ષમાં બીજા તબક્કામાં પ્રવેશ મેળવનાર ડી.ઇઆઈ.ઇએડ (પ્રથમ વર્ષ) ના વિદ્યાર્થીઓના અભ્યાસના દિવસો પૂરા કરવાના હોવાથી, જે-તે સંસ્થા આ વિદ્યાર્થીઓના વેકેશન બાબતે પોતાની રીતે નિર્ણય લઈ શકશે. 

 

Comments

COMMENT / REPLY FROM