Trending News
સ્થાનિક સમાચાર

નલિયામાં જમ્પ સ્ટાર્ટ ટેકનિકથી જન્મેલું ઘોરાડનું બચ્ચું ગુમ

29 April


શિકારી પ્રાણીઓ દ્વારા મારણ થયું હોવાની આશંકા : વન વિભાગ દ્વારા બે માદા ઘોરાડને ટેગ કરી સંરક્ષણના પ્રયાસો તેજ કરાયા : કુદરતી કારણોસર બચ્ચાનો મૃત્યુદર ઊંચો હોવાનું નિષ્ણાતોનું તારણ


ભુજ - કચ્છઉદય : કચ્છના નલિયા વિસ્તારમાં ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ એટલે કે ઘોરાડના સંરક્ષણ માટે હાથ ધરાયેલા જમ્પ સ્ટાર્ટ ટેકનિકના પ્રયોગ વચ્ચે એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. ગત ૨૬ માર્ચ ૨૦૨૬ના રોજ આ આધુનિક પદ્ધતિ દ્વારા જન્મેલું ઘોરાડનું બચ્ચું છેલ્લા ત્રણ-ચાર દિવસથી દેખાવવાનું બંધ થઈ ગયું છે. વન વિભાગનો સ્ટાફ, વોચર્સ અને વાઇલ્ડલાઇફ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાની ટીમ દ્વારા સતત પેટ્રોલિંગ અને મોનિટરિંગ કરવામાં આવી રહ્યું હોવા છતાં આ બચ્ચું ક્યાંય નજરે પડ્યું નથી. આ વિસ્તાર શિકારી પ્રાણીઓનું કુદરતી નિવાસસ્થાન હોવાથી વન વિભાગને આશંકા છે કે જંગલી પ્રાણીઓએ બચ્ચાનો શિકાર કર્યો હોઈ શકે છે.
નિષ્ણાતોના મતે ઘોરાડ જમીન પર માળો બનાવતી પ્રજાતિ હોવાથી તેના પ્રારંભિક તબક્કામાં મૃત્યુદર ઘણો ઊંચો રહે છે. સામાન્ય રીતે માત્ર ૪૦ ટકા ઈંડામાંથી જ બચ્ચા જન્મે છે અને તેમાંથી પણ પ્રથમ બે મહિના દરમિયાન જીવિત રહેવાની શક્યતા ૬૦ ટકા જેટલી જ હોય છે. ખાસ કરીને જ્યારે બચ્ચું ઉડી શકતું નથી ત્યારે તેને શિયાળ, લોમડી, બિલાડી, નોળિયો અને મોનિટર લિઝર્ડ જેવા શિકારીઓથી મોટું જોખમ રહેલું હોય છે. જમ્પ સ્ટાર્ટ ટેકનિક ઈંડાના તબક્કે શિકાર ઘટાડવામાં ચોક્કસ મદદરૂપ થાય છે, પરંતુ બચ્ચાના જન્મ બાદ તેના અસ્તિત્વ ટકાવી રાખવાની ક્ષમતામાં કુદરતી મર્યાદાઓ નડે છે. રાજસ્થાનમાં થયેલા અગાઉના અભ્યાસો પણ પુષ્ટિ કરે છે કે શ્રેષ્ઠ સંરક્ષણ હેઠળ પણ અડધા બચ્ચાં બે મહિનાથી વધુ જીવી શકતા નથી.
ગુજરાત વન વિભાગ દ્વારા આ ટેકનિક હેઠળ ઈંડાનું સલામત પરિવહન, રિમોટ મોનિટરિંગ અને આવાસ વ્યવસ્થાપન જેવી તમામ કામગીરી સફળતાપૂર્વક કરવામાં આવી હતી, તેમ છતાં કુદરતી જોખમોને સંપૂર્ણપણે ટાળી શકાયા નથી. જોકે આ એક પ્રતિકૂળ ઘટના હોવા છતાં વન વિભાગ કચ્છમાં ઘોરાડની સંખ્યા વધારવા માટે આ પ્રયાસો ચાલુ રાખશે. ભવિષ્યના આયોજનના ભાગરૂપે બે માદા ઘોરાડને ટેગ કરવામાં આવી છે જેથી તેમના માળાની વિગતો મેળવી શકાય. આ સાથે જ ઘોરાડના આવાસ સુધારવા માટે પ્રોસોપિસ (ગાંડા બાવળ) દૂર કરવા, ફેન્સિંગ મજબૂત બનાવવી અને શિકારી પ્રાણીઓનું સ્થાનાંતરણ કરવા જેવા કડક પગલાં પણ લેવામાં આવી રહ્યા છે.

--------

Comments

COMMENT / REPLY FROM