રાપરની મનોદિવ્યાંગ સગીરાના દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની કેદ
માત્ર ૯૯ દિવસમાં ટૂંકા સમયમાં પોક્સો અદાલતનો ધાક બેસાડતો ચુકાદો
રાપર - કચ્છઉદય : રાપરમાં સગીર વયની મનોદિવ્યાંગ બાળકી પર દુષ્કર્મ આચરનાર આરોપીને ભચાઉની કોર્ટે ૨૦ વર્ષની કેદ ફટકારી છે. માત્ર ૯૯ દિવસના ટુંકા સમયગાળામાં અદાલતે આ ચુકાદો આપ્યો છે. આ કેસમાં પોલીસે પણ માત્ર ૧૨ દિવસમાં પણ તપાસ પૂર્ણ કરી કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી હતી. અદાલતે ઝડપી ટ્રાયલ ચલાવી ધાક બેસાડતો ચુકાદો આપ્યો છે. આ કેસની વિગતો મુજબ પહેલી જાન્યુઆરીના રોજ રાપરની ૧૫ વર્ષિય માનસિક અસ્વસ્થ બાળકીને તેના ઘરથી દૂર લઈ જઈ બાવળની ઝાડીઓમાં ૨૯ વર્ષિય આરોપી શિવા મોહનભાઈએ દુષ્કર્મ ગુજાર્યું હતું. અને બાળકીએ ગળામાં પહેરેલ દાગીનું ઝુંટવીને ફરાર થઈ ગયો હતો. બાળકી ગુમ થઈ જતા તેની માતાએ શોધખોળ શરૂ કરી હતી. બાળકી ઘરથી દૂર કણસતી હાલતમાં મળી આવી હતી. બાળકીએ પોતાની આપવિતી જણાવતા પરિવાર પર આભ તુટી પડ્યું હતું. આ ઘટના સોશિયલ મિડિયામાં વાયરલ થતા ૬ જાન્યુઆરીના રાપર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. પોલીસે ઝડપી તપાસ બાદ ૧૨ દિવસમાં જ ચાર્જશીટ દાખલ કરી હતી. આ કેસ પોક્સો અદાલતમાં ચાલી જતા દસ્તાવેજી પુરાવા અને મેડિકલ પ્રમાણપત્ર તથા સાક્ષીઓની જુબાનીના આધારે અદાલતે આરોપીને ગુનેગાર ઠેરવી ૨૦ વર્ષ કેદ અને દંડનો હુકમ કર્યો હતો. આ ઉપરાંત અદાલતે દંડની રકમ વળતર સાથે પિડીતાના પરિવારને ચુકવવા તેમજ ગુજરાત વિકટીમ કોન્પેન સેશન સ્કીમ અંતર્ગત પરિવારને પાંચ લાખનું વળતર ચુકવવા હુકમ કર્યો છે. આ કેસમાં સરકાર પક્ષે જિલ્લા સરકારી વકીલ ધર્મેન્દ્રસિંહ જાડેજાએ દલીલો કરી હતી.
------

Comments