ભુજ બહુમાળી ભવન ખાતે અરજદારો માટે માટલાના ઠંડા મિનરલ વોટરની સુવિધા શરૂ
કચ્છની કાળઝાળ ગરમી વચ્ચે ઠંડકનો અહેસાસ : મુળજીભાઈની પ્રેરણાદાયી પાણીની સેવા : કચ્છની આકરી ગરમીમાં સેવાનું ઝરણું
ભુજ-કચ્છઉદય : હાલ સમગ્ર રાજ્ય સહિત કચ્છમાં પણ ઉનાળાનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. ભુજમાં ૪૫ ડિગ્રી જેટલી અસહ્ય ગરમી પડી રહી છે, ત્યારે સરકારી કામકાજ માટે બહુમાળી ભવન ખાતે આવતા અરજદારોની વ્હારે કર્મચારીઓ આવ્યા છે. બહુમાળી ભવનના કર્મચારી મુળજીભાઈ મતિયા દ્વારા એક પ્રશંસનીય પહેલ કરી, દૂર-દૂરથી આવતા લોકો માટે "માટલાનું ઠંડુ મિનરલ વોટર" પીરસવાની સેવા શરૂ કરવામાં આવી છે.
સરકારી બહુમાળી ભવન ખાતે ગ્રામ્ય તેમજ શહેરી વિસ્તારના અનેક લોકો પોતાના કામ અર્થે આવતા હોય છે. બપોરની કાળઝાળ ગરમીમાં બાળકોથી માંડીને વૃદ્ધો પાણી માટે હેરાન ન થાય તે હેતુથી આ જલ સેવા શરૂ કરાઈ છે. આ સેવા માત્ર આજ પૂરતી મર્યાદિત નથી, પરંતુ સમગ્ર ઉનાળા દરમિયાન સતત ચાલુ રાખવાની મુળજીભાઈએ ખાતરી આપી છે. આ સેવાકીય કાર્યને બિરદાવવા અને પ્રોત્સાહન પૂરું પાડવા માટે બહુમાળી ભવન સહકારી મંડળના મંત્રી એમ.આઈ. બાયડ, સેવાભાવી ભરતભાઈ સુથાર, રમેશ ગરવા તેમજ અન્ય કર્મચારીઓ અને અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત તમામ મહાનુભાવોએ આ કાર્યને માનવ સેવા માટેનું ઉત્તમ ઉદાહરણ ગણાવ્યું હતું. કુદરતી રીતે ઠંડુ અને શુદ્ધ પાણી આરોગ્ય માટે પણ ફાયદાકારક હોવાથી લોકો આ સુવિધાનો લાભ લઈ રહ્યા છે. મુળજીભાઈ અને તેમની ટીમ દ્વારા શરૂ કરાયેલી આ પહેલથી અન્ય સરકારી કચેરીઓ અને સંસ્થાઓ માટે પણ એક પ્રેરણા પૂરી પાડી છે.
--------

Comments