Trending News
સ્થાનિક સમાચાર

કચ્છ જિલ્લાના આરોગ્ય વિભાગના ડ્રાઈવર વર્ગના કર્મચારીઓને ગુજરાત હાઈકોર્ટમાં મહત્વપૂર્ણ રાહત 

24 April


લાંબા સમય બાદ મળ્યા બાકી પગાર અને લાભો

ભુજ - કચ્છઉદય : કચ્છ જિલ્લાના જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગ હેઠળ મોબાઈલ હેલ્થ યુનિટમાં વર્ષોથી સેવા આપતા ડ્રાઈવર વર્ગના કર્મચારીઓએ તેમના હકક માટે દાખલ કરેલ અરજીમાં મહત્વપૂર્ણ પ્રગતિ નોંધાઈ છે અને અરજદારોને ન્યાય પ્રાપ્ત થયો છે.
અરજદારો દ્વારા તેમના વકીલ શિવાંગ શાહ મારફતે ગુજરાત હાઈકોર્ટમાં દાખલ કરવામાં આવી હતી, જેમાં જિલ્લા પંચાયત દ્વારા તા. ૯-૭-૨૦૧૪ના પસાર કરાયેલ આદેશને પડકારવામાં આવ્યો હતો. આદેશ દ્વારા અગાઉ વધારવામાં આવેલ પગાર રદ કરી રૂ. ૬,૦૦૦ નિશ્ચિત કરવામાં આવ્યો હતો તથા અગાઉ ચૂકવાયેલ રકમની વસુલાત કરવાનો ગેરકાયદેસર નિર્ણય લેવાયો હતો, જે કાનૂની રીતે અયોગ્ય અને બંધારણીય હક્કો વિરુદ્ધ હોવાનું રજૂ કરવામાં આવ્યું હતું. ગુજરાત હાઈકોર્ટે પ્રાથમિક રીતે અરજદારોના પક્ષને માન્યતા આપી અને તા. ૧૮-૧૧-૨૦૧૪ના નોટિસ જારી કરી તેમજ સ્ટેટસ ક્વો જાળવવાનો હુકમ આપ્યો હતો.
અરજદારો દ્વારા બાકી રહેલા પગાર તથા ન્યૂનતમ વેતન મેળવવા માટે દાખલ કરવામાં આવી હતી, જેમાં ગુજરાત સરકારના તા. ૧૮.૦૧.૨૦૧૭ના ઠરાવ મુજબ રૂ. ૧૯,૯૫૦ ન્યૂનતમ વેતન ચૂકવવા માંગણી કરવામાં આવી હતી. આ બાબતે અરજદારોના વકીલ શિવાંગ શાહ દ્વારા જોરદાર અને તર્કસંગત દલીલો રજૂ કરવામાં આવી હતી. પ્રતિવાદી પક્ષ તરફથી, ખાસ કરીને ચીફ ડિસ્ટ્રીક હેલ્થ ઓફિસર કચ્છ તરફથી  વિરોધ કરવામાં આવ્યો હતો અને અરજીને પડકારવામાં આવી હતી. તેમ છતાં હાઈકોર્ટે બંને પક્ષોની દલીલો તથા રેકોર્ડ પરના સાચા તથ્યોને ધ્યાનમાં લઈને અરજદારોના પક્ષમાં આદેશ પસાર કર્યો હતો. પરિણામે, પ્રતિવાદી વિભાગને અરજદારોને ન્યૂનતમ વેતન તથા બાકી રહેલા તમામ એરીઅર્સ ચૂકવવા માટે દિશા આપવામાં આવી અને અરજદારોને આર્થિક લાભ મળ્યો છે. પ્રતિવાદી વિભાગ દ્વારા અરજદાર પૈકીના પ્રતાપગીરી ગોસ્વામી વિરુદ્ધ ઇન્ટરિમ રાહત રદ કરવા માટે અરજી કરવામાં આવી હતી, જેને અરજદારોના વકીલ શ્રી શિવાંગ શાહ દ્વારા મજબૂત રીતે વિરોધ કરવામાં આવ્યો હતો. હાઈકોર્ટે આ અરજીને નકારી કાઢી. હાલમાં માંગણી તથા અન્ય રાહતો અંગેની સુનાવણી બાકી છે અને આ મામલે આગામી સુનાવણી તા. ૨૩-૬-૨૦૨૬ના નક્કી કરવામાં આવી છે. અરજદારો તરફથી વકીલ શિવાંગ શાહ દ્વારા રજૂ કરાયેલ દલીલો, કાનૂની મુદ્દાઓ અને તથ્યોના આધારે અરજદારોને લાંબા સમય બાદ ન્યાય મળ્યો છે. વર્ષો સુધી સેવા આપ્યા બાદ મળેલા આ લાભોથી અરજદારોમાં આનંદની લાગણી વ્યાપી છે અને તેઓએ જીવનકાળમાં જ તેમના હક્કનો લાભ પ્રાપ્ત કર્યો છે.
--------

Comments

COMMENT / REPLY FROM