ભુજની ખાસ અદાલતે ૩૮૪ કરોડના હેરોઇન કેસમાં ૬ પાકિસ્તાનીઓને ફટકારી ૨૦ વર્ષની કેદ
રાષ્ટ્રના ઢાંચાને નબળું પાડવાનું કાવતરું હોવાનું નોંધી અદાલતે પ્રત્યેક ગુનેગારને ૨ લાખનો દંડ પણ કર્યો
ભુજ - કચ્છઉદય : ભારતીય જળસીમાનો દુરુપયોગ કરી કરોડો રૂપિયાનું હેરોઇન ઘુસાડવાના પાકિસ્તાની મનસૂબાને નિષ્ફળ બનાવતા ભુજની ખાસ અદાલતે ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. કચ્છના જખૌ દરિયા કિનારેથી અંદાજે ૩૮૪ કરોડ રૂપિયાના નશીલા પદાર્થ સાથે ઝડપાયેલા છ પાકિસ્તાની નાગરિકોને અદાલતે ૨૦ વર્ષની સખત કેદની સજા ફટકારી છે.
આ અંગેની વિગત મુજબ ગુજરાત એટીએસ અને કોસ્ટગાર્ડ દ્વારા સંયુક્ત રીતે હાથ ધરવામાં આવેલા એક સફળ ઓપરેશનમાં ડિસેમ્બર ૨૦૨૧માં જખૌના દરિયાઈ વિસ્તારમાંથી પાકિસ્તાની બોટ ‘અલ હુશેની’ ને ઝડપી પાડવામાં આવી હતી. આ બોટમાં સવાર મોહમ્મદ ઇમરાન મોહમ્મદ તારીક વાઘેર, દાનિસ મોહમ્મદ હુશેન કચ્છી વાઘેર, સાગર મોહમ્મદ કચ્છી વાઘેર, ઇસ્માઇલ ઇબ્રાહીમ બડાલા, મોહમ્મદ સાજીદ મોહમ્મદ હુશેન યાકુબલાલા કુંગરા અને અશ્ફાક મોહમ્મદ ઇશાક વાઘેર નામના છ આરોપીઓ પાસેથી ૭૬ કિલોથી વધુ હેરોઇનનો જથ્થો મળી આવ્યો હતો. આ તમામ આરોપીઓ કરાંચીના રહેવાસી હોવાનું તપાસમાં ખુલ્યું હતું.
આ કેસની સુનાવણી ભુજના છઠ્ઠા અધિક સેશન્સ અને સ્પેશિયલ એનડીપીએસ કોર્ટના જજ વી.એ. બુદ્ધની અદાલતમાં ચાલી હતી. પ્રોસિક્યુશન તરફથી મુખ્ય જિલ્લા સરકારી વકીલ એચ.બી. જાડેજાએ હાજર રહીને ૧૩ સાક્ષીઓ અને ૨૦૩ જેટલા દસ્તાવેજી પુરાવાઓ રજૂ કર્યા હતા. અદાલતે આ પુરાવાઓને ગ્રાહ્ય રાખીને અવલોકન કર્યું હતું કે નશીલા પદાર્થોનો આટલો મોટો જથ્થો ઘુસાડવો એ માત્ર સામાન્ય ગુનો નથી, પરંતુ ભારતના યુવાનોને નશાના ગંભીર વ્યસનમાં ધકેલીને રાષ્ટ્રના આંતરિક સુરક્ષા માળખાને નબળું પાડવાનું એક સુનિયોજિત ષડયંત્ર છે.
અદાલતે આ ગુનાની ગંભીરતાને ધ્યાને લઈને તમામ છ આરોપીઓને એનડીપીએસ એક્ટની વિવિધ કલમો હેઠળ દોષિત જાહેર કર્યા હતા. ચુકાદામાં દરેક આરોપીને ૨૦ વર્ષની સખત કેદની સજાની સાથે સાથે પ્રત્યેકને ૨ લાખ રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. આ ચુકાદો માદક દ્રવ્યોની હેરાફેરી કરતા અસામાજિક તત્વો માટે એક લાલબત્તી સમાન સાબિત થયો છે. આ કેસમાં પ્રોસિક્યૂશન તરફે મુખ્ય જિલ્લા સરકારી વકીલ એચ.બી. જાડેજાએ હાજર રહી સાક્ષીઓને તપાસ્યા હતા અને દલીલો કરી હતી.
-----------

Comments