કચ્છનું ચૂંટણી પંચાંગ : પાછલી ત્રણ ચૂંટણીમાં કયાંક ઉત્સાહ તો કયાંક નિરસતા
લોકશાહીના બદલાતા વહેણ અને મતદારોનો મિજાજ
હરહંમેશ સરહદી લખપત રહે છે મોખરે : આ વખતે ગરમી અને લગ્નસરાની સીઝન મતદાન પર વિપરીત અસર કરે તેવી ભીતિ : જિલ્લાના ગ્રામીણ અને શહેરી મતદારોની વિચારધારામાં મોટો તફાવત : ગાંધીધામ મહાનગરપાલિકા અને નખત્રાણા નગરપાલિકાની પ્રથમ વખત યોજાશે ચૂંટણી
ભુજ - કચ્છઉદય : ગુજરાતનો ભૌગોલિક રીતે સૌથી મોટો જિલ્લો કચ્છ માત્ર તેની સંસ્કૃતિ અને રણ માટે જ નહીં, પરંતુ તેના અનોખા રાજકીય મિજાજ માટે પણ જાણીતો છે. છેલ્લા એક દાયકાના (વર્ષ ૨૦૧૦ થી ૨૦૨૧) સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના આંકડાઓ પર નજર કરીએ તો કચ્છના મતદારોએ લોકશાહીના પર્વમાં ક્યારેક ઉત્સાહ તો ક્યારેક આશ્ચર્યજનક ઉદાસીનતા દર્શાવી છે. જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાના મતદાનના આંકડાઓનું ઊંડું વિશ્લેષણ કરતા માલૂમ પડે છે કે જિલ્લાના ગ્રામીણ અને શહેરી મતદારોની વિચારધારામાં મોટો તફાવત જોવા મળી રહ્યો છે.
કચ્છ જિલ્લા પંચાયતની ચૂંટણીના આંકડાઓ પર નજર નાખીએ તો ૨૦૧૦માં મતદાનની ટકાવારી ૬૧.૯૩% નોંધાઈ હતી. આ સમયગાળા દરમિયાન જિલ્લામાં રાજકીય સભાનતાનો ઉદય થઈ રહ્યો હતો. જોકે, ૨૦૧૫ની ચૂંટણીમાં એક મોટો ઉછાળો જોવા મળ્યો અને મતદાનની ટકાવારી વધીને ૬૬.૦૩% સુધી પહોંચી ગઈ હતી. આ ઉછાળો એ વાતનો સંકેત હતો કે ગ્રામીણ જનતા પોતાના પ્રશ્નો અને પ્રતિનિધિઓ પ્રત્યે વધુ જાગૃત બની છે. પરંતુ, ૨૦૨૧માં આવેલી ચૂંટણીમાં આ ગ્રાફમાં ફરી આંશિક ઘટાડો જોવા મળ્યો અને મતદાન ૬૩.૨૫% પર આવીને અટક્યું હતું. ૨૦૧૫ની સરખામણીએ ૨૦૨૧માં ૨.૭૮% નો ઘટાડો રાજકીય પક્ષો માટે ચિંતાનો વિષય બન્યો હતો.
વર્ષ ૨૦૨૧ની તાલુકા પંચાયતોની ચૂંટણીના પરિણામો અને આંકડાઓએ સૌને ચોંકાવી દીધા હતા. આંકડાકીય વિશ્લેષણ મુજબ, જિલ્લાના છેવાડાના અને અંતરિયાળ ગણાતા લખપત તાલુકાએ મતદાનમાં નવો ઇતિહાસ રચ્યો છે. લખપતમાં સૌથી વધુ ૭૮.૦૫% મતદાન નોંધાયું હતું. જે દર્શાવે છે કે જે વિસ્તાર ભૌતિક સુવિધાઓની દ્રષ્ટિએ પાછળ ગણાય છે, ત્યાંના મતદારો લોકશાહી પ્રક્રિયામાં સૌથી વધુ સક્રિય છે. તેવી જ રીતે મુંદરા તાલુકામાં પણ ૭૨% જેટલું ઊંચું મતદાન નોંધાયું હતું, જે ઔદ્યોગિક વિકાસ સાથે જોડાયેલી લોકજાગૃતિનો સંકેત છે.
બીજી તરફ, કચ્છના અન્ય તાલુકાઓની વાત કરીએ તો અબડાસામાં ૬૪.૨૧%, અંજારમાં ૬૫.૧૩%, ભુજમાં ૬૪.૦૫% અને માંડવીમાં ૬૪.૬૫% જેટલું સરેરાશ મતદાન થયું હતું. આ આંકડાઓ દર્શાવે છે કે મધ્ય અને પશ્ચિમ કચ્છમાં મતદારોનો ઉત્સાહ જળવાઈ રહ્યો છે. જોકે, ભચાઉમાં ૫૮.૭૦%, નખત્રાણામાં ૫૮.૮૦% અને રાપરમાં ૬૦.૫૦% મતદાન નોંધાયું હતું, જે જિલ્લાની સરેરાશ કરતા ઓછું છે. સૌથી વધુ આશ્ચર્યજનક બાબત ગાંધીધામ તાલુકાની રહી છે, જ્યાં માત્ર ૫૭.૪૬% મતદાન થયું હતું. શિક્ષિત અને ઔદ્યોગિક રીતે વિકસિત ગણાતા આ વિસ્તારમાં ઓછું મતદાન લોકશાહી માટે એક પ્રશ્નાર્થ ચિન્હ સમાન છે.
કચ્છની નગરપાલિકાઓ અંજાર, માંડવી, ગાંધીધામ અને ભુજ - ના છેલ્લા ૧૦ વર્ષના આંકડાઓ એક ચિંતાજનક વલણ દર્શાવે છે. શહેરી વિસ્તારોમાં મતદાનની ટકાવારી સતત ઘટી રહી હોય તેવું જણાય છે. અંજાર નગરપાલિકામાં ૨૦૧૦માં ૬૦.૭૬% મતદાન થયું હતું, જે ૨૦૧૫માં ઘટીને ૫૮.૦૬% અને ૨૦૨૧માં વધુ ઘટીને ૫૪.૬૦% થઈ ગયું હતું. ૧૦ વર્ષમાં અહીં મતદાનમાં ૬% થી વધુનો ઘટાડો નોંધાયો છે. માંડવી નગરપાલિકામાં સ્થિતિ થોડી અલગ છે. ૨૦૧૦માં ૬૨.૧૫% થી વધીને ૨૦૧૫માં ૬૬.૪૨% મતદાન થયું હતું, પરંતુ ૨૦૨૧માં તે ફરી ઘટીને ૬૩.૧૭% પર આવી ગયું હતું. જોકે, અન્ય શહેરોની સરખામણીએ માંડવીના મતદારો વધુ ઉત્સાહી જણાય છે. કચ્છનું આર્થિક કેન્દ્ર ગણાતા ગાંધીધામમાં મતદાનની ટકાવારી સતત નીચી રહી છે. ૨૦૧૦માં માત્ર ૪૫.૫૧% અને ૨૦૨૧માં ૪૪.૬૧% મતદાન નોંધાયું હતું. ૨૦૧૫માં થોડો સુધારો (૫૦.૩૪%) જોવા મળ્યો હતો, પરંતુ તે લાંબો સમય ટકી શક્યો નહીં. અડધાથી વધુ વસ્તી મતદાન પ્રક્રિયાથી દૂર રહે છે તે એક ગંભીર બાબત છે. જો કે આ વખતે હવે ગાંધીધામને મહાનગરપાલિકાનો દરજ્જો મળી ચુકયો હોઈ પ્રથમ
વખત મહાપાલિકાની યોજાઈ રહેલી ચૂંટણીમાં મતદારોનો મીજાજ કેવો રહે છે તે જોવું રહેશે. જિલ્લા મથક ભુજમાં પણ સ્થિતિ ગાંધીધામ જેવી જ છે. ૨૦૧૦માં ૪૯.૬૧% અને ૨૦૨૧માં ૪૯.૪૪% મતદાન થયું હતું. ૨૦૧૫માં અહીં ૫૫.૭૪% સુધી આંકડો પહોંચ્યો હતો, પરંતુ ૨૦૨૧માં ફરી લોકોમાં ઉદાસીનતા જોવા મળી હતી. આ બધાની વચ્ચે મુંદરા-બારોઈ નગરપાલિકા એક ‘સિલ્વર લાઈનિંગ’ સમાન સાબિત થઈ છે. વર્ષ ૨૦૨૧માં અહીં પ્રથમ વખત નગરપાલિકાની ચૂંટણી યોજાઈ (પાલિકા બન્યા બાદ) અને પ્રથમ પ્રયાસે જ અહીં ૭૦.૦૪% જેટલું જંગી મતદાન નોંધાયું હતું. આ આંકડાએ સાબિત કર્યું છે કે જો લોકોમાં જોમ હોય તો શહેરી વિસ્તારોમાં પણ ગ્રામીણ સ્તરનું મતદાન થઈ શકે છે. બીજીતરફ આ વખતે નખત્રાણા નગરપાલિકાની પણ ચૂંટણી પ્રથમ વખત યોજાઈ રહી હોઈ આ વિસ્તારના મતદારોનો રૂખ કેવો રહે છે, તે રાજકીય પક્ષો માટે પણ મહત્વનું બની રહેશે.
આ આંકડાકીય વિશ્લેષણ પરથી સ્પષ્ટ થાય છે કે કચ્છમાં ‘શહેરી મતદાન’ અને ‘ગ્રામીણ મતદાન’ વચ્ચે મોટી ખાઈ છે. લખપત અને મુંદરા જેવા વિસ્તારોમાં લોકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા તત્પર છે, જ્યારે ભુજ અને ગાંધીધામ જેવા મોટા શહેરોમાં ૫૦% મતો મેળવવા પણ મુશ્કેલ બની રહ્યા છે. રાજકીય વિશ્લેષકોના મતે, ૨૦૧૫માં થયેલું ઊંચું મતદાન એ સમયના સ્થાનિક મુદ્દાઓને આભારી હોઈ શકે છે. પરંતુ ૨૦૨૧માં જોવા મળેલો ઘટાડો એ સૂચવે છે કે મતદારો ક્યાંક ને ક્યાંક પ્રણાલીગત રાજકારણથી અલિપ્ત થઈ રહ્યા છે અથવા તો ઉમેદવારોની પસંદગીમાં તેમને રસ રહ્યો નથી. આગામી ચૂંટણીઓમાં જો મતદાનની ટકાવારી વધારવી હોય, તો રાજકીય પક્ષોએ સોશિયલ મીડિયાની સાથે સાથે જમીની સ્તરે જઈને મતદારોનો વિશ્વાસ જીતવો પડશે, ખાસ કરીને ગાંધીધામ અને ભુજ જેવા શહેરોમાં જ્યાં અડધી વસ્તી ઘરે બેસી રહેવાનું પસંદ કરે છે.
સમગ્ર રીતે જોતા, કચ્છની આ લોકશાહી સફર ચડાવ-ઉતારવાળી રહી છે. હવે જોવાનું એ રહેશે કે આગામી સમયમાં આ આંકડાઓ કઈ દિશામાં વળે છે અને શું લખપત જેવી
જાગૃતિ કચ્છના અન્ય ભાગોમાં પણ જોવા મળે છે કે કેમ.

Comments