ભુજમાં વોર્ડ નંબર ૪ ભાજપ દ્વારા ચૂંટણી કાર્યાલયનું ભવ્ય ઉદ્દઘાટન અને જાહેર સભા યોજાઈ
ભુજ - કચ્છઉદય :ભુજ શહેરના વોર્ડ નંબર ૪ ભારતીય જનતા પાર્ટી પરિવાર દ્વારા આગામી ચૂંટણીના અનુસંધાને ચૂંટણી કાર્યાલયના ઉદ્ઘાટન સમારોહ અને વિશાળ જાહેર સભાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. કેમ્પ પોલીસ ચોકી પાસે આવેલા કેમ્પ એરિયામાં યોજાયેલા આ કાર્યક્રમમાં ભાજપના દિગ્ગજ નેતાઓ, કાર્યકર્તાઓ અને મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. મંગળવારની સાંજે આયોજિત આ કાર્યક્રમમાં સંગઠનની શક્તિ અને આગામી ચૂંટણી માટેનો ઉત્સાહ સ્પષ્ટપણે જોવા મળ્યો હતો. ચૂંટણી પ્રચાર કાર્યાલયના પ્રારંભ બાદ ઉમેદવારો દ્વારા લોક સંપર્ક અને ડોર ટુ ડોર પ્રચાર જોશભેર ચાલી રહ્યું છે. આ વિસ્તારમાં ભાજપના ઉમેદવારોને સ્વયંભુ બહોળો આવકાર મળી રહ્યો છે.
આ ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત અતિથિ વિશેષ તરીકે કચ્છ જિલ્લા ભાજપના હોદેદારોએ હાજરી આપી કાર્યકર્તાઓનું મનોબળ વધાર્યું હતું. ભુજ શહેર ભાજપ પ્રમુખ મીતભાઈ ઠક્કર તથા મહામંત્રીઓ રીતેનભાઈ ગોર અને જીગરભાઈ શાહ પણ આ તકે ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમ દરમિયાન વોર્ડ નંબર ૪ ના ઉમેદવારો જાવેદ કાસમ માંજોઠી, ડોલીબેન ભાવેશભાઈ શાહ, બીનાબેન મહેન્દ્રભાઈ ભાનુશાલી અને એડવોકેટ હરેશભાઈ મગનભાઈ મહેશ્વરીનો પરિચય કરાવવામાં આવ્યો હતો.નોંધનીય છે કે ભાજપના જાવેદ માંજોઠી અગાઉ જ બિનહરીફ વિજેતા જાહેર થઇ ગયા છે. મંડળ ઇન્ચાર્જ દેવરાજભાઈ ગઢવી, કિરીટભાઈ સોમપુરા, બાલકૃષ્ણભાઈ ગોર અને મહીદીપસિંહ જાડેજા સહિત વોર્ડ ઇન્ચાર્જ રાજેશભાઈ ગોર, ઈસ્માઈલભાઈ માંજોઠી, હનીફભાઈ માંજોઠી અને જયદીપસિંહ જાડેજાએ કાર્યક્રમની સફળતા માટે જહેમત ઉઠાવી હતી. અંતમાં વોર્ડ નંબર ૪ ના ભારતીય જનતા પાર્ટી પરિવાર દ્વારા તમામ કાર્યકર્તાઓ અને જનતાનો આભાર માનવામાં આવ્યો હતો. હાલે ઉમેદવારો અને કાર્યકર્તાઓ દ્વારા અંતિમ તબક્કાનો પ્રચાર ચાલી રહ્યો છે.
-------

Comments