Trending News
સ્થાનિક સમાચાર

જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, કચ્છ દ્વારા ‘વિશ્વ પૃથ્વી દિવસ’ ની ઉજવણી

23 April



ભુજ - કચ્છઉદય : ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તામંડળ, અમદાવાદ તેમજ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, ભુજ-કચ્છના માર્ગદર્શન હેઠળ તાજેતરમાં સમગ્ર જિલ્લામાં વિશ્વ પૃથ્વી દિવસ નિમિત્તે પર્યાવરણ જાળવણી અને જનજાગૃતિના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉજવણી અંતર્ગત વિવિધ તાલુકાઓમાં વૃક્ષારોપણ, સ્વચ્છતા અભિયાન તેમજ કાનૂની પ્રશિક્ષણ શિબિરો યોજવામાં આવેલ હતી.
તાલુકા કાનૂની સેવા સમિતિ, નખત્રાણા દ્વારા મોટા આંગિયા ગ્રામ પંચાયત કચેરી ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં પેનલ એડવોકેટ નિકેશભાઈ ઠક્કર અને પીએલવી મુક્તાબેન નાથબાવા દ્વારા પૃથ્વીના સંરક્ષણ અંગે માર્ગદર્શન અપાયું હતું. આ ઉપરાંત માંડવી કોર્ટ કેમ્પસ મધ્યે સ્વચ્છતા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં એડવોકેટ એમ. આઈ. ઘાંચીએ કેમ્પસની અંદર સફાઈ અભિયાન ચલાવ્યું હતું તેમજ આપણી પર્યાવરણીય જવાબદારીઓ વિશે લોકોને સમજણ આપી હતી.
આ સિવાય તાલુકા કાનૂની સેવા સમિતિ, ભુજ દ્વારા હોસ્પિટલ રોડ અને સનાતન ચોક, મુન્દ્રા રિલોકેશન સાઈટ, ભુજ-કચ્છ ખાતે કાનૂની જાગૃતિ કાર્યક્રમો યોાજાયા હતા. એડવોકેટ કે. એલ. અજાણી અને કે. જે. કંસારા દ્વારા પૃથ્વી દિવસના મહત્વ પર બાળકોને જાગૃત કરવામાં આવ્યા હતા. ઉપરાંત મુન્દ્રાની કન્યા શાળા ખાતે પુનઃપ્રાપ્ય ઉર્જા અને સામૂહિક જવાબદારીના વિષય પર કાનૂની જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં પીએલવી મનિષાબા જાડેજા અને અમીન નરેજાએ ૧૨૦ જેટલી વિદ્યાર્થીનીઓને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. સાથે-સાથે તાલુકા કાનૂની સેવા સમિતિ, ગાંધીધામ, રાપર અને દયાપર દ્વારા પણ કાનૂની જાગૃતિ શિબિરોનું આયોજન કરવામાં આવ્યું હતું. આમ વિવિધ તાલુકા કાનૂની સેવા સમિતિઓ દ્વારા સફળતાપૂર્વક કાનૂની જાગૃતિ શિબિરો યોજી લોકોને પોતાના અધિકારોની સાથે-સાથે પર્યાવરણ પ્રત્યે પોતાની ફરજો માટે સંકલ્પબદ્ધ કર્યા હતા.
-------

Comments

COMMENT / REPLY FROM