Trending News
સ્થાનિક સમાચાર

ગાંધીધામમાં બસ સ્ટેશન પાસે સર્જાયેલા અકસ્માતમાં ડ્રાઈવરનું મોત, પોલીસ ખો-ખોમાં વ્યસ્ત 

23 April


બસ સ્ટેશન પાસે હનુમાન મંદિરમાં ટ્રેઈલર ઘૂસી જતા ગઈકાલે મોડી રાત્રે બન્યો હતો બનાવ : કેબીનમાં ચાલક તરફડીયા મારતો રહ્યો પરંતુ પોલીસ, ફાયર સહિતના મોડેથી આવ્યા : એ અને બી -ડિવિઝન પોલીસ વચ્ચે હદ્દ નક્કી ન થઈ 

ગાંધીધામ - કચ્છ ઉદય :  શહેરમાં બસ સ્ટેશન પાસે આવેલ હનુમાન મંદિરમાં ગઈકાલે મોડી રાત્રે એક વાગ્યાના અરસામાં ટ્રેઈલર ઘૂસી જતા દબાઈ જવાના કારણે પરપ્રાંતિય ડ્રાઈવરનું મોત થયું હતું. 
આ બાબતે જાણવા મળતી વિગતો મુજબ ગઈકાલે રાત્રે આ બનાવ બન્યો હતો. ટ્રક ભચાઉ તરફથી આવતી હતી અને ઝોન તરફ જતી હતી ત્યારે કોઈ કારણોસર મંદિર સાથે ગાડી ભટકાતાં બનાવ બન્યો હતો. સ્થાનિકોના કહેવા પ્રમાણે ફોન કરતા ૧૦૮ આવી હતી પરંતુ અકસ્માત એટલો ગંભીર હતો કે, ચાલક અંદર કેબીનમાં દબાઈ ગયો હતો. તેને બહાર કાઢવા માટે પોલીસ અને ફાયર વિભાગ સમયસર આવ્યા ન હતા. તરફડિયા મારીને અંતે ચાલક મોતને ભેટ્યો હોવાનું લોકોએ જણાવ્યું હતું. આજે સવારે આ બનાવ બાબતે તપાસ કરતા પોલીસ ખો આપવામાં વ્યસ્ત જણાઈ હતી. ઘટનાસ્થળેથી જાણકારોએ જણાવ્યું કે, બનાવ બી-ડિવિઝનની હદ્દમાં આવે છે. જોકે, બી - ડિવિઝનનો સંપર્ક કરતા તેમણે બનાવ એ-ડિવિઝન આવતો હોવાનું જણાવ્યું હતું. એ-ડિવિઝન પોલીસે બનાવ અમારામાં નહીં પણ બી-ડિવિઝનમાં આવે છે. તેમ જણાવતા બપોર સુધી આ ઘટના બાબતે કોઈ નોંધ પણ પોલીસમાં દાખલ થઈ નથી. આ મંદિર રોડની વચ્ચે છે. જેથી દર વખતે પોલીસ વચ્ચે હદ્દની વિસંગતતા બાબતે આવી પરિસ્થિતિ સર્જાય છે ત્યારે ખરેખર પોલીસે હદ્દ નક્કી કરી લેવી જોઈએ.

Comments

COMMENT / REPLY FROM