Trending News
સ્થાનિક સમાચાર

પૂર્વ કચ્છના લાકડા ઉદ્યોગને મોદી સરકાર મોટી  રાહત આપવાના મુડમાં : ર૭મીએ દિલ્હીમાં મંથન

23 April

ન્યુઝિલેન્ડથી આવતા પાઈનવુડની આયાત ડયુટી પર છુટછાટના સંકેત


ર૭મીએ રાજધાની મધ્યે મોદી સરકાર અને ન્યુજિલેન્ડના પ્રતિનિધિમંડળ વચ્ચે યોજાનાર છે મહત્વપૂર્ણ સંયુકત બેઠક : કંડલા-મુંદરા બંદર પર ન્યુઝિલેન્ડથી મોટી માત્રામાં આવે છે લાકડું : યુદ્ધની પરિસ્થિતી બાદ ઉભા થયેલા સંજોગોને જોતા આ સમગ્ર ઉદ્યોગને માટે રાહતરૂપ ખબર આવવાના ઉજળા સંકેતો

ટીમ્બર ઉદ્યોગ અને ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ આ બેઠક પર મીટ માંડીને બેઠા હોવાનો વર્તારો : જો આ બેઠક સફળ રહેશે તો કચ્છના લાકડા ઉદ્યોગને માટે વર્ષ ર૦ર૬ની સૌથી મોટી ભેટ સાબિત થશે


ગાંધીધામ : પૂર્વ કચ્છના અર્થતંત્રની કરોડરજ્જુ ગણાતા ઉદ્યોગો પેકીના એક મહત્વપૂર્ણ એવા  લાકડા ઉદ્યોગ માટે કેન્દ્રની મોદી સરકાર આગામી દિવસોમાં મોટી રાહત જાહેર કરી શકે તેવા સંકેતો મળી રહ્યા છે. ખાસ કરીને ન્યૂઝીલેન્ડથી આયાત કરવામાં આવતા પાઈન વુડને લઈને વર્તમાન નીતીઓમાં રાહતરૂપ ફેરફાર  અથવા ઊંચી ડ્યૂટીમાં મોટી રાહત મળવાની પૂરેપૂરી સંભાવના છે. આ અંગે આગામી ૨૭મી એપ્રિલના રોજ દિલ્હી ખાતે મોદી સરકાર અને ન્યૂઝીલેન્ડના ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિ મંડળ વચ્ચે એક મહત્વપૂર્ણ સંયુક્ત બેઠક યોજાવા જઈ રહી છે. છેલ્લા કેટલાક સમયથી મધ્ય-પૂર્વ માં સર્જાયેલી યુદ્ધની પરિસ્થિતિ અને વૈશ્વિક સંજોગોને કારણે ટિમ્બર ઉદ્યોગ પર સંકટના વાદળો છવાયા હતા. શિપિંગ ખર્ચમાં વધારો અને કાચા માલની અછતને કારણે કંડલા અને મુન્દ્રા બંદર પર નિર્ભર સેંકડો સો-મિલ એકમો મુશ્કેલીમાં મુકાયા હતા. આ પરિસ્થિતિમાં સ્થાનિક ઉદ્યોગકારો દ્વારા કરવામાં આવેલી રજૂઆતોને ધ્યાને લઈ કેન્દ્ર સરકાર હવે ન્યૂઝીલેન્ડ સાથે સીધો વેપાર સુગમ બનાવવા જઈ રહી હોવાના ઉજળા ચિહ્નો સર્જાતા જોવાયા છે. કંડલા-મુન્દ્રા બંદર પર પાઈન વુડની વિશાળ આયાત વર્તમાન સમયે થવા પામી રહી છે. કચ્છના કંડલા-મુન્દ્રા બંદર ન્યૂઝીલેન્ડથી આવતા પાઈન લાકડાનું મુખ્ય હબ છે. અહીંથી જ સમગ્ર ભારતમાં આ લાકડું સપ્લાય કરવામાં આવે છે. જો ૨૭મીની દિલ્હીમાં યોજાઈ રહેલી બેઠકમાં આયાત નીતિમાં ફેરફાર અથવા ડ્યૂટીમાં ઘટાડો કરવામાં આવે, તો તેનાથી માત્ર લાકડાના ભાવમાં ઘટાડો જ નહીં થાય, પરંતુ લાખો શ્રમિકોની રોજગારી પણ સુરક્ષિત થશે તેમ જાણકારો કહી રહ્યા છે.  સાથોસાથ જો આ બેઠકમાં કદાચ ડ્યૂટીમાં રાહત અપાય છે તો આયાત ડ્યૂટીમાં ઘટાડો થવાથી ઉત્પાદન ખર્ચ ઘટશે.વેપારી સુગમતા પણ વધશે. ન્યૂઝીલેન્ડ સાથેના વેપારમાં રહેલી ટેકનિકલ અડચણો દૂર થશે. આ ઉપરાંત ઉદ્યોગને વેગ મળશે. યુદ્ધના કારણે મંદીમાં ફસાયેલા ઉદ્યોગને નવું જીવનદાન મળશે.ટિમ્બર એસોસિએશન અને ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ આ બેઠક પર મીટ માંડીને બેઠા છે. જો આ બેઠક સફળ રહેશે, તો કચ્છના લાકડા ઉદ્યોગ માટે વર્ષ ૨૦૨૬ની આ સૌથી મોટી ભેટ સાબિત થશે.

Comments

COMMENT / REPLY FROM