ભાજપ વિરુદ્ધ કોંગ્રેસ : ભુજમાં ૩૦ વર્ષની સત્તા છતાં ભાજપ ‘ચહેરા’ના ભરોસે, તો વિપક્ષે ગટર-પાણીના મુદ્દે શાસકોને ઘેર્યા !
ભુજ પાલિકા પર ભાજપનું એકહથ્થુ શાસન છતાં શહેરના મતદારો આજે પણ પાણી, લાઈટ, ગટર અને સફાઈ જેવી પાયાની માળખાકીય સુવિધાઓ માટે ટળવળી રહ્યા છે
ભગવા બ્રિગેડ સ્થાનિક પ્રશ્નોના બદલે કેન્દ્રિય નેતાઓના સહારે સ્થાનીક જંગ જીતવાની વેતરણમાં : સતાથી વિમુખ કોંગ્રેસ લોકપ્રશ્નો અને તેના નિરાકરણના વચનો સાથે મતદારો વચ્ચે પહોંચી : ભાજપ માટે આયાતી અને વિસ્તારના બહારના ઉમેદવારી શિર દર્દ બની તો બીજી તરફ સંગઠન શક્તિએ જીતના દ્વારે પહોચડવાની : ભાજપમાં જે તે વિસ્તારના મોવડીની અનદેખી ભારે ચર્ચા જગાવી છે...
ભુજ - કચ્છઉદય : ભુજ નગરપાલિકાની આગામી ૨૬મી તારીખે યોજાનારી ચૂંટણીમાં રાજકીય માહોલ ગરમાયો છે, પરંતુ આ ચૂંટણીમાં વિકાસના મુદ્દાઓ કરતા ‘વ્યક્તિગત ચહેરા’ અને ‘વૈચારિક ગુલામી’ વચ્ચેનો સંઘર્ષ વધુ તીવ્ર બન્યો છે. જિલ્લા મથક ભુજની ૧૧ વોર્ડની ૪૪ બેઠકો પર મતદાન પૂર્વે જ સત્તાધારી ભાજપે ૬ બેઠકો બિનહરીફ જીતીને પ્રભુત્વ તો જમાવ્યું છે, પણ જમીની હકીકત ભાજપ માટે ચિંતાજનક છે.
છેલ્લા ત્રણ દાયકા એટલે કે ૩૦ વર્ષથી વધુ સમયથી ભુજ પાલિકા પર ભાજપનું એકહથ્થુ શાસન હોવા છતાં શહેરના મતદારો આજે પણ પાણી, લાઈટ, ગટર અને સફાઈ જેવી પાયાની માળખાકીય સુવિધાઓ માટે ટળવળી રહ્યા છે. એક આખી નવી પેઢી જન્મી અને યુવાન થઈ ગઈ, જેણે સત્તાના સ્થાને માત્ર ભાજપને જ જોયા છે, છતાં ભુજની ભૌગોલિક અને માળખાકીય સ્થિતિમાં કોઈ ક્રાંતિકારી સુધારો થયો નથી. આશ્ચર્યની વાત એ છે કે સેતુબંધના નિર્માણ સમયે જે રીતે પથ્થરો પર ભગવાન શ્રીરામનું નામ લખતા તે તરવા લાગ્યા હતા, તેવી જ રીતે ભાજપમાં પણ હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નામે અયોગ્ય અને ન ચાલે તેવા ‘પથ્થર’ સમાન ઉમેદવારોને રાજકારણની વૈતરણી પાર કરાવી દેવાની જે પ્રથા શરૂ થઈ છે, તેનાથી પ્રજાએ પાયાની સુવિધાઓના અભાવમાં ગુલામી જેવું જીવન જીવવાનો વારો આવ્યો છે. અમુક વિસ્તારમાં આયાતી ઉમેદવારોને ઉતારી દેવામાં આવ્યા છે કે, તે કમળી અને મોદી સાહેબના નામે તડી જશે. હવે જોવાનો એ છે કે મતદારો કોની ઉપર મહોર મારે છે.
ગુજરાતથી શરૂ થયેલી ભાજપની યાત્રામાં નરેન્દ્ર મોદીના ચહેરા થકી કેન્દ્ર અને અન્ય રાજ્યોમાં ભગવો લહેરાયો છે, પરંતુ હવે ભાજપે ‘મોદી મેજિક’ને જ એકમાત્ર હથિયાર બનાવી લેતા જનતામાં કંટાળો અને રોષ જોવા મળી રહ્યો છે. ભુજ પાલિકામાં ઉમેદવારોની પસંદગીને લઈ ઠેર-ઠેર લોક વિરોધ અને પક્ષમાં આંતરિક અસંતોષની જ્વાળાઓ ભભૂકી રહી છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ ખરેખર તો રોડ, રસ્તા અને પાણી જેવા સ્થાનિક પ્રશ્નો પર લડાવી જોઈએ, પરંતુ ભાજપે આ ચૂંટણીમાં પણ દિલ્હી એટલે કે કેન્દ્રના નેતૃત્વને જ પ્રચારના કેન્દ્રમાં રાખ્યું છે. ભાજપના મેનિફેસ્ટોમાં સ્થાનિક મુદ્દાઓ ગાયબ છે અને ડોર-ટુ-ડોર પ્રચારમાં જે પેમ્પ્લેટો અપાઈ રહ્યા છે તેમાં પણ માત્ર નરેન્દ્ર મોદી અને અમિત શાહના નામે મતોની માંગણી કરવામાં આવી રહી છે. ત્રણ દાયકાના શાસન પછી પણ ભાજપ પાસે પ્રજા સમક્ષ રજૂ કરવા જેવી એક પણ સ્થાનિક સિદ્ધિ નથી જે તે ગર્વથી જણાવી શકે, અને એટલે જ પક્ષે કેન્દ્રના નેતાઓના ઓઠા હેઠળ છુપાવાનો પ્રયાસ
કર્યો છે. બીજી તરફ, વર્ષોથી સત્તાથી વંચિત રહેલી કોંગ્રેસે આ વખતે ભાજપની આ નબળી કડી પર જ પ્રહાર કર્યો છે. કોંગ્રેસ ભલે સત્તાથી દૂર હોય, પણ પ્રચારમાં તે ભુજના જ્વલંત પ્રશ્નો જેવા કે ગટરની ગંભીર સમસ્યા, અનિયમિત પાણી વિતરણ, સિટી બસ સુવિધાનો અભાવ, સાર્વજનિક પ્લોટોનું ડેવલોપમેન્ટ, રખડતા ઢોરોનો ત્રાસ અને વરસાદી વહેણ પર થયેલા દબાણોને વાચા આપી રહી છે. ભાજપ જ્યારે કેન્દ્રના નેતાઓના જોરે ચૂંટણી જીતવા મથી રહ્યું છે, ત્યારે કોંગ્રેસે સ્થાનિક પ્રશ્નોને જનતાની અદાલતમાં મૂકીને પરિવર્તનનો સૂર છેડ્યો છે. આમ, ભુજની ચૂંટણી હવે માત્ર પક્ષો વચ્ચેની જંગ નથી રહી, પરંતુ તે ‘કેન્દ્રનો ચહેરો’ વિરુદ્ધ ‘સ્થાનિક પીડા’ વચ્ચેનો જંગ બની ગઈ છે. પ્રજા હવે વિચારી રહી છે કે ૩૦ વર્ષની વફાદારીના બદલામાં તેમને મળેલી ગંદકી અને અસુવિધાનો અંત ક્યારે આવશે.

Comments