કાસેઝ સોપારી કાંડ : દાણચોરો પર ડીસીની લાલઆંખ : બીજા યુનિટને પણ શો-કોઝ નોટિસની ફટકાર
દોઢ કરોડના સોપારી કાંડમા તેજ બનતી તપાસ :૧ યુનિટને તો સીલ કરી દેવાયુ, બીજાને પણ બંધ કેમ ન કરવુ?ના વછુટયા આદેશ
ખાટલે મોટી ખોટ : કાસેઝની તપાસ તો ગતિવાન બનેલી છે, ધડાધડ પગલા લઈ રહી છે, પણ જે પોલીસે જથ્થો પકડયોહતો, તે કેમ હવે પાણીમાં જ બેસી ગયાનો દેખાય છે વર્તારો? સૌ પ્રથમ જે
રાજા નામના શખ્સનું નામ આવ્યુ હતુ તે કેમ હજુય આબાદ ફરી રહ્યો છે? યુનિટના માલીકને પકડવા યુપી-કાનપુર સુધી આંટો મારી આવેલી પોલીસ તે પછીની કાર્યવાહી બાબતે કેમ મગનું નામ હજુય મરી નથી પાડતી? આનંદ-રાજેશની સાથે મહાદેવ નામના શખ્સને પણ શા માટે ઉઠાવાતો નથી?
ગાંધીધામ : કંડલા સ્પેશિયલ ઇકોનોમિક ઝોન માં બહુચર્ચિત ‘સોપારી કાંડ’ મામલે વહીવટી તંત્ર દ્વારા આક્રમક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. ઝોનના ઇન્ચાર્જ ડેપ્યુટી કમિશનર શ્રી ડી.બી. પાટીલ દ્વારા લેવામાં આવેલા કડક વલણને પગલે ભ્રષ્ટ તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે. સાયબર સેલની તપાસ બાદ હવે આ પ્રકરણનો રેલો અન્ય યુનિટો સુધી પહોંચતા વધુ એક એકમ સામે નોટિસની કાર્યવાહી કરવામાં આવી હોવાનુ સામે આવવા પામ્યું છે. કંડલા સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લાંબા સમયથી દેશના વ્યાપાર અને અર્થતંત્રમાં મહત્વનું યોગદાન આપતું રહ્યું છે, પરંતુ તાજેતરમાં સામે આવેલો ‘સોપારી કાંડ’ સુરક્ષા અને વહીવટી પારદર્શિતા સામે ગંભીર સવાલો ઊભા કરે છે. દોઢ કરોડની શંકાસ્પદ અને ગુણવત્તાહિન સોપારીનો જથ્થો જ્યારે સેઝના પ્રતિબંધિત વિસ્તારમાંથી બહાર નીકળે, ત્યારે તે માત્ર આર્થિક ગુનો નથી, પરંતુ રાષ્ટ્રીય સુરક્ષા અને નિયમોના ઉલ્લંઘનનો પણ મામલો બની જાય છે.આ પ્રકરણમાં ઇન્ચાર્જ ડેપ્યુટી કમિશનર ડી.બી. પાટીલ દ્વારા જે પ્રકારની ‘લાલ આંખ’ કરવામાં આવી છે, તે આવકારદાયક છે. સામાન્ય રીતે આવા કૌભાંડોમાં માત્ર નીચેના સ્તરના કર્મચારીઓ સામે
પગલાં ભરીને સંતોષ માનવામાં આવતો હોય છે, પરંતુ અહીં જે રીતે સંબંધિત યુનિટને સીલ કરી, તેનો કબજો લઈ અને હવે તે માલિકના બીજા યુનિટને પણ ‘શો-કોઝ’ નોટિસ ફટકારવામાં આવી છે, તે વહીવટી તંત્રની ‘ઝીરો ટોલરન્સ‘ (શૂન્ય સહિષ્ણુતા) ની નીતિ દર્શાવે છે. થોડા સમય પૂર્વે કચ્છ બોર્ડર રેન્જ આઈજીશ્રીની સાયબર સેલની ટીમે ભચાઉ પાસેથી દોઢ કરોડ રૂપિયાની શંકાસ્પદ સોપારીનો જથ્થો ઝડપી પાડ્યો હતો. આ સોપારી કોઈપણ આધાર-પુરાવા વગરની અને કચોરી યુક્ત હોવાનું સામે આવ્યું હતું. તપાસમાં ખુલ્યું હતું કે આ જથ્થો કાસેઝના ગેટ પરથી શંકાસ્પદ રીતે બહાર નીકળ્યો હતો. આ પ્રકરણની ગંભીરતા જોઈને ડીસી ડી.બી. પાટીલે વિજિલન્સ તપાસના આદેશ આપી બે અધિકારીઓની ટીમની રચના કરી હતી.તપાસ દરમિયાન ગેટ પર તૈનાત એક અધિકારીની સંડોવણી જણાતા તેમને તાત્કાલિક અસરથી પાણીચું પકડાવી દેવામાં આવ્યું હતું. બીજી તરફ, જે યુનિટમાંથી સોપારી ભરેલું ટ્રેલર બહાર નીકળ્યું હતું, તે યુનિટના માલિક સામે કડક પગલાં ભરીને તેનું એક એકમ સીલ કરી દેવામાં આવ્યું છે. આ એકમનો કબજો પણ તંત્ર દ્વારા લઈ લેવાયો છે અને હવે તેને હરાજી ર્(ંર્ૈંહ) માં મૂકવાની વિચારણા ચાલી રહી છે.આ કૌભાંડમાં સંડોવાયેલા માલિકનું ઝોનમાં જ આવેલું અન્ય બીજું યુનિટ પણ હવે એજન્સીઓના રડારમાં આવ્યું છે. તંત્ર દ્વારા આ બીજા યુનિટને પણ ‘શો-કોઝ નોટિસ‘ ફટકારવામાં આવી છે. નોટિસમાં પૂછવામાં આવ્યું છે કે, “દાણચોરી જેવા ગંભીર કૃત્યમાં સંડોવણી બાદ આ બીજા યુનિટને પણ શા માટે બંધ ન કરવું અને તેનો કબજો કેમ ન લેવો? કાસેઝ પ્રશાસનની આ લાલા આંખને કારણે સેઝમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચલાવતા કે ભ્રષ્ટાચાર આચરનારા તત્વોમાં ભારે ફફડાટ જોવા મળી રહ્યો છે. દાણચોરી સામેની આ ઝુંબેશ આગામી દિવસોમાં વધુ તેજ બને તેવી શક્યતા છે. સેઝ જેવા સંવેદનશીલ વિસ્તારોમાં જ્યારે આવા કૌભાંડો પકડાય છે, ત્યારે તેની પાછળ એક આખું નેટવર્ક કામ કરતું હોય છે. માત્ર માલ જપ્ત કરવાથી આ દૂષણ અટકતું નથી, પરંતુ આર્થિક રીતે કમર તોડનારા પગલાં જ ભવિષ્યમાં આવા ગુનાઓને અટકાવી શકે છે. આગામી સમયમાં તપાસ એજન્સીઓ આ પ્રકરણના મૂળ સુધી પહોંચે અને આ દાણચોરીમાં અન્ય કોઈ મોટા માથાઓની સંડોવણી છે કે કેમ તે બહાર લાવે તે જરૂરી છે. કાસેઝ પ્રશાસનનો આ કડક અભિગમ જો સતત જળવાઈ રહેશે, તો જ સરહદી વિસ્તારમાં કાર્યરત આર્થિક ઝોનની ગરિમા જળવાઈ રહેશે અને પ્રમાણિક ઉદ્યોગ સાહસિકોનો વિશ્વાસ પણ વધશે.

Comments