Trending News
સ્થાનિક સમાચાર

ભુજમાં છેતરપિંડી અને લૂંટના ગુનામાં બે આરોપીઓના જામીન મંજૂર

22 April




ભુજ - કચ્છઉદય : ભુજ શહેરમાં સસ્તા ભાવે સોનાના બિસ્કિટ આપવાની લાલચ આપી છેતરપિંડી આચરવા તેમજ છરીની અણીએ નાણાં પડાવી લેવાના ગંભીર ગુનામાં પકડાયેલા બે આરોપીઓને ભુજની એડિશનલ સેસન્સ અદાલતે જામીન મુક્ત કર્યા છે. આ કેસની વિગત મુજબ, ફરિયાદી મહેન્દ્રસિંહ પૃથ્વીરાજસિંહ ચૌહાણને બજાર કિંમત કરતા સસ્તા ભાવે સોનું આપવાની લાલચ આપી ભુજ બોલાવવામાં આવ્યા હતા. જ્યાં આરોપીઓએ નકલી સોનાનું બિસ્કિટ આપી છેતરપિંડી કરી હતી અને ત્યારબાદ છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી રૂા. ૮.૫૦ લાખ બળજબરીપૂર્વક કઢાવી લીધા હતા. આ અંગે ભુજ બી-ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાયા બાદ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. નીચલી અદાલતે આરોપીઓની જામીન અરજી નામંજૂર કરી તેમને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપ્યા હતા, જે બાદ આરોપીઓ દ્વારા ભુજની સેસન્સ અદાલતમાં નિયમિત જામીન મેળવવા અરજી કરવામાં આવી હતી. આરોપીઓ વતી એડવોકેટ કે.પી. ગઢવીએ દલીલ કરી હતી. બચાવ પક્ષની દલીલો અને રજૂઆતોને ગ્રાહ્ય રાખીને એડિશનલ સેસન્સ જજે આરોપી યુસુફ ઉર્ફે જુસબ ઈકબાલ નોતિયાર તથા અફઝલ દાઉદ નોતિયારની જામીન અરજી મંજૂર કરી તેમને મુક્ત કરવાનો આદેશ આપ્યો છે. આ કેસમાં આરોપીઓ પક્ષે એડવોકેટ કે.પી. ગઢવી સાથે વી.આર. ભાનુશાલી, બી.જે. ભદ્રા, પી.ડી. ખુંગલા અને એચ.પી. ગઢવી હાજર રહ્યા હતા.

---------- 

Comments

COMMENT / REPLY FROM